અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થઈ રોષે ભરાયેલા લોકો ધરણાં પર બેઠા

24 December, 2024 08:36 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થઈ હતી. એ પછી પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી હતી. (તસવીર - જનક પટેલ)

દિલ્હીમાંથી ઊઠેલો ડૉ. બાબાસાહેબ આંબેડકરનો વિવાદ હજી શાંત થયો નથી ત્યાં અમદાવાદમાં આવેલા ખોખરા વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈકે ખંડિત કરતાં ભારે રોષ ફેલાયો હતો. આ ગંભીર ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતી વકીલની ચાલીના નાકે ૨૦૧૯ની ૧૪ એપ્રિલે જય ભીમ સેનાના સૌજન્યથી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાનું નાક તેમ જ ચશ્માંને  કોઈકે ખંડિત કર્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા ગયા હતા. લોકોએ પ્રતિમાની આગળ ધરણાં પર બેસી જઈને જેકોઈએ આ કૃત્ય કર્યું હોય તેને ઝડપી લેવાની માગણી કરી હતી. જોકે કેટલાક લોકોએ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દીધી હતી. પોલીસ એવું અનુમાન લગાવી રહી છે કે આ ઘટના રાતે બની હશે. આ સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને જુદી-જુદી ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનાને પગલે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસના આગેવાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.  

ahmedabad gujarat news gujarat Gujarat Crime Crime News