17 February, 2019 09:41 PM IST | અમદાવાદ
ગુજરાતના દરિયાકાંઠે હાઇ એલર્ટ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે, સેન્ટ્રલ ઇન્ટેલિન્સ એજન્સીઓ પાસેથી માહિતી મળી છે કે પાકિસ્તાની આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે, ત્યારબાદ ગુજરાતના દરિયાકાંઠે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો પાકિસ્તાનની નજીક છે. ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ 1993 અને 2008માં ગુજરાતના આ કિનારાનો ઉપયોગ કરીને ભારતમાં ઘૂસ્યા હતા અને પછી મુંબઈ પર હુમલો કર્યો હતો.
IGP એસ.એસ. ત્રિવેદીએ જણાવ્યું કે પુલવામામાં CRPF જવાનોની બસ પર તાજેતરમાં થયેલા હુમલા પછી દરિયાકિનારો ધરાવતા 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, "22 દરિયાઇ પોલીસ સ્ટેશન્સ અને 71 દરિયાકિનારાની ચેકપોસ્ટ્સ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે."
"દરિયાકિનારે ICG અને BSF સાથે મળીને અમારી 30 સ્પીડબોટ્સ પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત, દરિયાકિનારાના વિસ્તારોમાં કોઇપણ શંકાસ્પદ હિલચાલને ટ્રેક કરવા માટે અમે અમારું હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક પણ સક્રિય કરી દીધું છે."
એડિશનલ ડીજીપી શમશેર સિંહ, જેઓ ગુજરાત મરિન ટાસ્ક ફોર્સ (GMTF) સંભાળે છે, તેમણે જણાવ્યું કે યોગેશ્વર, જખૌ, ગાંધીધામ, ઓખા, પોરબંદર, માંગરોળ, દહેજ, દાંડી, ઉમરગામ અને પીપાવાવના નવ સ્ટ્રેટેજિક લોકેશન્સ પર નવ ટીમો તહેનાત કરવામાં આવી છે. શમશેર સિંહે જણાવ્યું કે પુલવામા આતંકી હુમલા પછી તેઓ ગુજરાત મરિન પોલીસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, નેવી અને બીએસએફ સાથે કો-ઓર્ડિનેટ કરીને હોડીઓ અને મોટા જહાજોની હિલચાલ પર એકદમ કડક નજર રાખી રહ્યા છે, ખાસ કરીને કચ્છ વિસ્તારમાં.
આ પણ વાંચો: પુલવામા હુમલો: ગુજરાતના થિયેટર્સ 2 શૉની આવક શહીદોના પરિવારને આપશે
સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું કે ભારતના જે વસ્તી ધરાવતા દરિયાકિનારાઓ છે ત્યાં સિક્યોરિટી વધારી દેવામાં આવી છે, જેથી કોઇ આતંકી એ વિસ્તારમાં છુપાયો હોય તો પકડાઈ જાય. કચ્છના નલિયામાં GMTFનો બેઝ છે જ્યાં 100 કમાન્ડોઝ છે જેમને નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG) પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.