28 April, 2023 05:19 PM IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર
બારમા સાયન્સ પછી એન્જિનિયરિંગ, મેડિકલ, પ્યૉર સાયન્સ, આર્કિટેક્ચર ઉપરાંત અસંખ્ય વોકેશનલ કોર્સ છે. દરેક વિભાગમાં વિષયોની ભરમાર હોવાથી ખૂબ જ સમજી-વિચારીને આગળ વધવું. વિજ્ઞાન પ્રવાહમાં સફળ કારકિર્દી બનાવવાની તીવ્ર ઇચ્છા ધરાવનાર વિદ્યાર્થીએ દૃઢ આત્મવિશ્વાસ, ખંત, ધગશ, ધૂન, ધીરજ અને ધ્યેય રાખવાની સાથે પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિનો પણ વિચાર કરવો
દસમા પછી સાયન્સ, આર્ટ્સ કે કૉમર્સમાં જવા માટેનો રોડ મૅપ કઈ રીતે બને એ વિશે આપણે ગયા અઠવાડિયે વાત કરી. કરીઅર કાઉન્સેલર, મોટિવેટર અને સાઇકોલૉજિસ્ટના માર્ગદર્શનથી કયા ફીલ્ડમાં જવું છે એ તમે નક્કી કરી જ લીધું હશે તેથી આડીઅવળી વાતો કર્યા વિના સીધા પૉઇન્ટ પર આવી જઈએ. દસમા પછી ત્રણ મુખ્ય પ્રવાહમાં કેવા કરીઅર ઑપ્શન્સ છે એને વારાફરતી અને વિગતવાર સમજીશું. આજના લેખમાં એક્સપર્ટ્સ પાસેથી જાણીએ સાયન્સ સ્ટ્રીમનું એ-ટુ-ઝેડ.
જુદા જુદા વિભાગો
સાયન્સ પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ અર્થે પરીક્ષાની તૈયારી કરવા માટે પાંચ લાખ પુસ્તકોની ભારતની સૌથી મોટી લાઇબ્રેરી ધરાવતા મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન IAS ઍકૅડેમીના સંચાલક વ્રજ પટેલ કહે છે, ‘થોડા દાયકા પહેલાં શિક્ષણના સીમાડાઓ મર્યાદિત હતા ત્યારે દસમા ધોરણમાં સારી ટકાવારી આવે તો સાયન્સ, એમાં પ્રવેશ ન મળે તો કૉમર્સ અને ક્યાંય ઠેકાણે ન પડીએ તો આર્ટ્સમાં ઍડ્મિશન છે જ એવી માનસિકતા હતી. ડૉક્ટર કે એન્જિનિયર બન્યા પછી સમાજમાં પ્રતિષ્ઠા વધી જાય અને સારી કમાણી થતી હોવાથી આજે પણ બીજા વિકલ્પો વિશે લોકો વિચારતા નથી. આ વિચારસરણીમાંથી બહાર નીકળવાનું છે. બારમા સાયન્સ પછી એન્જિનિયરિંગ, મેડિકલ અને પ્યૉર સાયન્સમાં જઈ શકાય. એમાં હજારો વિષયો છે. આજે ટેક્નૉલૉજીનો જમાનો છે અને એન્જિનિયરિંગની વાત કરીએ તો અમેરિકાની વિશ્વની સર્વશ્રેષ્ઠ MIT મૅસેચુસેટ્સ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના ૨૦૦૦ જેટલા વિષયો ભણી શકાય છે. ભારતમાં આઇઆઇટીમાં ૧૫૦થી વધારે વિષયો છે. બારમા પછી BE ડિગ્રીનાં ચાર વર્ષ, ME અથવા MTechનાં બે અને PhDનાં બીજાં ચાર વર્ષ ગણીએ તો એક વિષયમાં ડૉક્ટરેટ મેળવીને પારંગત બનવામાં ૧૦ વર્ષ લાગે. બધા વિષયમાં PhD સુધીનો અભ્યાસ કરવા એકધારાં ૧૫૦૦ વર્ષ લાગે. આટલું આયુષ્ય આપણી પાસે નથી. મેડિકલમાં પણ બધા જ વિભાગોમાં હજારો વિષયોના અભ્યાસક્રમો છે. પ્યૉર સાયન્સમાં પાંચ હજાર કરતાં વધુ ફીલ્ડ છે. માત્ર ઓશનોગ્રાફીમાં પાંચસો જેટલા વિષય છે. સાયન્સમાં વિવિધતા અને વિશિષ્ટતા હોવાથી ફીલ્ડની પસંદગી ખૂબ જ સમજી-વિચારીને કરવાની છે.’
