બેટ દ્વારકાના આઇકૉનિક બ્રિજ સુદર્શન સેતુ પર ૨૧૫૧ ફુટના તિરંગા સાથે વિશાળ યાત્રા યોજાઈ

12 August, 2024 07:26 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

તિરંગા યાત્રા દરમ્યાન વંદે માતરમ્ અને ભારત માતા કી જયના જયઘોષથી સમુદ્ર કિનારો ગાજી ઊઠ્યો હતો

તિરંગા યાત્રા

ગુજરાતભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગઈ કાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં દરિયામાં નિર્માણ પામેલા આઇકૉનિક સુદર્શન સેતુ પર ૨૧૫૧ ફુટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં જિલ્લા વહીવટી તંત્ર તેમ જ પોલીસ-કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા દરમ્યાન વંદે માતરમ્ અને ભારત માતા કી જયના જયઘોષથી સમુદ્ર કિનારો ગાજી ઊઠ્યો હતો અને રાષ્ટ્રભક્તિનો માહોલ રચાયો હતો.

બીજી તરફ ગઈ કાલે કચ્છના વડા મથક ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા રૅલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ અને હોમગાર્ડના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, કલાકારો સહિત નાગરિકો જોડાયા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડથી વંદે માતરમ્‍‍ના જયઘોષ સાથે રૅલી શરૂ થઈ હતી અને હમીરસર તળાવના કાંઠે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે રૅલીનું સમાપન થયું હતું. 

gujarat news ahmedabad gujarat independence day dwarka