15 December, 2022 05:24 PM IST | Mumbai | Jigisha Jain
આફ્રિકન વાઇલ્ડલાઇફ અને સાગર અને જલ્પા સોમાણી
આફ્રિકાને લોકો સેફ નથી માનતા, પરંતુ અમુક જગ્યાને છોડીને સમગ્ર આફ્રિકા અનસેફ છે એવું નથી. નવી મુંબઈમાં રહેતાં સાગર અને જલ્પા સોમાણીનો અનુભવ કહે છે કે અમુક જગ્યાઓએ જરૂરી સાવચેતી રાખીએ તો ટ્રિપને એકદમ સેફ રાખી શકાય છે અને વાઇલ્ડલાઇફ અને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકાય છે
ઘણા માને છે કે આફ્રિકા સેફ નથી, પણ જો થોડીક સાવધાની સાથે હરો-ફરો તો આ દેશ એક અનોખી વાઇલ્ડલાઇફની દુનિયા ખોલી આપે છે.
‘ટ્રાવેલ તમને શીખવે છે કે માન્યતાઓથી પરે પણ એક દુનિયા છે અને એનો અનુભવ કરવા માટે એને નજીકથી જોવી ખૂબ જરૂરી છે. આખી દુનિયા માને છે કે આફ્રિકા જવું સેફ નથી પણ એવું જનરલાઇઝેશન બરાબર નથી. આફ્રિકાનો અમુક જ ભાગ એવો છે જેમાં તમારે સાવધાની રાખવી જરૂરી છે, આખું આફ્રિકા એવું નથી. ઊલટું આ ખંડ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. બજેટ ઓછું હોય અને ભારતની બહાર ફરવા જવું હોય તો આફ્રિકાથી વધુ સારો ઑપ્શન તમને મળશે નહીં એ હું મારા અનુભવ પરથી કહું છું.’
આ શબ્દો છે ઘનસોલીમાં રહેતા ૩૨ વર્ષના સીએ સાગર સોમાણીના, જે તેની પત્ની જલ્પા સાથે કોઈ ટ્રાવેલ એજન્ટની મદદ વગર ખુદ પ્લાન કરીને ૧૫ દિવસની સાઉથ આફ્રિકાની ટૂર કરી આવ્યા છે. સાગર અને જલ્પાને નેચર અને વાઇલ્ડલાઇફમાં પણ ઘણો જ રસ હતો એટલે જ્યારે ઇન્ડિયાની બહાર જવાનું વિચાર્યું તો પહેલી પસંદગી તેમણે આફ્રિકા પર ઢોળી. પરંતુ આફ્રિકા સેફ નથી એવું બંનેએ ખૂબ સાંભળ્યું હતું એટલે પૂરતી સાવધાની સાથે જઈશું એમ વિચારીને બંનેએ આફ્રિકા પર ખાસ્સું રિસર્ચ કર્યું. કઈ જગ્યાએ કેટલા દિવસ રોકાવું અને કઈ રીતે ક્યાં જવું એની આખી આઇટિનરી તૈયાર કરી અને પછી બૅગ પૅક કરીને ઊપડ્યાં આફ્રિકા.
