07 January, 2025 12:40 PM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
૧૮ વર્ષની ઇન્દિરા મીણા નામની યુવતી વાડીના બોરવેલમાં પડી ગઈ હતી.
કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક યુવતી ૫૦૦ ફુટથી વધુ ઊંડા બોરવેલમાં પડી જતાં તેને બચાવી લેવા માટે ગઈ કાલે સાંજ સુધી રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું હતું અને તેને બહાર કાઢવા તંત્ર દ્વારા ખાસ્સી જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
ગઈ કાલે સવારે ૬ વાગ્યે કંઢેરાઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરતા પરિવારની ૧૮ વર્ષની ઇન્દિરા મીણા નામની યુવતી વાડીના બોરવેલમાં પડી ગઈ હતી. તેણે ‘બચાવો બચાવો’ની બૂમો પાડતાં તેનો પરિવાર દોડી આવ્યો હતો અને તંત્રને એની જાણ કરતાં પોલીસ, ભુજ ફાયર વિભાગ તેમ જ અધિકારીઓ ગામ પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકો સાથે મળીને સવારે ૯ વાગ્યાથી યુવતીને બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી તેને બચાવવાની કામગીરી ચાલુ હતી, પણ તેને બહાર કાઢી શકાઈ નહોતી. યુવતીને બચાવી લેવા માટે પાઇપલાઇન દ્વારા ઑક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. એ ઉપરાંત ગાંધીનગરથી નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ ગામ પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.