14 September, 2024 08:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી નદીમાં ફાયર-બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ યુવાનોના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.
ફાયર-બ્રિગેડ તેમ જ સ્થાનિક તરવૈયાઓએ એક પછી એક આઠ મૃતદેહ બહાર કાઢતાં સ્વજનોના આક્રંદથી નદીકાંઠો ગમગીન બન્યો : કોણ કોને છાનું રાખે એવી કરુણ સ્થિતિ સર્જાઈ
દેશભરમાં હર્ષોલ્લાસથી ગણેશમહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલા વાસણા સોગઠી ગામે ગઈ કાલે કરુણાંતિકા ઘટી હતી. ગામના લોકો ગણપતિદાદાની મૂર્તિનું મેશ્વો નદીમાં વિસર્જન કરે એ પહેલાં ગામના ૧૦ યુવાનો નદીમાં નહાવા પડ્યા હતા, જેમાંથી આઠ યુવાનો ડૂબી જતાં તેમના મૃત્યુ થવાથી આખું ગામ શોકમગ્ન બન્યું હતું. આ અત્યંત દુખદ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ નદીકિનારે દોડી આવ્યા હતા. ફાયરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ ડૂબી ગયેલા બાકીના બે યુવાનને શોધવા માટે મોડી સાંજ સુધી નદીમાં શોધખોળ હાથ ધરી હતી.
વાસણા સોગઠી ગામે ગણપતિમહોત્સવનું આયોજન થયું હતું અને ગઈ કાલે ગણેશજીની મૂર્તિનું ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં વિસર્જન કરવાનું હતું. જોકે નદીમાં મૂર્તિનું વિસર્જન થાય એ પહેલાં ગામના ૧૦ જેટલા યુવાનો નદીમાં નહાવા પડ્યા હતા અને જોતજોતામાં તેઓ ડૂબવા લાગ્યા હતા. આ દરમ્યાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા નદીએ પહોંચેલા ગામજનોને યુવાનો ડૂબ્યા હોવાની જાણ થતાં તરત જ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના લોકો પણ નદીકિનારે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ અને ફાયર-બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર-બ્રિગેડના જવાનોએ સ્થાનિક તરવૈયાઓ સાથે મળીને નદીમાં ડૂબેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ડૂબી ગયેલા આઠ યુવાનોના મૃતદેહ હાથ લાગ્યા હતા અને બે યુવાનોની શોધખોળ મોડી સાંજ સુધી ચાલુ હતી.
નદીમાં ડૂબેલા યુવાનોના એક પછી એક આઠ મૃતદેહ બહાર કાઢતાં સ્વજનોના આક્રંદથી નદીકાંઠો ગમગીન બન્યો હતો અને કોણ કોને છાનું રાખે એવી કરુણ સ્થિતિ સર્જાઈ હતી. નદીકાંઠે સ્વજનોના રુદનથી વાતાવરણ શોકમય બની ગયું હતું.