28 March, 2023 03:45 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કિરણ પટેલ અને તેની પત્ની (તસવીર: ટ્વિટર)
જમ્મુ-કાશ્મીરમાં PMOના નામે Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રુફ કારમાં ફરનાર મહાઠગ કિરણ પટેલની ધરપકબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની પત્ની માલિની પટેલની ધરપકડ કરી છે. અમદાવાદમાં જગદીશપુરમ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
કિરણ પટેલ કાશ્મીરમાં PMOનો અધિકારી હોવાનો દાવો કરી હાઈ સુરક્ષા સાથે ફાઈવ સ્ટાર હોટલમાં રહી ત્યાં ફરતો હતો. આટલું જ નહીં ત્યાં આ મહાઠગે ખોટી ઓળખ આપી બેઠક પણ યોજી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસને શંકા જતા તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કિરણ પટેલની ધરપકડ બાદ તેના કેટલાય કારનામાંનો પર્દાફાશ થયો છે. તે અમદાવાદમાં રહે છે અને ત્યાં પણ તેની વિરુદ્ધ કેટલાક કેસ નોંધાયેલા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઇ હતી. પૂર્વમંત્રીના ભાઈએ આ ફરિયાદ નોંધાવી હતી.કિરણ પટેલ બંગલો રિનોવેશન કરાવવાનું કહીને એક બંગલો પચાવી પાડવા માંગતો હતો, તેણે કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. ફરિયાદ નોંધાતાં જ મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલ ફરાર થઇ ગઇ હતી. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેણીને જંબુસરથી ઝડપી પાડી છે.
આ પણ વાંચો: કોણ છે ગુજરાતી ઠગ કિરણ પટેલ? જેણે PMOના નામે જમ્મુ-કાશ્મીરમાં ઠાઠમાઠથી કર્યો પ્રવાસ
વર્ષ 2022માં જવાહર ચાવડાના ભાઈ જગદીશભાઈને મિર્ઝાપુર કોર્ટની નોટિસ મળી હતી. જેમાં કિરણ પટેલ અને તેની પત્નીએ બંગલા માટે દાવો કર્યો હતો. ત્યાર બાદ જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાતાં જ મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની તેના ઘરેથી ફરાર થઇ હતી. બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની શોધખોળ કરી તેણીને જંબુસરથી ઝપડી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.