સામાન્ય રીતે સાયન્સમાં જનારા વિદ્યાર્થીઓ બારમા પછી એન્જિનિયરિંગ, મેડિકલ અને આર્કિટેક્ચરમાંથી એક ફીલ્ડમાં જવાનું પસંદ કરે છે. પોતાનો અનુભવ શૅર કરતાં રિફ્રેશ કાઉન્સેલિંગ સેન્ટરનાં રેમેડિઅલ ઍન્ડ કાઉન્સેલિંગ થેરપિસ્ટ અલ્પા શાહ કહે છે, ‘ટ્વેલ્થમાં સબ્જેક્ટ સિલેક્શન તેમ જ એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા પછી પણ પચાસ ટકા વિદ્યાર્થીઓ ખોટા ફીલ્ડમાં ચાલ્યા જાય છે. એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રિક, સિવિલ, કેમિકલ અને ટેક્સટાઇલ આ ચાર મુખ્ય શાખાઓ છે. એની અંદર ઘણીબધી સબ બ્રાન્ચ છે. આજે બધાને એન્જિનિયર બનવું છે પણ ક્લૅરિટી નથી. એન્જિનિયરિંગનો કન્સેપ્ટ છે એવું કંઈક પેદા કરવું જે આ દુનિયામાં નથી. એ માટે ટેક્નિકલ માઇન્ડ જોઈએ, જ્યારે મોટા ભાગના સ્ટુડન્ટ્સને મેકૅનિકલ પાર્ટ એટલે કે રિપેરિંગ અથવા એસેમ્બલિંગની સમજણ હોય છે. એક સ્ટુડન્ટ તેના પેરન્ટ્સ અને ભાઈ સાથે માર્ગદર્શન લેવા આવ્યો હતો. અમે તેને શું કરવું છે પૂછ્યું તો કહે ઑટોમોબાઇલ એન્જિનિયર બનવું છે, કારણ કે મારો ભાઈ પણ એ જ ફીલ્ડમાં છે. ભાઈને પૂછ્યું, તું શું કરે છે? જવાબ મળ્યો, તાતા મોટર્સના શોરૂમમાં કામ કરું છું. વાસ્તવમાં તેની જૉબ શોરૂમમાં નહીં, મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં હોવી જોઈએ. ઇન્ટરવ્યુ લેનારને આઇડિયા આવી ગયો કે કસ્ટમરને બેઝિક ટેક્નિકલ જાણકારી આપી શકે એટલું જ નૉલેજ છે એટલે શોરૂમમાં અપૉઇન્ટ કર્યો. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગ જુદાં ફીલ્ડ છે. કમ્પ્યુટર અને આઇટી પણ અલગ વિષય છે. એક હાર્ડવેર છે તો બીજો સૉફ્ટવેર.’
સક્સેસફુલ મેડિકલ પ્રૅક્ટિશનર બનવા માટે સ્પેસિફિક ક્વૉલિટી હોવી જોઈએ એવી વાત કરતાં તેઓ કહે છે, ‘મેડિકલમાં કયા સબ્જેક્ટમાં એક્સપર્ટાઇઝ કરવું છે એનું આયોજન અગત્યનું છે. એમબીબીએસમાં ઍડ્મિશન ન થાય તેમના માટે બીડીએસ, આયુર્વેદ, હોમિયોપથી, ફિઝિયોથેરપી જેવા વિકલ્પો છે. સાયન્સમાં જવું આજકાલ ટ્રેન્ડિંગ હોવાથી જેમને એન્જિનિયર અથવા ડૉક્ટર નથી બનવું તે આર્કિટેક્ટ બની જાય છે. આર્કિટેક્ટ બનવા ક્રીએટિવિટી અને ઇમૅજિનેશન પાવરફુલ જોઈએ. ડ્રોઇંગ સારું છે એટલે આવી ગયા એવું નથી ચાલતું. અનેક દાખલાઓ છે જ્યાં સ્ટુડન્ટ્સ ભૂલ કરીને એક લેવલ બાદ અટકી જાય છે. ખોટી જગ્યાએ પ્લેસમેન્ટ થઈ જવાથી જે ગોલ્સ સાથે શરૂ કર્યું હોય એ અચીવ થતું નથી.’
આ પણ વાંચો : કઈ રીતે નક્કી થાય કરીઅરનો રોડ મૅપ?
