18 January, 2019 03:30 PM IST | અમદાવાદ
ફાઇલ ફોટો
ગત વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાથી ભાજપના ધારાસભ્ય નીતિન પટેલના રિસામણા-મનામણાની ખબરો સામે આવતી રહી છે. અગાઉ પણ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું માંગવામાં આવ્યું હોવાની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. જો કે ત્યારબાદ નીતિન પટેલે પોતે મીડિયા સામે આવીને આ વાતને રદિયો આપ્યો હતો.
હાલ દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે, ત્યારે પણ આવી જ એક અટકળ વહેતી થઈ છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ રાજ્યની સૌ પ્રથમ પેપરલેસ હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું. આ સમયે હોસ્પિટલના ઉદ્દઘાટન માટેની આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ જ ગાયબ હતું. જેને કારણે અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા હતા. નીતિન પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી હોવા છતાં તેમનું નામ નહીં લખવા માટે સરકાર અને કોર્પોરેશન અલગ-અલગ કારણો આપી રહ્યા છે. જો કે વિવાદ વકરતા ખુદ નીતિન પટેલ પણ સ્પષ્ટતા કરવા આગળ આવ્યા હતા અને જણાવ્યું હતું કે, નામ ના છપાય તેનાથી કોઈ ફેર નથી પડતો.
આ પણ વાંચો: અમદાવાદ: નવી હોસ્પિટલની લોકાર્પણ પત્રિકામાં નીતિન પટેલનું નામ જ ગાયબ
જો ગુજરાતના રાજકારણની વાત કરીએ તો, નીતિન પટેલ 1995થી રાજકારણમાં છે. પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના રાજીનામાં બાદ નીતિન પટેલ મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. જો કે આનંદીબેન પટેલના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ ભાજપના પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી તરીકે વિજય રુપાણી પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો હતા. આ સમયે રાજ્યમાં પાટીદાર આંદોલને જોર પકડ્યું હતું, લોકોને એમજ હતું કે નીતિન પટેલ જ આગામી મુખ્યમંત્રી બનશે. જો કે એમ થયું ન હતું. જે બાદ નીતિન પટેલની નારાજગી અવારનવાર સામે આવી ચૂકી છે.