13 January, 2024 09:47 AM IST | Ahmedabad | Shailesh Nayak
ગાંધીનગરમાં ટ્રેડ-શોમાં રામમંદિરની રેપ્લિકા મુકાઈ છે.
અમદાવાદઃ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ ઊજવાશે અને એને લઈને દેશ અને દુનિયામાં ભગવાન રામનો માહોલ બન્યો છે ત્યારે એમાંથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ બાકાત નથી રહી. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ટ્રેડશોમાં રામમંદિરની રેપ્લિકા મુકાઈ છે. એનાં દર્શનનો લહાવો અનેક મુલાકાતીઓ કરી રહ્યા છે. બીજી તરફ વર્ચ્યુઅલ રિયલિટીથી મુલાકાતીઓ એક જ સ્થાને બેસીને ગુજરાતનાં મંદિરોનાં દર્શન પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ટ્રેડશોમાં એક્સપીરિયન્સ ગુજરાત પૅવિલિયનમાં જુદા-જુદા વિભાગો દ્વારા ગુજરાતની હસ્તકલા, ભાતીગળ સંસ્કૃતિ, પ્રવાસન-સ્થળો અને ધરોહરની ઝાંખી રજૂ કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પૅવિલિયનમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે એના સ્ટૉલમાં રામમંદિરની પ્રતિકૃતિ મૂકી છે. ટ્રેડશોમાં આવતા મુલાકાતીઓ રામમંદિરની કૃતિ અને એની બાંધણીની કલાકારીગરી જોઈને દંગ રહી જાય છે. એટલું જ નહીં, શ્રદ્ધાળુ મુલાકાતીઓ રામમંદિરનાં દર્શન અચૂક કરી રહ્યા છે. રામમંદિરની સાથે-સાથે આ સ્ટૉલમાં મુલાકાતીઓને ગુજરાતની શક્તિપીઠ અંબાજી, પાવાગઢ અને બહુચરાજી, યાત્રાધામ દ્વારકા, સોમનાથ સહિત ૮ મંદિરોનાં દર્શન વર્ચ્યુઅલ રિયલિટીની મદદથી કરાવવામાં આવી રહ્યાં છે. વી. આર.ના માધ્યમથી એવો માહોલ ક્રીએટ થાય છે કે તમે મંદિરમાં રૂબરૂ દર્શન કરતા હોય એવો અનુભવ થતાં મુલાકાતીઓ રોમાંચિત થઈ ઊઠ્યા છે.
ગુજરાત ટૂરિઝમ દ્વારા સ્ટૅચ્યુ ઑફ યુનિટી, નડાબેટ, ગીર અભ્યારણ્ય, ધોળાવીરા, ધોરડો સહિતનાં પ્રવાસન-સ્થળોને એલઈડી સ્ક્રીન પર જોઈને તેમ જ વર્ચ્યુઅલ રિયલિટીની મદદથી મુલાકાતીઓ એનાથી રૂબરૂ થઈ રહ્યા છે. આ પૅવિલિયનમાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ, પ્રવાસન-સ્થળોની ઝાંખી કરીને મુલાકાતીઓ રોમાંચિત થઈ ઊઠ્યા છે.