આ ઑપ્શન્સ પણ છે
અનેક કેસમાં દેખાદેખીમાં સાયન્સ લઈ તો લીધું, પરંતુ પ્રેશર હૅન્ડલ નથી થતું. આવા વિદ્યાર્થીઓએ બીજા ઑપ્શન્સ શોધીને આગળ વધવું જોઈએ એવી સલાહ આપતાં અલ્પા શાહ કહે છે, ‘પૅરામેડિકલ, બીએસસી જનરલ અને વોકેશનલ ઉપરાંત ગર્લ સ્ટુડન્ટ્સ માટે હોમ સાયન્સનો ઑપ્શન ઓપન રાખવો. હેલ્થકૅર ઇન્ડસ્ટ્રીમાં ઘણી તકો છે. એન્જિનિયરિંગમાં ન જઈ શક્યા તો બીએસસી વોકેશનલ કોર્સમાં લઈ શકાય. મુંબઈ યુનિવર્સિટીમાં બસો ઑપ્શન્સ અવેલેબલ છે જેમાં એન્જિનિયરિંગ જેવી જ ઊજળી કારકિર્દી બનાવી શકાય. ઓછા બજેટમાં ન્યુટ્રિશનિસ્ટ, બાયોકેમિસ્ટ્રી, ઝૉઓલૉજી, જિઓલૉજી, બૉટની, ઍગ્રિકલ્ચર જેવા વિકલ્પો ખુલ્લા છે. એમાં એન્ટ્રન્સ એક્ઝામનું બર્ડન નથી. બીએસસી જનરલમાં ફિઝિક્સ અને આઇટી જેવા બે જુદા વિષયો સાથે યુનિક કૉમ્બિનેશન બનાવી સક્સેસફુલ કરીઅર બને છે.’
શું કરશો?
દસમાની બોર્ડની પરીક્ષા પછી ત્રણ મહિનાનો જે સમય મળે છે એ સમસ્ત વિદ્યાર્થી જીવનનું સૌથી મોટું વેકેશન હોય છે. સાયન્સના વિદ્યાર્થીઓએ આ સમયગાળાનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ એવી સલાહ આપતાં વ્રજ પટેલ કહે છે, ‘સાયન્સમાં જઈને શું કરવું છે એની ક્લૅરિટી મળ્યા બાદ વ્યવસ્થિત આગોતરી તૈયારી કરીને પસંદગીના વિષયમાં નિપુણતા મેળવી શકાય. વિદ્યાર્થીઓની મૌલિક, બૌદ્ધિક ક્ષમતા અને તેના રસનો વિષયો વિશે જાણવું અત્યંત જરૂરી છે. જે-તે વિષયમાં તેની રુચિ કે અરુચિના નિરાકરણ માટે તદ્દન સરળ, નૈસર્ગિક, અને વિદ્યાર્થીના કર્મ્ફટ ઝોનનું આકલન કરીને માર્ગદર્શન આપવામાં આવે છે. સફળતા મેળવવાનો કોઈ ટૂંકો રસ્તો હોતો નથી. વિદ્યાર્થીનો પોતાનો દૃઢ વિશ્વાસ, ખંતની સાથે પાંચ ‘ધ’ અર્થાત ધૂન, ધીરજ, ધ્યેય, ધગશ અને ધર્મ આ બાબતો અંતરમનમાં ઠાંસી-ઠાંસીને ભરી હોય તો ગૌરવવંતી સફળતા પ્રાપ્તિની પ્રબળ ઇચ્છાને કોઈ રોકી શકતું નથી.’
નોટડાઉન કરી લેજો
આજથી થોડા દાયકા અગાઉ શિક્ષણનું વ્યાપારીકરણ નહોતું થયું એટલે મધ્યમ વર્ગના લોકોને પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં શિક્ષણ પોસાતું. હવે એવી પરિસ્થિતિ રહી નથી એમ જણાવતાં વ્રજ પટેલ કહે છે, ‘સાયન્સમાં શિક્ષણ ખૂબ જ ખર્ચાળ થઈ ગયું છે. દસમા પછી મેડિકલ માટે NEET અને એન્જિનિયરિંગ માટે JEEની બે વર્ષની કોચિંગ ક્લાસની ફીસ અને પુસ્તકોનો ખર્ચ સહેજે પાંચ લાખ રૂપિયા થઈ જાય છે. ત્યાર બાદ એન્જિનિયરિંગનાં ચાર વર્ષની ફીસ અંદાજે ૧૦ લાખ અને મેડિકલની ફીસનો આંકડો એક કરોડ સુધી પહોંચી જતો હોવાથી સામાન્ય આવકવાળા માટે આ વિષયમાં અભ્યાસ કરવાનું પરવડે એમ નથી. આવા લખલૂટ ખર્ચ કરીને પણ સરવાળે જોઈએ એવી સારા પગારવાળી નોકરી મેળવતાં નાકે દમ આવી જાય છે. જેમની સાયન્સમાં જવાની તીવ્ર ઇચ્છા હોય, ભણવામાં ખૂબ જ હોશિયાર હોય અને આર્થિક રીતે પોસાય એમ હોય તો આગળ વધી શકાય પરંતુ તમારા મિત્રો અને સગાંવહાલાંનાં દીકરા-દીકરી સાયન્સમાં ગયાં છે એટલે હું પણ જાઉં એ માનસિકતા ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરે છે. મેડિકલ અને એન્જિનિયરિંગમાં જવાની ઇચ્છા ધરાવનાર વિદ્યાર્થીએ પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિનો વિચાર કરવો.’