ઉચ્ચ અભ્યાસ માટે ઊંચી ઉડાન

19 May, 2023 05:20 PM IST  |  Mumbai | Varsha Chitaliya

હાયર સ્ટડીઝ માટે વિદેશ જવાનો પ્લાન હોય તો જાણી લો કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ યુએસએ અને યુકેમાં છે. કૅનેડા અને ઑસ્ટ્રેલિયા પીઆર ફ્રેન્ડ્લી નેશન મનાય છે. ઍકૅડેમિક પર્ફોર્મન્સ સારો હશે તો યુરોપિયન દેશો તમને ફ્રીમાં એજ્યુકેશન આપવા તૈયાર છે

પ્રતીકાત્મક તસવીર

હાયર સ્ટડીઝ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે. અમેરિકા, કૅનેડા, યુકે, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી કરીઅરમાં નવાં શિખરો તય કરવા માટે આજની જનરેશન ઘણી ઉત્સાહી હોવાથી ઓવરસીઝ સ્ટડીઝનો ક્રેઝ વધી રહ્યો છે. તમે પણ પ્લાન કરી રહ્યા હો તો વિદેશમાં કેવા અભ્યાક્રમો છે તેમ જ કરીઅરમાં આગળ કેવો સ્કોપ છે એ સમજી લો. 

પર્ટિક્યુલર કોર્સ કરવામાં રસ ધરાવતા હો તો કાઉન્સેલર સમક્ષ સ્પષ્ટતા કરી લેવી. કોર્સની પસંદગીમાં ક્લૅરિટીથી તમારો સમય બચી જાય છે

પૂર્વતૈયારી જરૂરી

આજે અનેક પેરન્ટ્સનું સપનું હોય છે કે તેમનું સંતાન વિદેશમાં જઈને ભણે. કોર્સ, યુનિવર્સિટી, ઍપ્લિકેશન, વીઝા સંબંધિત પ્રોસેસ, ડિપાર્ચર પહેલાંની વર્કશૉપ અને અન્ય બાબતોની જાણકારી મેળવવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે એમ જણાવતાં જીબી એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડનાં સિનિયર ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ ભાવના જગ્ગી કહે છે, ‘થોડાં વર્ષ અગાઉ વિદ્યાર્થીઓને ઓવરઑલ વ્યુ આપવો પડતો હતો. અત્યારના સ્ટુડન્ટ્સ સ્માર્ટ રિસર્ચ કરીને આવતા હોવાથી કાઉન્સેલિંગ ઈઝી થઈ ગયું છે. જોકે ઘણા સ્ટુડન્ટ્સને વિદેશ જવું છે પણ કયા દેશમાં જવાથી ગ્રોથ થશે એનો આઇડિયા હોતો નથી. વિદ્યાર્થીઓને અમારો સૌથી પહેલો પ્રશ્ન હોય, વિદેશમાં સેટલ થવું છે કે તમારી જાતને પૉલિશ કરીને ઇન્ડિયા પાછા આવવું છે? સેટલ થવું હોય તો યુએસએ અને ડિગ્રી લઈને પરત ફરવું હોય તેમને યુકે જવાની સલાહ આપીએ છીએ. આ બન્ને દેશોમાં વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે, પરંતુ પીઆર ટફ છે. કૅનેડા અને ઑસ્ટ્રેલિયા પીઆર ફ્રેન્ડ્લી નેશન છે. હાલમાં સિંગાપોર નવા સ્ટડી ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવ્યું છે.’

