10 September, 2024 10:54 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કારણે ૧૩ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. શંકાસ્પદ તાવના કેસ ધ્યાનમાં આવતાં આરોગ્ય વિભાગની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસ ધ્યાનમાં આવ્યા છે જેના પગલે જિલ્લાના ૧૩ નાગરિકોનું અવસાન થયું હતું. પ્રથમ કેસ ચોથી સપ્ટેમ્બરે નોંધાયો હતો ત્યાર બાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં આરોગ્ય વિભાગની ૨૭ ટીમોએ હાઉસ-ટુ-હાઉસ સર્વેનું કામ કરીને ૨૨૩૪ લોકોનું આરોગ્યલક્ષી સ્ક્રીનિંગ કર્યું છે, જેમાં ૪૮ જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા. તાલુકામાં તાવના દરદીઓની મલેરિયા રૅપિડ ટેસ્ટ કરવામાં આવી હતી જેમાં બે દરદી ઝેરી મલેરિયા પૉઝિટિવ મળ્યા હતા અને એક દરદી ડેન્ગી પૉઝિટિવ આવ્યો હતો. જ્યાં મરણ થયું છે એની આજુબાજુનાં ઘરોની તપાસ કરીને શંકાસ્પદ તાવના દરદીઓની વધુ તપાસ માટે લોહીનાં અને ગળા, નાકનાં સૅમ્પલ તપાસ માટે લેવામાં આવ્યાં છે.’