સુરત જિલ્લાના ઉમરપાડાને મેઘરાજાએ ધમરોળ્યું

11 September, 2024 10:05 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

બે કલાકમાં સાંબેલાધાર છ ઇંચ સાથે કુલ દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબકતાં લો-લેવલ બ્રિજ પર નદીનાં પાણી ફરી ‍વળતાં સલામતીનાં કારણોસર અવરજવર માટે રસ્તા બંધ કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ગઈ કાલે બે કલાકમાં સાંબેલાધાર છ ઇંચ સાથે કુલ દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજા મન મૂકીને વરસતાં સ્થાનિક રહીશોની હાલત કફોડી થઈ ગઈ હતી અને જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં ૮૮ તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ૧૪ તાલુકામાં એક ઇંચથી દસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદને પગલે ઉમરપાડા તાલુકો લથબથ થયો હતો. તાલુકામાંથી વહેતી મોહન નદી, મહુવન અને વીરા નદીમાં પાણી આવતાં અનેક લો-લેવલ બ્રિજ પરથી ધસમસતાં પાણી વહેતાં થયાં હતાં. બ્રિજ પરથી તેમ જ અનેક માર્ગો પર નદીનાં પાણી ફરી વળતાં સલામતી માટે રસ્તાઓ બંધ કરાયા હતા અને કેટલાક લો-લેવલ બ્રિજ પાસે જવાનો તહેનાત કરાયા હતા.

બીજી તરફ નર્મદા જિલ્લાના સાગબારા અને નવસારી જિલ્લાના ખેરગામમાં ત્રણ ઇંચ જેટલો, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં બે ઇંચથી વધુ, જયારે દાહોદ અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના બારડોલી, પલસાણા અને કામરેજ, તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર, નવસારીના ચીખલી, પાટણ જિલ્લાના સરસ્વતી અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

gujarat surat Gujarat Rains monsoon news Weather Update indian meteorological department