અમદાવાદમાં નવાપુરાના બહુચરાજી માતાના મંદિરે કેરીના ૮૦૦ લીટર રસનો પ્રસાદ વહેંચાયો

04 December, 2024 01:03 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સંવત ૧૭૩૨માં માગશર સુદ બીજે ભક્ત વલ્લભ ભટ્ટની વહારે આવીને બહુચર માતાજીએ આખી નાતને રસ-રોટલીનું જમણ કરાવ્યું એ સમયથી દર વર્ષે ભરશિયાળામાં માતાજીને ધરાવાય છે રસ-રોટલીનો થાળ

અમદાવાદમાં બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ભક્તોની લાઇન લાગી હતી.

લોકવાયકા છે કે સંવત ૧૭૩૨માં માગશર સુદ બીજે ભક્ત વલ્લભ ભટ્ટની વહારે આવીને બહુચર માતાજીએ આખી નાતને અમદાવાદમાં રસ-રોટલીનું જમણ કરાવ્યું હતું. એ સમયથી દર વર્ષે ભરશિયાળામાં બહુચરાજી માતાજીને રસ-રોટલીનો થાળ ધરાવાય છે અને એ પરંપરા આજે પણ યથાવત્ રહેવા પામી છે. ગઈ કાલે અમદાવાદના નવાપુરાના બહુચરાજી માતાજીના મંદિરે માતાજીને ૮૦૦ લીટર કેરીનો રસ ધરાવીને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. માત્ર અમદાવાદ જ નહીં, વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી સહિત ગુજરાતભરમાં જ્યાં બહુચર માતાજીનાં મંદિરો આવ્યાં છે ત્યાં માતાજીને રસ-રોટલીનો પ્રસાદ ધરાવાયો હતો. 

અમદાવાદમાં આવેલા નવાપુરાના બહુચરાજી માતાજીના મંદિરે રસ-રોટલીનો થાળ અને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. (તસવીરો: જનક પટેલ)

અમદાવાદમાં નવાપુરાના બહુચરાજી મંદિરે દર્શન માટે વહેલી સવારથી માઈભક્તો ઊમટ્યા હતા જેના કારણે મંદિરમાં અને મંદિરની બહાર ભક્તજનોની લાંબી લાઇન લાગી હતી. ઘણા ભાવિકો પદયાત્રા કરીને માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા. નવાપુરાના બહુચર માતાજીના મંદિરના અલ્કેશ ત્રિવેદી અને હરે ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભક્ત વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળા ભટ્ટ બહુચર માતાજીના ભક્ત હતા. એ જમાનામાં વલ્લભ ભટ્ટને નાતના લોકોએ કહ્યું હતું કે તમે નાત જમાડો અને એમાં રસ-રોટલી જમાડજો. વલ્લભ ભટ્ટે આ માટે હા પાડી હતી, પરંતુ જમણવારના દિવસે વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ દુધેશ્વર જતા રહ્યા હતા અને માતાજીનું સ્મરણ કરવા લાગ્યા હતા. આ બાજુ નાતના લોકો જમવા આવી ગયા હતા એટલે બહુચર માતાજીએ વલ્લભ ભટ્ટના રૂપે અને નારસંગ વીર ધોળા ભટ્ટના રૂપે આવીને નાતને રસ-રોટલીનું જમણ કરાવ્યું હતું. આ દિવસ ૧૭૩૨માં માગશર સુદ બીજનો હતો એટલે એ દિવસથી કાયમ માગશર સુદ બીજના દિવસે બહુચર માતાજીના મંદિરમાં રસ-રોટલીનું જમણ કરવામાં આવે છે અને માતાજીને ધરાવાય છે. ગઈ કાલે ૮૦૦ લીટર કેરીના રસનો પ્રસાદ માતાજીને ધરાવીને પ્રસાદી તરીકે વહેંચ્યો હતો.’ 

ahmedabad religion religious places gujarat news gujarat news