11 May, 2024 10:33 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વડોદરામાં ગરમીને કારણે પીગળી ગયેલો રોડ.
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે એને કારણે વડોદરામાં માણસોને તો અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો છે એટલું જ નહીં, એક મહિના પહેલાં બનેલો રોડ પણ ૪૦.૬ ડિગ્રી ગરમીને કારણે પીગળી ગયો હતો. રોડ પીગળતાં એની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગોત્રી પોલીસ-સ્ટેશન તરફ જતા રોડને એની લંબાઈ કરતાં થોડો મોટો કર્યો હતો. આ કામ કર્યાને એક મહિના જેટલો સમય થયો છે. ગઈ કાલે વડોદરામાં ૪૦.૬ ડિગ્રી ગરમી હતી. ભારે ગરમીને કારણે ગોત્રી વિસ્તારનો એક તરફનો રોડ પીગળવાનો શરૂ થયો હતો અને જોતજોતામાં તો રોડનો કેટલોક ભાગ પીગળી ગયો હતો. રોડ પીગળતાં વાહનચાલકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. એમાં પણ ટૂ-વ્હીલરના ચાલકો માટે મુશ્કેલી વધી ગઈ હતી અને બૅલૅન્સ કરવું પણ તકલીફજનક બની ગયું હતું. રાહદારીઓનાં બૂટ-ચંપલ ચોંટી જવાના કિસ્સા પણ બન્યા હતા.