18 January, 2025 10:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સ્મશાનમાં ચિતા પર ગોઠવવામાં આવેલી ગાયના છાણની સ્ટિક.
પર્યાવરણના જતન માટે અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નવતર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદનાં સ્મશાનોમાં પાર્થિવ દેહની અંતિમવિધિ માટે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાયના છાણની અંદાજે રોજની ૭૦૦ કિલો સ્ટિકનો વપરાશ અંતિમક્રિયા માટે થઈ રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના વડા નરેશ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શહેરમાંથી રખડતાં પશુઓને પકડીને તેમને દાણીલીમડા અને બાકરોલ કરુણા મંદિરમાં રાખવામાં આવે છે. ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે જેમાં ગાયના છાણમાંથી બનાવેલી સ્ટિકનો ઉપયોગ સ્મશાનમાં અંતિમવિધિમાં કરવાનું શરૂ કર્યું છે. શહેરનાં ૨૧ સ્મશાનોમાં અત્યાર સુધીમાં ગાયનાં છાણની ૫૩૩૦ કિલો સ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાર્થિવ દેહની અંતિમવિધિ માટે લાકડાંનો ઉપયોગ થાય છે એમાં એક અંતિમવિધિમાં અંદાજે ગાયના છાણમાંથી બનેલી ૧૫થી ૨૦ કિલો સ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોજની ૭૦૦ કિલો જેટલી સ્ટિકનો ઉપયોગ અંતિમવિધિ માટે થઈ રહ્યો છે.’
પર્યાવરણને જાળવવા માટેની આ પહેલ વિશે વાત કરતાં નરેશ રાજપૂતે કહ્યું હતું કે ‘આની પાછળ પર્યાવરણના જતનનો ઉદ્દેશ છે. અંતિમ સંસ્કારમાં આમ પણ છાણાંનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આગ ઝડપથી પકડાય છે. એમાં હવે ગાયના છાણની સ્ટિકનો ઉપયોગ થાય એટલે એટલાં લાકડાં ઓછાં વપરાય છે. લાકડાંનો વપરાશ ઘટવાથી કાર્બન ઉત્સર્જન ઘટે છે. રિડ્યુસ, રીયુઝ અને રીસાઇકલના કન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ. ગાયના ગોબરને મશીનમાં નાખીને એની ગોળ સ્ટિક બનાવીને સૂકવી દેવામાં આવે છે. આ સ્ટિક દોઢથી બે ફુટની હોય છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. અંતિમવિધિ માટે આવતા લોકો પણ આને આવકારી રહ્યા છે. આ પાઇલટ પ્રોજેક્ટ છે એટલે અંતિમવિધિ માટે હાલમાં ગાયના છાણની સ્ટિક ફ્રીમાં આપવામાં આવે છે.’
ગાયના છાણમાંથી બનાવેલાં કૂંડાં.
શહેરમાંથી રખડતાં પશુઓને પકડીને દાણીલીમડા અને બાકરોલ કરુણા મંદિરમાં રાખવામાં આવે છે. જે પશુઓને છોડાવવા કોઈ પશુમાલિક આવતો નથી એવાં પશુઓને અહીં રાખવામાં આવે છે. આ બન્ને જગ્યાએ દૈનિક ૭૫૦૦ કિલો જેટલું છાણ જનરેટ થાય છે અને એને પ્રોસેસ કરીને છાણાં, છાણની સ્ટિક, કોડિયાં, કૂંડાં, ખાતર બનાવવામાં આવી રહ્યાં છે.