11 January, 2025 08:10 AM IST | Mumbai | Shailesh Nayak
ગાર્ગી રાણપરાને ક્લાસમાં જતી વખતે અનઈઝીનેસ લાગી રહી હતી એટલે તે કૉરિડોરમાં એક ચૅર પર બેસી ગઈ હતી અને બેઠા પછી નીચે ફસડાઈ પડી હતી.
અમદાવાદમાં ગઈ કાલે હૃદયને હચમચાવતી નાખનારી ઘટના બની હતી જેમાં માત્ર ૮ વર્ષની બાળકીને બે વાર કાર્ડિઍક અરેસ્ટ આવતાં તેનું મૃત્યુ થયું હતું. અમદાવાદમાં આવેલી ઝેબર સ્કૂલમાં થર્ડ ગ્રેડમાં અભ્યાસ કરતી આ દીકરી સ્કૂલમાં પહોંચ્યા બાદ ક્લાસરૂમમાં જતી હતી એ દરમ્યાન ઢળી પડી હતી. તેનાં માતાપિતા મુંબઈ હોવાથી દાદા-દાદી સાથે રહેતી નાનકડી દીકરીને અચાનક કાર્ડિઍક અરેસ્ટ આવતાં તેનું મૃત્યુ થયું અને શાળામાં તથા સ્વજનોમાં આઘાત સાથે શૉકનું મોજું ફરી વળ્યું હતું.
ઝેબર સ્કૂલનાં પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિંહાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ગાર્ગી રાણપરા વૅનમાં સ્કૂલ આવી હતી. તે ૮ વર્ષની છે અને ગ્રેડ થ્રીમાં અભ્યાસ કરે છે. તેનો ક્લાસરૂમ પહેલે માળે છે. તે ત્યાં જઈ રહી હતી ત્યારે તે અનઈઝીનેસ સાથે વૉક કરી રહી હતી અને કૉરિડોરમાં મૂકેલી ચૅર પર બેસી ગઈ હતી અને અચાનક ચૅર પરથી ઢળી પડી હતી. ટીચરે તેને જોતાં તેને સુવડાવીને કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપવાની કોશિશ કરી હતી. તેને જોઈને લાગતું હતું કે તેને બ્રીધિંગ પ્રૉબ્લેમ થઈ રહ્યો છે. અમે તરત ૧૦૮ ઍમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ તેની કન્ડિશન જોઈને અમે તરત તેને હૉસ્પિટલ લઈ ગયા હતા અને ઇમર્જન્સીમાં તેને ઍડ્મિટ કરી હતી. ડૉક્ટરે એક્ઝામિન કરીને કહ્યું કે તેને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો છે. તેને બચાવી લેવાના પ્રયાસ કર્યા અને વેન્ટિલેટર પર રાખી, પણ તે બચી ન શકી.’
ગાર્ગીને બે વખત કાર્ડિઍક અરેસ્ટ આવતાં અમે પણ શૉકમાં છીએ એમ જણાવતાં શર્મિષ્ઠા સિંહાએ કહ્યું હતું કે ‘ગાર્ગીના રિલેટિવને જાણ કરતાં તેની ફૅમિલીના સભ્યો હૉસ્પિટલ આવ્યા હતા. તેમની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે ગાર્ગીની કોઈ મેડિકલ હિસ્ટરી પણ નથી. જોકે તેને સીઝનને કારણે કોલ્ડ-કફ જેવું હોય છે એવું હતું પણ તેની બીજી કોઈ મેડિકલ હિસ્ટરી નથી. તેના દાદાએ કહ્યું કે સવારે તેણે આલૂ-પરાઠાનો બ્રેકફાસ્ટ કર્યો હતો અને સ્કૂલવૅન સુધી તો તે હસતી-હસતી ગઈ હતી. તેના ફાધર મુંબઈમાં વર્ક કરે છે અને મમ્મી થોડા સમય પહેલાં મુંબઈ ગઈ હતી. ‘ગાર્ગી સિરિયસ છે, તમે જલદી આવી આવો’ એવું કહીને તેમના રિલેટિવે ગાર્ગીનાં માતા-પિતાને જાણ કરતાં તેઓ મુંબઈથી અમદાવાદ આવવા નીકળી ગયાં હતાં.’
સ્કૂલમાં અભ્યાસ કરતી ૮ વર્ષની ગાર્ગી રાણપરાનું મૃત્યુ થતાં પોલીસને એની જાણ કરવામાં આવી હતી અને પોલીસે તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં મોડી સાંજ સુધી પોસ્ટમૉર્ટમની કાર્યવાહી ચાલી હતી.
પોતાની વહાલસોયી દીકરી ગુમાવનાર પિતા તુષાર રાણપરાનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો હતો, પરંતુ શોકમગ્ન તુષારભાઈ પર આભ તૂટી પડતાં તેઓ વાત કરવા અસમર્થ હતા.