18 July, 2024 07:56 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
જનજાગૃતિની પહેલમાં ગઈ કાલે બોટાદ અને અમરેલીમાં હરિભક્તોએ બેઠક કરી હતી.
સ્વામીનારાયણના વડતાલ સંપ્રદાયમાં છેલ્લા કેટલાક સમયથી સાધુઓનો વિવાદ ચાલી રહ્યો છે. આ સંપ્રદાયના ૫૦ જેટલા સાધુઓ ધર્મના નિયમોને કોરાણે મૂકીને પોતાની રીતે મંદિરો ચલાવવાની સાથે મહિલાઓ અને કુમળાં બાળકોને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા હોવાનો આરોપ છે. આવા સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કાઢવા માટે હરિભક્તોએ પહેલાં ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરોને આવેદનપત્રો આપ્યાં હતાં. જોકે એનું કોઈ પરિણામ નથી આવ્યું એટલે હવે મુંબઈ-સુરત સહિતના ૩૦૦ હરિભક્તોએ આ સાધુઓને હટાવવા માટે શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ગામેગામ ફરીને જનજાગૃતિ લાવવાની શરૂઆત કરી છે. મંગળવારે સુરતથી શરૂઆત કરાયા બાદ ગઈ કાલે બોટાદ, વડોદરા, આણંદ, નડિયાદ અને અમરેલી જિલ્લામાં હરિભક્તો પહોંચ્યા હતા.
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના ૩૦૦ જેટલા હરિભક્તો દ્વારા મંગળવારે સુરતમાં પાલનપુર મશાલ સર્કલ પાસે લંપટ સાધુઓને હટાવીને ધર્મ બચાવવા સહિતની માગણી સાથે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ ખોટી રીતે ગાદી પર બેસીને ધર્મવિરોધી કામ કરતા સાધુઓથી સાવધ રહેવા લોકોને જાગૃત કરવાનો નિર્ણય લીધો હતો.
શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના મીરા રોડમાં રહેતા અધ્યક્ષ અરજણ પટેલે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા સનાતન ધર્મની ટીકા કરતા વિડિયો બહારપાડવામાં આવ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો હિસ્સો જ છે. આથી ધર્મવિરોધી વાત કરનારાઓથી હરિભક્તોએ દૂર રહેવું જોઈએ. ૫૦ જેટલા સાધુઓ સ્વામીનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીના નિયમોનું પાલન નથી કરતા અને મનફાવે એમ મંદિરોનો વહીવટ કરે છે.આ ધર્મવિરોધી છે. આ સિવાય કેટલાક સાધુઓ સામે મહિલાઓ અને ગુરુકુળોમાં કુમળાં બાળકોનું શારીરિક શોષણ કરવાની ફરિયાદો મળી છે. આવા સાધુઓને કારણે આખો સંપ્રદાય બદનામ થાય છે. અમે તમામ જિલ્લાના કલેક્ટરોને આ સંબંધે પત્ર લખીને પગલાં લેવાની માગણી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ. આથી અમે હવે દરેક જિલ્લાના ગામ અને શહેરમાં ફરીને ધર્મવિરોધી કામ કરનારા સાધુઓથી લોકોને સાવધ કરવા માટે નીકળ્યા છીએ. ૩૦૦ હરિભક્તો ૨૦થી ૨૫ની ટીમ બનાવીને જુદા-જુદા શહેરમાં જઈને અમારા સંપ્રદાયમાં સાચા સાધુ કોણ છે અને ખોટા કોણ એની સમજ આપશે.’