01 April, 2019 06:55 PM IST | ગાંધીનગર
હાર્દિક પટેલ (તસવીર સૌજન્યઃટ્વિટર)
ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ હાર્દિક પટેલના ચૂંટણી લડવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે હવે હાર્દિકે આ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાર્દિક પટેલ પાસે ચૂંટણી લડવા માટે 3 જ દિવસ બચ્યા છે. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે હાર્દિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી સજા રદ કરવા માગ કરી છે. જો કે હાર્દિક માટે મુશ્કેલી એ છે કે આ અરજી હજી સુપ્રીમ કોર્ટમાં રજિસ્ટર નથી થઈ.
હાર્દિક આ અરજીનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સુનાવણી કરવા માટે માગ કરશે. આ રઅરજીમાં રજૂઆત કરાઈ છે કે ગુરુવાર પહેલા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે સામે વિસનગર કેસ મામલે થયેલી સજા પર હાઈકોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે.
2015માં હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો વિસનગરના તત્કાલીન ધારાસબ્ય ઋષિકેશ પટેલને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા અને બેકાબુ બનેલી ભીડે ઋષિકેષ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ કેસ મામલે વિસનગર પોલીસે હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના 17 લોકો સામે કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે હટાવ્યો "બેરોજગાર" શબ્દ
આ જ કેસમાં વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે આરોપીઓને 2 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ હાર્દિક પટેલે ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગ્યો છે.