યાત્રાધામ અંબાજીમાં આવતી કાલથી ૫૧ શક્તિપીઠ પરિક્રમા-મહોત્સવ

11 February, 2024 10:16 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન કરીને માઈભક્તોને ઘેર બેઠાં પ્રસાદ ઑનલાઇન મળી રહે એ માટેની સેવાની શરૂઆત કરાવી

શક્તિપીઠ પરિક્ર્મા-મહોત્સવના આમંત્રણ માટે પાંચ શક્તિરથ ગામેગામ આમંત્રણ માટે દોડાવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આવતી કાલથી ગબ્બર તળેટીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા-મહોત્સવ રંગેચંગે યોજાશે. બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન કરીને માઈભક્તોને ઘેર બેઠાં પ્રસાદ ઑનલાઇન મળી રહે એ માટેની સેવાની શરૂઆત કરાવી હતી.

શક્તિપીઠ અંબાજીમાં ગબ્બરની ફરતે ૫૧ શક્તિપીઠ બનાવી છે. અહીં ગબ્બર તળેટી ખાતે ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્ર્મા-મહોત્સવ યોજાશે. આ મહોત્સવના આમંત્રણ માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હરખનાં તેડાં માટે પાંચ શક્તિરથ ગામેગામ આમંત્રણ માટે દોડાવ્યા છે. આ શક્તિરથો દ્વારા માઈભક્તોને પરિક્રમા-મહોત્સવમાં ઉપસ્થિત રહેવા અને પરિક્રમાનો લહાવો લેવા આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. માતાજીની ૫૧ શક્તિપીઠ ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાલમાં આવેલી છે જ્યાં બધા જ માઈભક્તો જઈ શકે કે ન પણ જઈ શકે, પરંતુ અંબાજીમાં ગબ્બરની ફરતે માતાજીની ૫૧ શક્તિપીઠ બનાવી છે જેને કારણે એક જ સ્થળે એકસાથે ૫૧ શક્તિપીઠનાં દર્શન કરવાનો લહાવો મળી શકે છે. આ શક્તિરથોને ગયા મંગળવારે શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને બનાસકાંઠાના કલેક્ટર વરુણકુમાર બરનવાલે અંબે માતાજીના જયઘોષ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.

gujarat news ahmedabad ambaji bhupendra patel