ભરૂચના ઝઘડિયામાં હિચકારા રેપનો ભોગ બનેલી ૧૦ વર્ષની બાળકીએ વડોદરાની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

25 December, 2024 12:33 PM IST  |  Bharuch | Gujarati Mid-day Correspondent

વિકૃતિની તમામ હદ વટાવીને આરોપીએ માસૂમ બાળકી પર બળાત્કાર કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખ્યો અને માથા પર વાર કર્યો : સોમવારે કાર્ડિઍક અરેસ્ટને પગલે તે મોત સામે હારી ગઈ : પાર્થિવ દેહને વતન ઝારખંડ લઈ જવાયો : આરોપીને પોલીસે ઝડપી લીધો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રેપનો ભોગ બનેલી ભરૂચના ઝઘડિયાની ૧૦ વર્ષની બાળકીએ આખરે વડોદરાની સયાજી હૉસ્પિટલમાં સોમવારે રાતે અંતિમ શ્વાસ લીધા હતા. જિંદગી સામે ઝઝૂમી રહેલી માસૂમ બાળકીને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો અને મોત સામે જિંદગી હારી ગઈ હતી. તેના પાર્થિવ દેહને વતન લઈ જવામાં આવ્યો હતો.  

૧૬ ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ૧૦ વર્ષની બાળકીનું વિજય પાસવાન નામના માણસે અપહરણ કર્યું હતું અને તેને નિર્જન સ્થળે લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવતાં બાળકી પર રેપ કર્યા બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત બાળકીના માથા પર વાર કરતાં તે લોહીલુહાણ હાલતમાં પડી હતી. તેને ભરૂચની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેની સર્જરી કરવામાં આવી, પરંતુ વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. સોમવારે તેને બે ‍વખત કાર્ડિઍક અરેસ્ટ આવી હતી અને તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટમૉર્ટમ કર્યા બાદ રાતે જ તેના પાર્થિવ દેહને તેના વતન ઝારખંડ લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળકી પર દુષ્કર્મ કરીને ક્રૂરતાપૂર્વક ઈજાઓ પહોંચાડનાર આરોપી વિજય પાસવાનને પોલીસે ઝડપી લીધો હતો.

આઠ દિવસ સુધી હૉસ્પિટલમાં સારવાર લેવા છતાં પણ આ બાળકીની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ હતી. જોકે તંત્રની આંખો ખોલવા માટે ભરૂચમાં ગઈ કાલે વિદ્યાર્થીઓએ રૅલી યોજી હતી અને નરાધમને દાખલારૂપ સજા કરવા માટે માગણી કરી હતી. 

Rape Case Protection of Children from Sexual Offences Act POCSO gujarat bharuch vadodara Crime News news gujarat news