01 January, 2019 05:11 PM IST | અમદાવાદ
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને અપાશે હેરિટેજ લુક (ફાઇલ)
અમદાવાદ રેલવે સ્ટેશનના કાલુપુર સાઇડના દેખાવને હેરિટેજ લુક આપવાની તૈયારીઓ થઈ રહી છે. આ માટેનું કામકાજ 2 જાન્યુઆરીથી શરૂ થશે. તેના કારણે કાલુપુર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 50 દિવસ માટે બંધ રાખવામાં આવશે અને તેના પર આવતી ટ્રેનોનું સંચાલન પણ બંધ કરવામાં આવશે. પ્લેટફોર્મ પર આવેલા વેઈટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ સહિત અન્ય પેસેન્જર સુવિધાઓને પણ અપગ્રેડ કરવામાં આવશે. દિવ્યાંગ પેસેન્જરોની સુવિધા માટે ગાઈડિંગ ટાઈલ્સ લગાવવામાં આવશે.
ડીઆરએમ દિનેશ કુમારે જણાવ્યું કે, સ્ટેશનના પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના રસ્તાને ત્રણ દરવાજા જેવો બનાવવાની સાથે બહારનો દેખાવ સરખેજ રોજા જેવો બનાવવામાં આવશે. સ્ટેશનને હેરિટેજ લુક આપવા પ્લેટફોર્મ નંબર 1 પર આવતી લાંબા અંતરની 46 જેટલી ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ખસેડવામાં આવશે. જ્યારે મહેસાણા તરફથી આવતી લોકલ તેમજ ડેમુ ટ્રેનોને સાબરમતી ખાતે અને વડોદરા તરફથી આવતી લોકલ અને ડેમુ ટ્રેનોને વટવા ખાતે અટકાવી ત્યાંથી જ પરત કરાશે.
વડોદરા-અમદાવાદ મેમુ અને અમદાવાદ-આણંદ મેમુ ટ્રેનોનું સંચાલન વટવાથી કરવામાં આવશે. જ્યારે અમદાવાદ-મહેસાણા ડેમુ, અમદાવાદ-પાટણ ડેમુ, પાટણ-અમદાવાદ પેસેન્જર ટ્રેનોનું સાબરમતીથી સંચાલન કરવામાં આવશે. અમદાવાદ-ગાંધીનગર મેમુ અને અમદાવાદ-આણંદ મેમુ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.