midday

શ્રીમદ રાજચંદ્રની વિરાટ પ્રતિમા પર વિશ્વભરમાંથી આવેલા ૫૦,૦૦૦ ભાવિકોએ કર્યો મહામસ્તકાભિષેક

04 April, 2025 01:27 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

શ્રીમદ રાજચંદ્ર ધરમપુર પધાર્યા એનાં ૧૨૫ વર્ષની ઉજવણી, શોભાયાત્રા યોજાઈ
અધ્યાત્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રજી ધરમપુરમાં પધાર્યા હતા એને ૧૨૫ વર્ષ થયાં એ નિમિત્તે ધરમપુરમાં શોભાયાત્રા યોજાઈ હતી.

અધ્યાત્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રજી ધરમપુરમાં પધાર્યા હતા એને ૧૨૫ વર્ષ થયાં એ નિમિત્તે ધરમપુરમાં શોભાયાત્રા યોજાઈ હતી.

દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે પહેલી વાર એવી આધ્યાત્મિક બાબત બની જેમાં શ્રીમદ રાજચંદ્રજીની ૩૪ ફુટ ઊંચી વિરાટ પ્રતિમા પર વિશ્વભરમાંથી આવેલા ૫૦,૦૦૦ ભાવિકોએ ગુરુવારે શ્રદ્ધાપૂર્ણ રીતે મહામસ્તકાભિષેક કર્યો.

શ્રીમદ રાજચંદ્રજીની ૩૪ ફુટ ઊંચી પ્રતિમા પર વિશ્વભરમાંથી આવેલા ૫૦,૦૦૦થી વધુ લોકોએ મહામસ્તકાભિષેક કર્યો હતો.

શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરનાં મિલોની ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રીમદ રાજચંદ્રજી ધરમપુર પધાર્યા હતા એને ૧૨૫ વર્ષ થયાં છે. તેમણે મોહનનગર ટેકરી પર સાધના કરી હતી. આજે ત્યાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે અને એ રાજચંદ્ર મિશનનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક છે. વિશ્વભરમાંથી આવેલા હજારો ભાવિકોએ આશ્રમમાં આઠ દિવસના ‘શ્રીમદ રાજચંદ્રજી પધરામણી અષ્ટાન્હિકા મહોત્સવ’ની ઉજવણી કરી હતી. ગુરુદેવ રાકેશજીના સત્સંગભક્તિ, ધ્યાનપ્રયોગ, જાપ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સ્થાપવામાં આવેલી શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી, ૩૪ ફુટ ઊંચી પ્રતિમા પર મહોત્સવ દરમ્યાન વિશ્વભરમાંથી આવેલા ૫૦,૦૦૦થી વધુ લોકોએ મહામસ્તકાભિષેક કર્યો હતો અને આવું પહેલી વાર બન્યું છે. બાળકોથી લઈને સિનિયર સિટિઝનો પણ જળાભિષેક કરી શકે એ માટે પ્રતિમાની પાછળ કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેમ્પરરી લિફ્ટ બનાવી છે જેના દ્વારા લોકોએ ઉપર જઈને મહામસ્તકાભિષેક કરવાનો લહાવો લીધો હતો. ૧૩ એપ્રિલ સુધી પ્રતિમા પર જળાભિષેક કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.’   

અધ્યાત્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રજી ધરમપુરમાં પધાર્યા હતા એને ૧૨૫ વર્ષ થયાં એ પ્રસંગને ઊજવતાં ધરમપુરમાં શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ભગવાન મહાવીરસ્વામી અને શ્રીમદ રાજચંદ્રજીના ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રામાં ગુરુદેવ રાકેશજી સામેલ થયા હતા. શોભાયાત્રામાં ઢોલનગારાં, હાથી, ઘોડા, ઊંટ, મ્યુઝિક બૅન્ડ સાથે વિશ્વભરમાંથી ભાવિકો ઊમટ્યા હતા. સ્ત્રીઓ માથા પર કળશ લઈને તેમ જ શ્રીમદ રાજચંદ્રજીએ લખેલા વચનામૃતનું પુસ્તક લઈને શોભાયાત્રામાં જોડાઈ હતી. ધરમપુરમાં ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત થયું હતું.

gujarat gujarat news news religious places religion festivals jain community gujarati community news