રૂપાલની પલ્લી પર ભક્તોએ ભક્તિભાવથી સાડાચાર લાખ કિલો ઘીનો કર્યો અભિષેક

25 October, 2023 11:29 AM IST  |  Mumbai | Shailesh Nayak

૧૨ લાખ માઈભક્તોએ પલ્લીનાં દર્શન કર્યાં અને માનતા-બાધા પૂરી કરી, વર્ષોથી ચાલી આવતી પ્રથા આજે પણ અકબંધ, ભાવિકોનાં ઘોડાપૂર ઊમટ્યાં દર્શન કરવા 

વરદાયિની માતાજીની પલ્લી ભક્તિભાવભર્યા વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે નીકળી હતી અને બાળકોને પલ્લીનાં દર્શન કરાવીને માનતા છોડી હતી.


અમદાવાદ : ગુજરાતમાં ગાંધીનગર નજીક આવેલા અને ‘રૂપાલની પલ્લી’ના નામથી વિશ્વમાં જાણીતા બનેલા રૂપાલ ગામે ગઈ કાલે ગામમાંથી વરદાયિની માતાજીની પલ્લી વહેલી પરોઢે ચાર વાગ્યે ભક્તિભાવભર્યા વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે નીકળી હતી અને ગામમાં ફરી હતી. માતાજીની પલ્લીનાં દર્શન કરવા આવેલા ભાવિકોએ પલ્લી પર શ્રદ્ધાપૂર્વક ચારથી સાડાચાર લાખ કિલો ઘીનો અભિષેક કર્યો હતો. લાખ્ખો માઇભક્તો દર્શન અને બાધા પૂરી કરવા ઊમટતાં રૂપાલ ગામમાં જ્યાં નજર કરો ત્યાં ભક્તો નજરે પડતા હતા. 


વરદાયિની માતાજીના મંદિરના મૅનેજર અરવિંદ ​ત્રિવેદીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘નવમા નોરતાની વહેલી પરોઢે ચાર વાગ્યે ગામમાંથી વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. લગભગ સાત વાગ્યે પલ્લી વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી હતી. આ દરમ્યાન ચારથી સાડાચાર લાખ કિલો ઘીનો પલ્લી પર ભક્તોએ અભિષેક કર્યો હતો. એક કિલો ઘીનો સરેરાશ ભાવ ૬૦૦ રૂપિયા ગણીએ તો અંદાજે રૂપિયા ૨૪થી ૨૫ કરોડની કિંમતના ઘીનો પલ્લી પર અભિષેક થયો હતો. રૂપાલ ગામ તેમ જ ગુજરાતભરમાંથી ૧૨ લાખથી વધુ ભાવિકો પલ્લીનાં દર્શન કરવા આવ્યા હતા.’
ઉલ્લેખનીય છે કે રૂપાલ ગામમાં નવરાત્રિમાં નવમા નોરતે વરદાયિની માતાજીની પલ્લીનું કરોડો શ્રદ્ધાળુઓમાં આગવું મહત્ત્વ છે. નવરાત્રીના નવમા નોરતે લાખ્ખો ભક્તો રૂપાલની પલ્લીંના દર્શન કરવા માટે રૂપાલ ગામે આવે છે. ગઈ કાલે વાજતેગાજતે નીકળેલી પલ્લીમાં ઘણા શ્રદ્ધાળુઓએ રાખેલી માનતા-બાધા પલ્લીનાં દર્શન કરીને તેમ જ ઘીનો અભિષેક કરીને છોડી હતી.

gujarat news gandhinagar