13 February, 2024 09:46 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ગુજરાતમાં આવેલી ૧૬૦૬ પ્રાથમિક સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને રોજેરોજ અભ્યાસ કરાવે છે. ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં ખુદ ગુજરાતના શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડિંડોરે એકરાર કર્યો હતો કે રાજ્યમાં એક જ શિક્ષકવાળી ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ છે, જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે કૉન્ગ્રેસના વિધાનસભ્યો દ્વારા રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓનો અને એમાં વધુ શિક્ષકો મૂકવા વિશે પ્રશ્નો પુછાયા હતા, જેના જવાબમાં શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડિંડોરે કહ્યું હતું કે ‘પ્રાથમિક શાળાઓમાં ભૂલકાંઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મૂકવાની પ્રક્રિયા હાધ ધરવામાં આવી છે. સાથે-સાથે શાળાઓમાં વધ-ઘટ કૅમ્પનું આયોજન કરાય છે, જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કૅમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કરાયો છે, જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી આરટીઈ ઍક્ટ હેઠળ કરવામાં આવે છે, જેમાં ૩૦ વિદ્યાર્થીદીઠ ૧ શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એવી શાળાઓ પણ વધુ છે, જેના પરિણામે એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે.’
કૉન્ગ્રેસના વિધાનસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ૧૬૦૬ શાળાઓ છે, જેમાં ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓ ભણે છે, જે માત્ર ૧ શિક્ષકથી ભણે છે. પરિસ્થિતિ સમજી શકો છો કે કેટલી હદે શિક્ષણનું સ્તર કથળી ગયું છે. છોટાઉદેપુર જિલ્લામાં ૨૨ ટકા શાળાઓમાં એક જ શિક્ષક છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગભગ ૧૭ ટકા સ્કૂલોમાં ૧ શિક્ષક છે.’
ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસ પક્ષના ઉપનેતા અને વિધાનસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યા ૯૦૬ હતી એમાં મોટો વધારો થયો છે અને ૨૦૨૪માં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યા ૧૬૦૬ થઈ છે. ગુજરાતમાં લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો નોકરી માટે રાહ જુએ છે, છતાં આવી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓમાં આવા ઉમેદવારોને નોકરી માટે નિમણૂક આપવામાં આવતી નથી.’