20 June, 2019 10:43 AM IST |
અમદાવાદમાં યોજાનારી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાનના રથનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અન્ય તૈયારીઓને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ પછી સૌથી વધુ મહત્વ ગજરાજનું હોય છે. રથયાત્રા માટે ગજરાજને ખાસ તૈયાર કરવામાં આવે છે. મહાવતો પોતાના હાથી પર ડિઝાઈન કરીને તેમને રથયાત્રા માટે સજાવતા પણ હોય છે.
આસામથી લવાશે હાથી
ત્યારે આ વખતે 4 જુલાઈએ યોજાનારી 142મી રથયાત્રા માટે ખાસ આસામથી 4 હાથી લાવવામાં આવનાર છે. જો કે આ મુદ્દાને લઈ વિવાદ સર્જાયો છે. છેક આસામથી હાથીને ટ્રેનમાં લાવવાનું નક્કી કરાયું છે. જેની સામે પ્રાણી પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આસામ સરકારે તેને પરવાનગી આપી રહી છે. પરંતુ જીવ દયા પ્રેમીઓનું જૂથ આસામ સરકાર સામે પ્રાણીઓના વેપાર બદલ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. 40 જિગ્રી ગરમીમાં હાથીને છેક આસામથી અમદાવાદ લાવવાના નિર્ણય સામે આ જૂથ અરજી કરવા જઈ રહ્યું છે. જીવદયા પ્રેમીઓની ચિંતા છે કે હાથી ટ્રેનની 100 કિલોમીટરની ઝડપ સાથે તાલમેલ નહીં બેસાડી શકે. આ ટ્રેન બિહારના કઠીહાર બાદ 100 કિલોમીટરની ઝડપે દોડે છે.
આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરમાં હવે નહીં થાય ભગવાનના દર્શન, આ છે કારણ
શોધાઈ રહ્યો છે ખાસ ડબ્બો
બીજી તરફ તંત્ર દ્વારા હાથીને અમદાવાદ લાવા માટે ખાસ ડબ્બાની શોધ ચલાવાઈ રહી છે. ઉત્તર પૂર્વ રેલવે આ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મોટા પ્રાણીઓના આવન જાવન માટે ખાસ નિયમો છે. તો ચોંકાવનારી વાત એ છે કે આસામથી હાથી તો આવી રહ્યા છે, પરંતુ ત્યાંથી કોઈ નિષ્ણાત આવવા તૈયાર નથી. ત્યારે વન વિભાગ આવા નિષ્ણાતની પણ શોધ ચલાવી રહ્યું છે.