ગીરના સિંહો બાદ હવે ડૉલ્ફિન બની રહી છે ગુજરાતનું આકર્ષણ

18 October, 2024 07:50 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કચ્છથી ભાવનગર સુધીનો દરિયો બન્યો છે ડૉલ્ફિનનું ઘર : ગુજરાતમાં ડૉલ્ફિનની વસ્તી ૬૮૦ નોંધાઈ

ગુજરાતના દરિયામાં જોવા મળતી ડૉલ્ફિન

ગુજરાતના ગીરના સિંહો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને એને જોવા દર વર્ષે લાખો સહેલાણીઓ ગીર જંગલને ખૂંદી વળે છે ત્યારે હવે ગુજરાતમાં ધીરે-ધીરે ડૉલ્ફિન પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આવનારા સમયમાં ગુજરાતના કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે વિશ્વભરના પ્રવાસીઓ ડૉલ્ફિનને જોવા અને દરિયાના પાણીમાં એની નટખટ કળાનો રોમાંચક લહાવો માણવા મોટી સંખ્યામાં ઊમટી શકે છે, કેમ કે ધીમે-ધીમે ડૉલ્ફિને આ વિસ્તારને પોતાનું ઘર બનાવી લીધું છે.  

ગુજરાતમાં વન વિભાગ દ્વારા તાજેતરમાં ડૉલ્ફિનની વસ્તીગણતરી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના ૪૦૮૭ ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડૉલ્ફિન નોંધાઈ છે જેમાં કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નૅશનલ પાર્ક અને મરીન સૅન્ક્ચ્યુઅરીના ઓખાથી નવલખી સુધીના ૧૩૮૪ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડૉલ્ફિન હોવાની સંભાવના છે. કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧૮૨૧ ચોરસ કિલોમીટરમાં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચોરસ કિલોમીટરમાં ૧૦ તેમ જ મોરબીના ૩૮૮ ચોરસ કિલોમીટરમાં ૪ ડૉલ્ફિન જોવા મળી છે. બે દિવસ સુધી ૪૭ જેટલા વિશેષજ્ઞોએ ડૉલ્ફિનનો સર્વે કર્યો હતો. ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઓશન હમ્પબૅક ડૉલ્ફિન જોવા મળે છે. એને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડૉલ્ફિન એટલે કે પાંખથી ઓળખી શકાય છે. કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ડૉલ્ફિનને દરિયાની લહેરોમાં રમતી-કૂદતી જોવી એ રોમાંચ કરાવે છે અને એ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. 

gujarat government gujarat bhavnagar kutch gujarat news