બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં રચાઈ વિશાળ માનવસાંકળ

11 December, 2024 12:02 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સંતો, મહંતો સહિત આબાલવૃદ્ધ સૌએ એક થઈને દર્શાવ્યો વિરોધ: મોટી સંખ્યામાં મહિલાઓએ પણ રોડ પર ઊતરીને વિરોધ વ્યક્ત કર્યો

અમદાવાદમાં યોજાયેલા વિરોધ-પ્રદર્શનમાં સંતો, મહંતો ઉપસ્થિત રહીને માનવસાંકળ રચીને બંગલાદેશના હિન્દુઓ માટે અવાજ ઉઠાવ્યો હતો.

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને મંદિરોમાં થઈ રહેલી તોડફોડના વિરોધમાં ગઈ કાલે અમદાવાદમાં વિશાળ માનવસાંકળ રચીને સંતો, મહંતો સહિત આબાલવૃદ્ધ સૌએ એક થઈને વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ હતી કે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ રોડ પર ઊતરી આવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. 

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં રચાયેલી માનવસાંકળમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાથમાં પ્લૅકાર્ડ લઈને ઊમટી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.  તસવીરઃ જનક પટેલ

અમદાવાદના રિવરફ્રન્ટ પર હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા માનવસાંકળ રચવામાં આવી હતી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પ્રશાંતસ્વરૂપદાસ સ્વામી, જ્ઞાનસાગરદાસ સ્વામી, નિત્યસ્વરૂપદાસ સ્વામી, ઇસ્કૉનના રામચરણદાસ મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના સંઘચાલક ડૉ. ભરત પટેલ, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, વિધાનસભ્યો તેમ જ મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને માનવસાંકળ રચી હતી. 

ahmedabad bangladesh hinduism religion religious places gujarat Sabarmati Riverfront gujarat news news