Ahmedabad Fire: અમદાવાદની બિલ્ડિંગમાં આગ! મહિલાનું મોત, ૨૨ લોકો હોસ્પિટલમાં ખસેડાયાં

16 November, 2024 09:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Ahmedabad Fire: બોપલ વિસ્તારમાં લાગેલી આ આગના ઘટનાસ્થળે 108 સર્વિસની ડઝન જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના બોપલ વિસ્તારમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના (Ahmedabad Fire) સામે આવી હતી. તમને જણાવી દઈએ કે અહીંના ઈસ્કોન પ્લેટિનિયમ નામના રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાવહ રીતે ફેલાઈ હતી કે આઆગ ઓલવવા માટે 12 જેટલાં ફાયર ફાયટરના વાહનો તેમ જ 50 ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

૧૦૦ જેટલાં લોકોનું રેસ્ક્યૂ કરાયું- ૨૨ લોકો હોસ્પિટલાઇઝ્ડ

પ્રાપ્ત માહિતી અનુસાર 100 જેટલાં લોકોને બિલ્ડિંગમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ આગની દુર્ઘટના (Ahmedabad Fire)માં અનેક વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. એક મહિલા બેહોશ થઈ જવાને કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયું છે. તેમનું નામ મિલાબેન શાહ તરીકે સામે આવ્યું છે.

ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી આ આગની ઘટના બાબતે જણાવે છે કે, “ઇસ્કોન પ્લેટિનમના 8મા માળે આ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં લગભગ 100 લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.”

ડઝનેક એમ્બ્યુલન્સની ગાડીઓ પહોંચી હતી

બોપલ વિસ્તારમાં લાગેલી આ આગ (Ahmedabad Fire)ના ઘટનાસ્થળે 108 સર્વિસની ડઝન જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આગ લાગવાને કારણે ધુમાડાને કારણે કેટલાંક લોકોને અકળામણ થવા લાગી હતી, તે લોકોને તાબડતોબ જ સરસ્વતી હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થળ પર આ ઘટના સ્થળે પહોંચી ગયાં હતા.

દેવ દિવાળીના ફટાકડાને કારણે આ આગ લાગી હતી?

રહેવાસીઓ એવું જણાવી રહ્યા છે કે આ જે ઘટના લાગી હતી તે પાછળ ફટાકડા જવાબદાર હોઈ શકે. કારણકે દેવ દિવાળીનો તહેવાર હોવાને કારણે બિલ્ડિંગના કંપાઉન્ડમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જો કે, ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે આગ 8મા માળે ઈલેક્ટ્રીક ડક્ટમાં લાગી હતી અને ધીમે ધીમે આગળના ફ્લોર સુધી ફેલાઈ હતી. ધીમે ધીમે આ આગ 17મા ફ્લોર પર આવેલ એક ઘરમાં ફેલાઈ હતી જેને કારણે ત્યાં રહેનાર બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેમને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Ahmedabad Fire: 22 જેટલાં લોકો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પોલીસે જણાવી હતી. 21 માળની ઇસ્કોન પ્લેટિના બિલ્ડિંગના 8મા માળે શુક્રવારે રાત્રે 10.40 વાગ્યાની આસપાસ ફાટી નીકળેલી આગમાં ૬૫ વર્ષીય મહિલાનું મોત થયું અને ૨૨ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મહામહેનતે આ આ આગને શનિવારે વહેલી સવારે 3.40 વાગ્યા સુધી કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ હતા.

gujarat news ahmedabad fire incident gujarat national news india