27 October, 2024 08:37 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આખો દિવસ દિવાળીનું સફાઈકામ કરીને આવેલી મહિલાઓ સહિત બ્લૉકના સૌ સભ્યો ગઈ કાલે રાતે એકસાથે જમવા બેઠાં હતાં.
દિવાળી નજીક આવી પહોંચી છે ત્યારે દરેકના ઘરમાં સફાઈકામ, રંગરોગાન સહિતનાં નાનાં-મોટાં કામો ચાલતાં હશે. મહિલાઓ પણ સફાઈકામ કરીને સ્વાભાવિક રીતે થાકી જાય. એટલે જ અમદાવાદમાં સોલા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીની વીસ ફૅમિલીએ દિવાળીને લઈને કૉમન રસોઇયો રાખ્યો છે અને સાંજની રસોઈ સૌ સાથે બેસીને જમે છે એટલે આ તમામ ફૅમિલીની મહિલાઓ દિવાળીની ટેન્શન-ફ્રી સફાઈ કરીને ખુશ થઈ ગઈ છે.
સોસાયટીના જિજ્ઞેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળી નજીક આવે ત્યારે એવું બનતું હોય છે કે સાંજે જ્યારે માણસ નોકરી-ધંધેથી ઘરે આવે ત્યારે ઘરમાં સફાઈકામ કરીને થાકી ગયેલી ઘરની મહિલાઓ મોટા ભાગે એમ કહેતી હોય છે કે થાકી ગયાં છીએ, બહારથી કંઈ ખાવાનું લાવીએ કે બહાર ખાવા જઈએ, બટાટા પૌંઆ ચાલશે? સ્વાભાવિક રીતે આવું કહે, કેમ કે તેઓ સફાઈકામ કરીને થાકી ગયાં હોય. અમે મિત્રો રાતે નીચે બેઠા હતા ત્યારે આ વાત નીકળી અને નક્કી કર્યું કે આપણે દિવાળીની સફાઈ કરતા હોઈએ છીએ તો એના દિવસો નક્કી કરીને ઘરમાં સફાઈકામ કરીએ. જે દિવસ નક્કી કર્યા હોય એ દિવસો દરમ્યાન કૉમન રસોઇયો રાખીને તેમની પાસે રસોઈ બનાવીએ અને સૌ સાથે બેસીને જમીએ. આ આઇડિયા બધાને પસંદ પડ્યો અને વર્ષ ૨૦૧૯થી દિવાળી પહેલાં અમારા સી-બ્લૉકની વીસ ફૅમિલીએ દિવાળીના કામના દિવસો નક્કી કરીને રસોઇયાને નક્કી કરી દીધા, જેઓ સાંજે રસોઈ બનાવી દે છે. જ્યારથી રસોઈની સિસ્ટમ શરૂ કરી ત્યારથી મહિલાઓ પોતપોતાના ઘરમાં શાંતિથી દિવાળીની સફાઈ કરે છે. આખો દિવસ સફાઈકામ કરીને થાકી ગયેલી મહિલાઓને સાંજે જમવાનું શું બનાવવું એની ઝંઝટ રહેતી નથી.’
સફાઈકામ તો થઈ જાય અને જેમણે દિવાળીની ખરીદી કરવા જવાનું હોય તેમને પણ સાંજની રસોઈની ચિંતા રહેતી નથી. ખાસ વાત તો એ બની છે કે સાથે બેસીને જમવાનું થતાં અમારી વીસ ફૅમિલીમાં બૉન્ડિંગ વધુ મજબૂત બન્યું છે અને કૌટુંબિક ભાવના પણ ઊભી થઈ છે તેમ જ સૌ હળીમળીને રહે છે. - જિજ્ઞેશ પટેલ