રાધનપુરમાં મોતિયાના ઑપેરશન પછી સાત દરદીઓની આંખોનું તેજ ઘટી ગયું

09 February, 2024 09:40 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તજ્જ્ઞોની એક ટીમ રાધનપુર મોકલી છે અને ટીમે બાકીના દરદીઓની તપાસ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ : ઉત્તર ગુજરાતના રાધનપુરમાં આવેલી સર્વોદય હૉસ્પિટલમાં મોતિયાના ઑપરેશન પછી સાત દરદીઓને આંખમાં તકલીફ થઈ છે. આ ૭ પૈકી પાંચ દરદીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. દરદીઓની દૃષ્ટિમાં ખામી સર્જાતાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. રાધનપુરમાં આવેલી માણેકલાલ નાથાલાલ સર્વોદય હૉસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીએ ૧૩ દરદીઓના મોતિયાનાં ઑપરેશન થયાં હતાં. કહેવાય છે કે ઑપરેશન બાદ દરદીઓને ઇન્ફેક્શન થતાં આંખે દેખાવાનું ઓછું થઈ ગયું હતું. મોતિયાના ઑપરેશન બાદ પાંચ દરદીઓની આંખમાં વધુ તકલીફ થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ દરદીઓની આંખમાં તકલીફ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તજ્જ્ઞોની એક ટીમ રાધનપુર મોકલી છે અને ટીમે બાકીના દરદીઓની તપાસ કરી હતી. એટલું જ નહીં, રાધનપુરની સર્વોદય હૉસ્પિટલમાં ૨૦૨૪ની ૨૫ જાન્યુઆરીથી જેટલા કેસ થયા એની વિગતો આ ટીમે મેળવી છે, જેમાં ૪૭ દરદીઓનાં મોતિયાનાં ઑપરેશન  થયાં હતાં. તપાસ ટીમ વધુ તપાસ કરી રહી છે.

national news ahmedabad gujarat news