09 September, 2024 06:43 AM IST | Ahmedabad | Prakash Bambhroliya
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આમ તો આવી પરિસ્થિતિમાં કોઈ પણ ગભરાઈ જાય; પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સુરેશ મિસ્ત્રીએ મોબાઇલમાંથી ફાયર-બ્રિગેડ, પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના નંબર શોધ્યા અને બધાને ઇન્ફૉર્મ કર્યા કે પોતે નદીમાં ફસાઈ ગયા છે : જ્યાં સુધી તેમને બચાવવામાં ન આવ્યા ત્યાં સુધી સતત ફોન પર બધા સાથે કો-આૅર્ડિનેટ કરતા રહ્યા
નદીમાં વહી રહેલા પાણીમાં ડૂબેલી કારની ઉપર બેસેલી બે વ્યક્તિનો વિડિયો ગઈ કાલે જબરદસ્ત વાઇરલ થયો હતો. આ વિડિયો ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડિયાવીર અને કડિયાદરા પાસેની કરોલ નદીનો અને કારની ઉપર બેસેલી બે વ્યક્તિ સુરેશ મિસ્ત્રી અને તેમનાં પત્ની નયના મિસ્ત્રી હોવાનું બાદમાં જણાઈ આવ્યું હતું. તેમને ત્રણ કલાક બાદ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે આવી સ્થિતિમાં હોઈએ ત્યારે કોઈ પણ ગભરાઈ જાય, પણ આ પતિ-પત્ની તો પાણીમાં આખેઆખી ડૂબેલી કારની ઉપર શાંતિથી બેસીને મોબાઇલ પર વાત કરતાં હોવાનું વિડિયોમાં જણાઈ આવ્યું હતું. અનેક લોકોએ થોડી વારમાં બચાવી લેવામાં આવશે એવું તેમને ફોન કરીને કહ્યું હતું. આથી ગભરાઈ જવાને બદલે કપલે શાંતિ જાળવી રાખી હતી. યુવાનો સતત મોબાઇલમાં રચ્યાપચ્યા રહે છે ત્યારે આપણે તેમને થોડો સમય મોબાઇલ મૂકવાનું કહીએ છીએ, જ્યારે આ કેસમાં મોબાઇલનો સહારો મળતાં એક કપલનો બચાવ થયો હતો. ચોંકાવનારી વાત એ છે કે ઇડર ફાયર-બ્રિગેડના કન્ટ્રોલરૂમમાં અનેક વખત ફોન કર્યા બાદ પણ કોઈ રિસ્પૉન્સ નહોતો મળ્યો, જ્યારે ઇડર પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે કપલને ઉગાર્યું હતું.
ઇડર પોલીસના જણાવ્યા મુજબ મૂળ ઇડરના અને અમદાવાદમાં રહેતા ૫૮ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સુરેશ મિસ્ત્રી તેમનાં પંચાવન વર્ષનાં પત્ની નયના મિસ્ત્રી સાથે બડોલીથી ભૂતિયા ગામ તરફ જવા માટે સવારના કારમાં નીકળ્યા હતા. ભૂતિયા ગામની પહેલાં રસ્તામાં કરોલ નદી આવેલી છે. આ નદી પરના કૉઝવેમાં પાણી વહેતું હોવા છતાં સુરેશ મિસ્ત્રીએ નીકળી જવાશે એમ માનીને કાર આગળ વધારી હતી. જોકે કૉઝવેમાં અડધે પહોંચ્યા પછી કાર બંધ થઈ ગઈ હતી. એ સમયે નદીમાં પાણીની સપાટીમાં પણ વધારો થતાં છત સિવાયની કાર પાણીમાં ડૂબી જવાથી પતિ-પત્ની કારની સનરૂફ એટલે કે છત ખોલીને ઉપર ચડી ગયાં હતાં. નયના મિસ્ત્રીએ તેમની સાડી કાઢીને હવામાં ફરકાવીને બચાવવા માટેનો સંકેત આપ્યો હતો. નદીના કિનારે એ સમયે હાજર કેટલાક લોકોએ આ સંકેત જોયો હતો તો કેટલાક લોકોએ ફસાયેલા કપલનો વિડિયો લીધો હતો અને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.
મોબાઇલ અને ત્રણ કલાક
સવારના ૧૧.૩૦ વાગ્યે સુરેશ મિસ્ત્રીની કાર કૉઝવેમાં ફસાઈ હતી અને પતિ-પત્નીને ૨.૩૦ વાગ્યે બચાવી લેવામાં આવ્યાં હતાં. કપલને સલામત રીતે નદીમાંથી બહાર કાઢનારા ઇડર પોલીસ-સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ હિરેનસિંહ રહેવરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નદી ક્રૉસ કરતી કાર કૉઝવેમાં અડધે પહોંચી ત્યારે બંધ થઈ ગઈ હતી. કારમાં પાણી ભરાવા લાગતાં સુરેશ મિસ્ત્રી અને તેમનાં પત્ની નયના મિસ્ત્રી કારની છત ખોલીને ઉપર બેસી ગયાં હતાં. નદીમાં પાણીનો પ્રવાહ હતો, પણ એનાથી કાર ખસી જાય એમ નહોતી એટલે કાર કૉઝવેમાં સ્ટક થઈ ગઈ હતી. પતિ-પત્નીને તરતાં નથી આવડતું. સુરેશ મિસ્ત્રીનો મોબાઇલ ફોન કારમાં રહી ગયો હતો, જ્યારે નયના મિસ્ત્રીનો મોબાઇલ હાથવગો હતો એટલે એમાંથી તેમણે બધાને ફોન કરીને તેઓ નદીની વચ્ચે ફસાયાં હોવાની જાણ કરી હતી. ઇડર જિલ્લાની ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમ, ફાયર-બ્રિગેડ અને પોલીસના કન્ટ્રોલરૂમના નંબર મેળવીને તેમણે ફોન કર્યા હતા. અમને એક વાગ્યે કૉલ મળ્યો હતો. આથી અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અમે ૨.૩૦ વાગ્યે પતિ-પત્નીને સલામત રીતે નદીની બહાર કાઢીને ઇડર જનરલ હૉસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં.’
પાણીની સપાટી ન વધી
હેડ કૉન્સ્ટેબલ હિરેનસિંહ રહેવરે વધુમાં કહ્યું હતું કે ‘નદીમાં પાણીની સપાટી ૧૧.૩૦ વાગ્યે હતી એટલી જ બપોરના ૨.૩૦ વાગ્યા સુધી રહી હતી એટલે સુરેશ મિસ્ત્રી અને તેમનાં પત્ની નયના મિસ્ત્રી કારની ઉપર ટકી શક્યાં હતાં. તેમના ધ્યાનમાં પણ આ વાત આવી હતી એટલે તેઓ ગભરાઈ જવાને બદલે કારની છત પર શાંતિથી બેસીને મોબાઇલ પર વાત કરતાં જોવા મળ્યાં હતાં.’
તણાવાના ડરથી કોઈ આગળ ન આવ્યું
નદીની વચ્ચે કારની છત પર બેસેલા કપલનો વિડિયો વાઇરલ થયા બાદ અનેક લોકો કરોલ નદીના કિનારે પહોંચી ગયા હતા. એમાં મોટા ભાગના લોકો આસપાસનાં ગામોના જ હતા. કાર નદીની વચ્ચોવચ હતી અને પાણીનો પ્રવાહ વધુ હતો એટલે કોઈએ નદીમાં પડવાની હિંમત નહોતી કરી એવું જાણવા મળ્યું હતું.