વિદેશમાં જઈને અભ્યાસ કરવાનું આકર્ષણ ક્યારેય ઓછું થવાનું નથી એ વાત સાથે સહમત થતાં કાજલ મહેતા ઇન્સ્ટિટ્યૂટના ઓવરસીઝ કન્સલ્ટન્ટ રાજીવ મહેતા કહે છે, ‘સામાન્ય રીતે ફ્રેન્ડ્સ કે સગાંસંબંધીઓ પાસેથી ફીડબૅક લઈને તેઓ કાઉન્સેલર પાસે આવે છે. સ્ટુડન્ટ્સના ગોલ્સ, કોર્સ, બજેટ વગેરે ફૅક્ટર પર અકાઉન્ટમાં લઈને જુદા-જુદા દેશના પ્લસ અને માઇનસ પૉઇન્ટ વિશે જાણકારી આપીએ. અમારું કૉન્સન્ટ્રેશન સ્ટુડન્ટ્સ પર વધારે હોય છે. પેરન્ટ્સનું બજેટ ન હોય એવા વિદ્યાર્થીઓ પણ વિદેશ જઈને ભણવાના સપનાને સાકાર કરી શકે છે. હાયર સ્ટડીઝ માટે યુએસએ અને કૅનેડા હંમેશાંથી પ્રથમ પસંદગી રહી છે. પૅન્ડેમિક બાદ ઘણા સ્ટુડન્ટ્સ યુકે તરફ ડાઇવર્ટ થયા છે. યુરોપના દેશો તરફ પણ ઝુકાવ વધ્યો છે, કારણ કે અહીં ફ્રી એજ્યુકેશન છે. રહેવાની વ્યવસ્થા પણ થઈ જાય છે. દાખલા તરીકે ઇટલીમાં પ્રાઇવેટ એનજીઓ દ્વારા સ્કૉલરશિપ અપ્લાય કરવી. ઇટલી, જર્મની, સ્પેન કે અન્ય કોઈ પણ યુરોપિયન દેશમાં સ્ટડી કર્યા બાદ તમારા માટે યુરોપના ૨૬ દેશમાં જૉબ કરવાના દરવાજા ખૂલી જાય છે. ડૉક્યુમેન્ટ્સ અરેન્જ કરવામાં તેમ જ સ્કૉલરશિપ માટે અપ્લાય કરવામાં ખાસ્સો સમય લાગતો હોવાથી જવાનું હોય એના ઓછામાં ઓછા એક વર્ષ અગાઉ તૈયારી શરૂ કરી દેવી જોઈએ.’ 

પૉપ્યુલર પ્રોગ્રામ

કોર્સ વિશે માહિતી આપતાં રાજીવભાઈ કહે છે, ‘ઇન્ટરનૅશનલ બિઝનેસ મૅનેજમેન્ટ, એમબીએ, બૅન્કિંગ, ડિજિટલ માર્કેટિંગ, સપ્લાય ચેઇન મૅનેજમેન્ટ, પ્રોડક્ટ ડિઝાઇન, આર્કિટેક્ચર, કમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, ડેટા ઍનૅલિસ્ટ, બિઝનેસ ઇન્ટેલિજન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ગેમ ડિઝાઇનિંગ, મશીન લર્નિંગ, હૉસ્પિટાલિટી, ઍનિમેશન, ગ્રાફિક ડિઝાઇન મોસ્ટ પૉપ્યુલર પ્રોગ્રામ છે. એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, સિવિલ અને મેડિકલ યુકેના શૉર્ટેજ ઑક્યુપેશન લિસ્ટમાં આવી જતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે તક ઊભી થઈ છે. અમેરિકા પ્રિફર કરતા સાયન્સના વિદ્યાર્થીઓ હવે યુકે તરફ વળ્યા છે. વિઝાની પ્રોસેસ પણ સિમ્પલ છે. જર્મન, સ્પૅનિશ જેવી એક યુરોપિયન લૅન્ગ્વેજ ઓવરકમ કરી શકો તો યુરોપમાં વેઇટેજ વધી જાય અને કરીઅરમાં ફાસ્ટ ગ્રોથ થાય છે. નેશન સિલેક્શન, કોર્સ સિલેક્શન, એસઓપીના ડ્રાફ્ટિંગ, વીઝાની તૈયારી, લોન માટે મદદ તેમ જ પોસ્ટ ડિપાર્ચર ફૉલોઅપ સર્વિસ પણ આપીએ છીએ. વિદેશ પહોંચ્યા પછી એકાદ મહિનામાં સ્ટુડન્ટ્સ કમ્ફર્ટ થઈ જાય છે. અમારી ટીમ દ્વારા જુદા-જુદા ગુજરાતી સમાજમાં સેમિનાર કન્ડક્ટ કરી વિદેશ જનારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.’

