31 January, 2019 12:33 PM IST |
રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે. અલ્પેશ ઠાકોરની સીએમ સાથેની મુલાકાત બાદ ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળોએ ફરી વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી. આ મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની પણ ચર્ચા છે. આ નારાજગી લઈને તે દિલ્હી દરબારમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. બાદમાં અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન કરતા એક્તા યાત્રા પણ યોજી હતી.
આ પણ વાંચોઃઠાકોર નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા
અલ્પેશ ઠાકોરની આ જ એક્તા યાત્રામાં ભાજપના નેતા શંકર ચૌધરી હાજર રહ્યા હતા. ત્યારથી જ અલ્પેશ ભાજપ ગમન કરે તેવી ચર્ચા શરૂ થઈ હતી. જો કે અત્યાર સુધી અલ્પેશ ઠાકોર આ વાતને અફવા ગણાવતા આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઠાકોર સમાજમાં દારૂની બદી, ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવીને અલ્પેશ ઠાકોર યુવા નેતા બન્યા હતા. અને વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ રાધનપુરથી ટિકિટ આપી હતી, જ્યાંથી અલ્પેશ જીત્યા પણ છે.