અરે સાહેબ, મકાન તમે અપાવ્યું એ પછી તો બહુ માગાં પણ સારાં આવે છે

11 February, 2024 10:01 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મોરબી જિલ્લાના નાના ખીજડિયા ગામનાં ગીતા ચૌહાણે નરેન્દ્ર મોદીને હર્ષભેર દીકરા-દીકરીનાં સગપણની વાત કરીને કહ્યું કે મારા સપનાનું ઘર બન્યું છે : નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને ગુજરાતમાં ૧,૩૧,૪૫૪ આવાસોનું કર્યું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આવાસ યોજનાના ઈ-લોકાર્પણ પ્રસંગે વર્ચ્યુઅલી રીતે ઉપસ્થિત રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત મકાન મળ્યાં બાદ પોતાના દીકરા-દીકરીનાં સગપણ માટે સારા ઘરનાં માગાં આવી રહ્યાં છે એની ખુશી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વ્યક્ત કરતાં ગુજરાતના મોરબી જિલ્લાના નાના ખીજડિયા ગામનાં ગીતા ચૌહાણે ગઈ કાલે નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલી રીતે વાત કરતાં કહ્યું હતું કે ‘અરે સાહેબ, મકાન તમે અપાવ્યું પછી તો બહુ માગાં પણ સારાં આવે છે.’

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વર્ચ્યુઅલી રીતે ઉપસ્થિત રહીને ગુજરાતમાં ૨૯૯૩ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં આવાસ યોજનાના લોકાર્પણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામનાં ગીતા છગન ચૌહાણને મકાન મળતાં તેમની સાથે વર્ચ્યુઅલી વાત કરી હતી. ગીતા ચૌહાણે નરેન્દ્ર મોદીને જય શ્રીરામ કહીને કહ્યું હતું કે ‘આજે તો ખુશીનો માહોલ છે કે તમારી સાથે વાત કરવા મળી. મને સરકાર તરફથી બધો લાભ મળ્યો છે. સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે, મારા સપનાનું મકાન બનાવ્યું છે. મારા છોકરાઓ અને હું બહુ ખુશીથી રહીએ છીએ. મારી એક દીકરી ડેન્ટલનું ભણે છે, બીજી દીકરી કૉલેજમાં અભ્યાસ કરે છે, એક દીકરી અજંતામાં જાય છે. મારો દીકરો શિક્ષક તરીકે પ્રાઇવેટમાં નોકરી કરે છે.’
આ સાંભળતાં જ નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે ‘તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે. હવે છોકરા બધાં લગન કરવા જેવાં થઈ ગયાં.’ત્યારે ગીતા ચૌહાણે નરેન્દ્ર મોદીને આનંદીત થઈને કહ્યું હતું કે ‘અરે સાહેબ, હવે તો મકાન તમે આપ્યું, પછી તો બહુ માગાં પણ સારાં આવે છે. બહુ માણસો સારા બોલાવે છે અમને. સાહેબ, તમારો આભાર. મારા સપનાનું ઘર બનાવ્યું છે.’
ઉલ્લેખનીય છે કે કોરોનામાં છગનભાઈનું અવસાન થયા પછી બાળકોના ઉછેરની તથા ભણાવવાની જવાબદારી ગીતા ચૌહાણ પર આવી ગઈ હતી. તેઓએ ઇમિટેશન કામમાં મહેનત કરીને બાળકોને મોટાં કર્યાં છે. ૨૫ વર્ષથી એક જૂના મકાનમાં રહેતાં હતાં, જેમાં ચોમાસા દરમ્યાન પાણી પડી રહ્યું હતું અને ઘણી મુશ્કેલી હતી. આ દરમ્યાન તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૦૦ ચોરસ વારનો પ્લોટ મળ્યો હતો અને ઘર બનાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ નાના ખીજડિયા ઉપરાંત રાજકોટ, વાપી તથા બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા અને જલોત્રા ગામના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યા બાદ સંબોધન કરતાં કહ્યું હતું કે ‘મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે. સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે. મોદીની ગૅરન્ટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે. ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે એટલે તેમનું સશક્તીકરણ કરવું એ અમારી પ્રતિબદ્ધતા છે.’

gujarat news ahmedabad narendra modi