સી.પી. ટૅન્ક પર રહેતા જરીવાલા પરિવાર પર ગુજરાતમાં વજ્રાઘાત, કાર-અકસ્માતમાં ચાર જણના જીવ જતા રહ્યા

08 June, 2024 06:59 AM IST  |  Ahmedabad | Bakulesh Trivedi

ઇડર-હિંમતનગર હાઇવે પરના ઍક્સિડન્ટમાં કોઈએ મમ્મીગુમાવી, કોઈએ દીકરો ગુમાવ્યો, કોઈએ દીકરી ગુમાવી, કોઈએ પત્ની ગુમાવી, કોઈએ પતિ ગુમાવ્યો

હૉન્ડા કાર

મુંબઈના સી. પી. ટૅન્ક વિસ્તારમાં રહેતો જરીવાલા પરિવાર ઇડર પાસેના તેમના વતન નેત્રામલી ગામમાં ગયો હતો અને ત્યાર બાદ હિંમતનગર કોઈ સંબંધીને ત્યાંથી પાર્ટી કરીને ગુરુવારે રાતે પાછો આવી રહ્યો હતો ત્યારે તેમની હૉન્ડા કાર સાથે પથ્થર ભરેલું હેવી ડમ્પર અથડાતાં પરિવારના ચાર સભ્યોનાં કરુણ મોત થયાં હતાં, જ્યારે ચાર જણને ​હિંમતનગરની હોપ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઇડર–​હિંમતનગર હાઇવે પર ભેતાળી ગામ પાસે ગુરુવારે રાતે ૧૧ વાગ્યે આ અકસ્માત થયો હતો એમ જણાવીને જાદર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજય ગોસ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત થયાની જાણ થતાં જ પોલીસ અને ગામવાસીઓ ત્યાં પહોંચી ગયા હતા. ડમ્પરનો ડ્રાઇવર ભાગી ગયો હતો. જોકે કારમાં પ્રવાસ કરી રહેલા લોકો ઘાયલ હતા. તેમને સારવાર માટે ​હિંમતનગરની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરે તેમને તપાસીને સ્વ​​પ્નિલ કમલેશ જરીવાલા (૩૪ વર્ષ), પ્રજ્ઞા કમલેશ જરીવાલા (૫૨ વર્ષ), જીલ જૈનિલ જરીવાલા (૩૧ વર્ષ), દેલિશા જૈનિલ જરીવાલા (૭ મ​હિના)ને મૃત જાહેર કર્યાં હતાં; જ્યારે કમલેશ વિઠ્ઠલભાઈ જરીવાલા (૫૪ વર્ષ), વિધિ સ્વપ્નિલ જરીવાલા (૩૦ વર્ષ), હેઝલ જૈનિલ જરીવાલા (૩ વર્ષ) અને મયેશા જૈનિલ જરીવાલા (૩ વર્ષ)ને સારવાર આપવામાં આવી રહી હતી. તેમની હાલત સ્ટેબલ હોવાનું ડૉક્ટર તરફથી કહેવામાં આવ્યું હતું. અમે તપાસ કરીને આ અકસ્માત કરનાર ડમ્પરના ડ્રાઇવરને ઝડપી લીધો છે અને તેને હવે પછી કોર્ટમાં હાજર કરવામાં આવશે.’

અકસ્માતમાં ઘાયલ ફૅમિલીને પહેલાં સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી એમ જણાવીને હોપ હૉસ્પિટલના ડૉ. વારિસ મોમિને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યાર બાદ તેમના સંબંધીઓ દ્વારા ઘાયલ લોકોને હોપ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમાંથી કમલેશભાઈને પગમાં ફ્રૅક્ચર થયું છે, જ્યારે વિધિને પાંસળીમાં ફ્રૅક્ચર થયું છે. તેમની સારવાર ચાલી રહી છે.’

જરીવાલા પરિવાર સાથે થયેલી આ દુર્ઘટના વિશે માહિતી આપતાં કમલેશભાઈનાં બહેનના દીકરા ​નિખિલ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમલેશભાઈ મારા મામા થાય. અમે મૂળ દરજી. ભુલેશ્વરમાં તેમની વડીલોપાર્જિત બહુ જાણીતી રેવાભાઈ નાથાલાલ જરીવાલાની દુકાન હતી. હવે તો જોકે મામાના બન્ને દીકરા અલગ લાઇનમાં ગયા છે. સ્વ​પ્નિલ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઇન્ડસ્ટ્રીમાં હતો, જ્યારે જૈનિલ શૅરબજારનું કામ કરે છે. સ્વ​પ્નિલને વર્ક ફ્રૉમ હોમની સુ​વિધા હોવાથી તે પરિવાર સાથે ગામમાં આવ્યો હતો, જ્યારે જૈ​નિલને રજા મળી ન હોવાથી તે નહોતો આવી શક્યો. અમારા ​હિંમતનગરમાં રહેતા એક સંબંધીને ત્યાં બર્થ-ડે પાર્ટીનું સેલિબ્રેશન કરીને એ લોકો પાછા ફરી રહ્યા હતા. હાલમાં એ રોડ પર કામ ચાલી રહ્યું છે એટલે ઘણી જગ્યાએ ડાઇવર્ઝન આપ્યાં છે. કારને નાની જગ્યા જોઈએ, પણ ડમ્પરને ટર્ન મારવા મોટી જગ્યા જોઈએ. એમાં સરતચૂકથી કાર અને ડમ્પર સામસામે ભટકાયાં અને અકસ્માત થયો. અમે અમારા પરિવારના ચાર સભ્યો ગુમાવ્યા છે. મામાનો હિપ બૉલ હલી ગયો છે, વિધિને પાંસળીમાં ક્રૅક છે, હેઝલને પગમાં ફ્રૅક્ચર છે અને મયેશાને પણ માર લાગ્યો છે. પરિવારના ચાર સભ્યોના ગઈ કાલે સાંજે ચાર વાગ્યે વતન નેત્રામલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’

gujarat news ahmedabad mumbai gujaratis of mumbai gujarati community news road accident