28 November, 2024 11:44 AM IST | Lothal | Gujarati Mid-day Correspondent
જીવ ગુમાવનાર સુરભિ વર્મા.
ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહર લોથલમાં હડપ્પન સંસ્કૃતિના રિસર્ચ માટે ગયેલી ચાર મહિલાઓની ટીમ ગઈ કાલે સૅમ્પલ લેવા ખાડામાં ઊતરી ત્યારે અચાનક માટી ધસી પડી હતી, જેને લીધે PhDની ૨૩ વર્ષની સ્ટુડન્ટ યુવતીનું મૃત્યુ થયું હતું. માટીમાં દટાયેલા અન્ય ત્રણને સ્થાનિક લોકો, પોલીસ, ફાયર-બ્રિગેડ અને ૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમે રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા. ખાડામાં પાણી આવી જતાં અને કાદવ-કીચડ થઈ જતાં રેસ્ક્યુ કરવામાં જ્હેમત ઉઠાવવી પડી હતી અને એક પ્રોફેસરને માટી નીચેથી રેસ્ક્યુ કરીને બહાર કાઢતાં દોઢ કલાક લાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ-અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને માટી નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને સારવાર માટે બગોદરા હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
અમદાવાદ ગ્રામ્યના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ઓમપ્રકાશ જાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-દિલ્હી અને IIT-ગાંધીનગરની ચાર સભ્યોની રિસર્ચ-ટીમ લોથલ એરિયામાં સ્ટડી કરવા આવી હતી. આ ટીમ માટીનાં સૅમ્પલ લેવા જતાં એક સાઇડની માટી તેમના પર ધસી પડતાં તમામ ચાર વ્યક્તિ દટાઈ ગઈ હતી, જેમાં સુરભિ વર્માનું ઑન ધ સ્પૉટ મૃત્યુ થયું હતું, જ્યારે બાકીની ત્રણ પ્રોફેસર યામા દીિક્ષત, પ્રભાકરન અને શિખાને બચાવીને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી.’