એક કરોડ રોકડા આપીને દોઢ કરોડ લેવામાં હીરાનો વેપારી છેતરાઈ ગયો

09 February, 2024 07:21 AM IST  |  Surat | Mehul Jethva

કૅશ લઈને બૅન્કમાં પૈસા ટ્રાન્સફર કરવાની લાલચ આપીને સુરતના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી

પૈસા માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

સુરતમાં રહેતા ડાયમન્ડના વેપારીને એક કરોડ રૂપિયા રોકડામાં આપી એની સામે દોઢ કરોડ રૂ​પિયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની લાલચ આપીને છ લોકોએ પહેલાં પ્લાન તૈયાર કરી એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. રોકડામાં એક કરોડ રૂપિયા ભેગા કરવા માટે વેપારીએ તેના ચારથી પાંચ મિત્રો પાસેથી પૈસા ઉધાર લીધા હતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવતાં તે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચતાં તેની સાથે છેતરપિંડી કરનાર ગૅન્ગ ઇન્ટરનૅશનલ હોવાની જાણ થઈ હતી. દિંડોશી પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ન્યુ રાંદેર રોડના અજરમલ ચોક પાસે નરોત્તમનગરમાં રહેતા અને ડાયમન્ડનો વ્યવસાય કરતા ૪૨ વર્ષના મનીષ પટેલે કરેલી ફરિયાદ અનુસાર થોડા વખત પહેલાં એક મિત્ર પાસેથી તેમને માહિતી મળી હતી કે મલાડમાં એક કંપનીમાં આરટીજીએસ સિસ્ટમ ટ્રેડ પ્રૉફિટ ફન્ડ દ્વારા બૅન્ક-ખાતામાં રીફન્ડના રૂપમાં વધુ પૈસા આપવામાં આવે છે. શરૂઆતમાં ફરિયાદીએ તેની વાતને નજરઅંદાજ કરી હતી. જોકે એક વખત મિત્રએ મલાડમાં રામચંદ્ર લેનની એક ઑફિસમાં રાહુલ ગાયકવાડ સાથે ફરિયાદીનો પરિચય કરાવ્યો હતો. એ સમયે રાહુલે કહ્યું હતું કે ‘જો તેઓ વી. બી. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા ઑફિસમાં એક કરોડ રૂપિયા રોકડા જમા કરે તો એના બદલામાં એ જ દિવસે તેમના બૅન્ક-ખાતામાં રીફન્ડ સ્વરૂપે આરટીજીએસ ટ્રેડ પ્રૉફિટ ફન્ડ દ્વારા ૧.૫૦ કરોડ રૂ​પિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર બાદ ફરિયાદી અન્ય પરિચિતો પાસેથી નાણાં એકઠાં કરી સુરતથી મુંબઈ આવી મલાડમાં તિરુપતિ લૉજિસ્ટિક્સની ઑફિસમાં એક કરોડ રૂપિયા રોકડા લઈ આવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદીનું આઇડી કાર્ડ લઈ તમારો ડાટા લોડ કરવામાં આવી રહ્યો છે એમ કહી થોડી વારમાં આરટીજીએસ આવી જશે એવી માહિતી આપવામાં આવી હતી. જોકે કેટલાક દિવસો વીતી ગયા પછી પણ પોતાના અકાઉન્ટમાં આરટીજીએસ ન મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. અંતે રિઝાન શેખ, અમન શેખ, સૌરભ દુબે, વિનય મહેતા, મળિકડલ, સંદેશ કાળે, હરિ અણ્ણા વિરુદ્ધ દિંડોશી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશે ફરિયાદ કરવામાં આવી હતી.

મનીષ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં હું પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે મને જાણ થઈ કે તેમણે અન્ય એક વ્યક્તિ પાસેથી ૭૦ લાખ રૂપિયા લઈને તેની સાથે પણ આવી રીતે છેતરપિંડી કરી હતી. તેમણે મને આરટીજીએસ દ્વારા દોઢ કરોડ રૂપિયા મોકલવાની લાલચ આપીને ફસાવ્યો હતો.’ 

દિંડોશી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજ રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમની સામે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં આવી જ રીતે છેતરપિંડીના કેસ નોંધાયા છે. હાલમાં આમાંના ત્રણ મુખ્ય આરોપી યેરવડા જેલમાં સજા કાપી રહ્યા છે. તેમની પાસેથી તપાસ કરવા માટે અમે કોર્ટ પાસેથી પરવાનગી માગી છે. એ આવ્યા બાદ તેમને અમે કસ્ટડીમાં લઈશું.’

surat Gujarat Crime gujarat news gujarat mehul jethva