ઇન્ડિયામાં સાયન્સ, આર્ટ્સ કે કૉમર્સની પસંદગી થઈ ગઈ હોવાથી બૅચલર્સ માટે જવું છે કે માસ્ટર્સ ડિગ્રી માટે એની જાણકારી મેળવ્યા બાદ પ્રોગ્રામ સજેસ્ટ કરવામાં આવે છે એમ જણાવતાં ભાવના કહે છે, ‘સ્ટેમ પ્રોગ્રામ (સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથ્સ) હોય તો આંખ બંધ કરીને યુએસએ ચાલ્યા જવું. વિદેશમાં કૉમર્સ જેવો ટર્મ નથી. એને બિઝનેસ સ્ટ્રીમ કહેવાય છે. બિઝનેસ ઍનૅલિસ્ટ અને મૅનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ આ બે ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામ છે જેમાં સાયન્સ અને કૉમર્સ બન્ને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ જાય છે. ફુલટાઇમ કોડિંગ ન કરવું હોય એવા સ્ટુડન્ટ્સ માટે સારો વિકલ્પ છે. કૉમર્સ સ્ટુડન્ટ્સ માસ્ટર્સ ઇન ફાઇનૅન્સ અને ડિજિટલ માર્કેટિંગ સ્પેશ્યલાઇઝેશનમાં જવાનું પસંદ કરે છે. આર્ટ્સના સ્ટુડન્ટ્સ મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગ અને સાઇકોલૉજીમાં ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. હ્યુમન રિસોર્સ પણ સારો પ્રોગ્રામ છે. લૉ અને ફિઝિયોથેરપી માટે યુકે સારી ચૉઇસ કહી શકાય. આર્કિટેક્ટ સ્ટુડન્ટ્સ પણ હવે વિદેશ બહુ જઈ રહ્યા છે. માસ્ટર્સ ઇન આર્કિટેક્ચર, માસ્ટર્સ ઇન અર્બન ડિઝાઇન, માસ્ટર્સ ઇન લૅન્ડસ્કેપ આર્કિટેક્ચરમાં ખૂબ જ સારી કરીઅર છે.’

પોતાના દેશમાં કુલ સોળ વર્ષનું શિક્ષણ પૂરું કર્યું હોય અથવા બારમા પછી ચાર વર્ષનો ડિગ્રી કોર્સ કર્યો હોય એવા વિદ્યાર્થીઓને જ યુએસએ અને કૅનેડાની યુનિવર્સિટીમાં પ્રવેશ મળે છે. કૅનેડામાં કૉલેજ લેવલની ડિપ્લોમા ડિગ્રી માટે પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટે બારમા પછી ત્રણ વર્ષ અભ્યાસ કર્યો હોય તો ચાલે છે. ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, યુરોપિયન દેશો, સિંગાપોરમાં ઇન્ડિયા જેવી જ એજ્યુકેશન પૅટર્ન હોવાથી ટ્વેલ્થ પ્લસ થ્રી ઍક્સેપ્ટેબલ છે. ટૉપ બિઝનેસ સ્કૂલમાં ભણવા માટે વર્ક એક્સ્પીરિયન્સ પણ જોઈએ. 

પરીક્ષાઓ કઈ?
 
IELTS, TOEFL, PTE, DUOLONGO અંગ્રેજી ભાષાની ટેસ્ટ છે. નેશન અને કોર્સ માટે ક્લૅરિટી ન હોય તેમણે IELTS આપી જ દેવાની. એની વૅલિડીટી બે વર્ષની છે. અમેરિકા સિવાયના દરેક દેશમાં સ્વીકાર્ય છે. સ્ટેમ પ્રોગ્રામ માટે અમેરિકા ભણવા જવું હોય તો GRE અને TOFEL આપવી પડે. બિઝનેસ પ્રોગ્રામ માટે GMAT છે. 

આટલી ખણખોદ કરજો

યુનિવર્સિટી રૅન્કિંગ

શિક્ષણપદ્ધતિ

કોર્સ અને વિઝાનો પિરિયડ

કારકિર્દીની સંભાવનાઓ

કૅમ્પસ લાઇફ

આવાસ વિકલ્પો

columnists Varsha Chitaliya career tips