18 March, 2019 08:24 AM IST | અમદાવાદ
હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે બબાલ
કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્કિદ પટેલે રવિવારે અમદાવાદમાં સ્નેહમિલનનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ સ્નેહમિલનમાં ધાર્યા કરતા ઉલટા જ ચિત્રો સામે આવ્યા હતા. આ કાર્યક્રમમાં હાર્કિદ પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો સામે સામે આવી ગયા હતા અને મામલો છુટા હાથની મારામારી સુધી પહોંચી ગયો હતો. સ્ટેજ ઉપર અને કાર્યક્રમ સ્થળે લગાવાયેલા બેનરોમાં માત્ર હાર્દિક પટેલનો ફોટો હોવાથી અલ્પેશના સમર્થકોએ ધાંધલ મચાવી હતી.
ક્યા કારણથી થઇ સમર્થકો વચ્ચે મારામારી
સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાર્દિક પટેલના ફોટા સાથે બેનરોમાં મુખ્ય મહેમાનના નામમાં માત્ર હાર્દિક પટેલનું જ નામ જોવા મળતા સુરતથી આવેલા અલ્પેશ કથીરિયાના સમર્થકો રોષે ભરાયા હતા અને કાર્યકરોમાં વિવાદ સર્જાયો હતો. હાર્દિક પટેલ કાર્યક્રમ સ્થળે પહોંચ્યો એ વખતે રોષે ભરાયેલા કાર્યકરોએ બેનર ફાડવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટી પ્લોટના ડેકોરેશનની પણ તોડફોડ કરવાના પ્રયાસ કર્યા હતા. એક સમયે કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી પણ થઇ હતી. ખુદ હાર્દિક પટેલ સ્ટેજની નીચે ઉતરીને મામલો થાળે પાડવા પહોંચ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ: ઘટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં ફી મુદ્દે ફરી વિવાદ, વિદ્યાર્થીઓના પરિણામો અટકાવ્યા
વિવાદ બાદ અલ્પેશના સમર્થકો પરત ચાલ્યા ગયા
સ્નેહમિલન કાર્યક્રમમાં સુરતથી આવેલા અલ્પેશ કથીરિયાના સમર્થકો કાર્યક્રમ સ્થળ છોડીને રવાના થયા હતા. ત્યાર બાદ સ્નેહમિલન સમારોહ આગળ ચાલ્યો હતો. અલ્પેશના સમર્થકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે સમાજ માટે અલ્પેશ બે વખત જેલમાં ગયો ત્યારે સાચો હીરો તે હોવા છતાં તેનો ફોટો કે ઉલ્લેખ સુધ્ધાં બેનરમાં નથી. હાર્દિક સમાજનો ઉપયોગ કરીને સમાજની મંજૂરી વિના રાજકારણમાં જોડાઇ ગયો છે.