24 January, 2025 10:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વર્ચ્યુઅલ રિયલિટીના માધ્યમથી મહાકુંભ મેળાને માણી રહેલાં યુવકો અને યુવતીઓ.
અમદાવાદમાં ગઈ કાલથી હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા શરૂ થયેલા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં અમદાવાદના હજારો લોકોને શહેરમાં બેઠાં-બેઠાં જ વર્ચ્યુઅલ રિયલિટીના માધ્યમથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની અનુભૂતિ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, ટેક્નૉલૉજીના માધ્યમથી મહાકુંભનાં દર્શન બાદ લોકોને ફુવારા દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને ત્રિવેણી સ્નાન કર્યાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ બની કે કૉલેજિયન વિદ્યાર્થીઓ પ્રયાગરાજનાં સંગમ દર્શન માટે લાઇન લગાવીને બેઠા હતા અને તેમણે ત્રિવેણી સંગમનો વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા સાક્ષાત્કાર કર્યો હતો.
વર્ચ્યુઅલ રિયલિટીના માધ્યમથી મહાકુંભની અનુભૂતિ કર્યા બાદ બહાર નીકળતી વખતે ફુવારા દ્વારા પાણી છાંટીને મહાકુંભના સ્નાનનો અનુભવ દર્શનાર્થીઓને કરાવવામાં આવી રહ્યો છે.
ડિવાઇસની મદદથી ત્રણ મિનિટની મહાકુંભની ક્લિપમાં ૩૬૦ ડિગ્રીએ ત્રિવેણી સંગમ પર ઉપસ્થિત હોઈએ એવો અનુભવ કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. લોકો મહાકુંભનાં દર્શન કરી શકે એ માટે ૪૦ ડિવાઇસ રાખવામાં આવ્યાં હતાં.
મહાકુંભનાં દર્શન ઉપરાંત આ મેળામાં વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા અઢી મિનિટની ક્લિપ દ્વારા રામાયણના પ્રસંગોનાં પણ દર્શન કરાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ડાકોરના રણછોડરાયજીનું મંદિર, અંબાજીના અંબે માતાજીનું મંદિર, પાવાગઢના મહાકાળી માતાજીનું મંદિર, જગન્નાથ મંદિર, વડતાલ મંદિર, પાલીતાણા જૈન તીર્થ, સોમનાથ મંદિર, કલ્કિ તીર્થધામ, શબરીમાલા મંદિર સહિતનાં મંદિરોની પ્રતિકૃતિ બનાવીને લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.