વાઇલ્ડલાઇફ
સૌપ્રથમ તેઓ ક્રુગર નૅશનલ પાર્ક ગયાં. આ વાઇલ્ડલાઇફને ખૂબ નજીકથી જોવા-જાણવા માટે વિશ્વ વિખ્યાત એવા આ ક્રુગર નૅશનલ પાર્કમાં રિયલ આફ્રિકાની મજા માણી શકાય છે. એ વિશે વાત કરતાં જલ્પા કહે છે, ‘૧૯,૪૮૫ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો આ નૅશનલ પાર્ક પૂરો ફરીને જોઈ શકવો તો શક્ય નથી. અહીં લોકો મહિનાઓ સુધી રોકાય છે. રિસર્ચ કરતા હોય છે. અમે ત્યાં રાઇનોઝનાં ઝુંડ જોયાં, ઝીબ્રાનાં ટોળેટોળાં જોયાં. આ સિવાય હાયનાઝ, જિરાફ અને વૉટર બફેલોઝ જોયાં. પણ સૌથી વધુ મજા ત્યાંના હાથી અને સિંહને જોઈને આવી. ત્યાંના હાથી જે વિશાળ કદના હોય, એને જોઈને બીક લાગે એટલા મહાકાય. ત્યાંના સિંહ જોઈને લાગે કે આને સિંહ કહેવાય. કદની બાબતમાં આપણા ગીરના સિંહ તો એની પાસે કંઈ જ ન લાગે એવા કદાવર. આ સિવાય ત્યાં નાઇટ સફારી પણ છે જ્યાં પહેલી વાર અમે જંગલી સુવ્વર જોયાં. ત્યાં અમે રિસર્ચ કરનારા લોકોને મળ્યા, જે ત્યાં મહિનાઓ સુધી વૉટર બૉડીઝની આસપાસ ઝૂંપડી જેવું બનાવીને રહેતા હોય અને કૅમેરા સેટઅપ લગાવી રાખે કે જેથી કોઈ પ્રાણી આવે તો એ લોકો ફોટોઝ કે વિડિયોઝ લઈ શકે. આ લોકોને મળવાનો અનુભવ યાદગાર કહી શકાય.’
આ પણ વાંચો : થૅન્ક યુ ડિયર એલિફન્ટ, મને ફૅમિલી ઍટિકેટ્સ શીખવવા માટે
સેલ્ફ-ડ્રાઇવ
અમે ત્યાં સેલ્ફ-ડ્રાઇવ જ કરવાના હતા, કારણ કે બન્ને જગ્યાએ રાઇટ-હૅન્ડ ડ્રાઇવ કાર જ ચલાવાય છે એટલે પ્રમાણમાં સરળ પડશે. વળી અહીંનું લાઇસન્સ ત્યાં ચાલે છે. પોતાના અનુભવની વાત કરતાં સાગર કહે છે, ‘મને ડ્રાઇવિંગનો ખૂબ શોખ છે. આઉટ ઑફ ઇન્ડિયા કાર ચલાવવાની એક જુદી થ્રિલ છે એ અનુભવવા આખો પ્લાન જ એવો કર્યો કે બધે સેલ્ફ-ડ્રાઇવ જ કરીશું. ત્યાંના થોડાઘણા નવા નિયમો હતા, જે અહીંથી વાંચીને ગયેલો; પણ એક જુદો જ અનુભવ થયો ત્યાં. આફ્રિકાનાં મુખ્ય શહેરોમાં તો સિગ્નલ્સ છે પરંતુ જ્યાં સિગ્નલ નથી ત્યાં ચાર રસ્તા પર એવો નિયમ છે કે દરેક રસ્તા પરથી એક-એક ગાડીને જવા દેવાની. દરેક રસ્તાની પહેલી ગાડી જાય પછી જ બીજીને ચાન્સ મળે. તમે વચ્ચે ઘૂસો તો ન ચાલે. દરેક જગ્યાના પોતાના સેટ નિયમો હોય છે, જે બહારના લોકોને ન ખબર હોય; પણ આ જ ફાયદો છે ટ્રાવેલનો કે નવા અનુભવો મળે. ત્યાં દરરોજનું ઍવરેજ ૭-૮ કલાક ડ્રાઇવ કરતા અમે. ત્યાં એક બીજો પણ નિયમ હતો કે કોઈ પણ વેહિકલને ઓવરટેક નહીં કરવાનું. એને કારણે અમે એક જગ્યાએ ખૂબ મોડાં પહોંચ્યાં. તમને ગમે તેટલું મોડું થતું હોય, લેન-ડ્રાઇવિંગનો રૂલ ત્યાં કોઈ તોડતું નથી. આ સિવાય વગર કારણે તમે હૉર્ન ન મારી શકો. ફસાઈ ગયાં હો તો પણ એક જ વાર હૉર્ન મારવાની પરવાનગી હોય.’
સેફ્ટી કઈ રીતે જાળવી?
જોહનિસબર્ગ આ કપલને થોડું સેફ ન હોય એવું લાગેલું પરંતુ ત્યાં પણ તેમણે સેલ્ફ-રૂલ્સ બનાવીને ખૂબ સારી સાવચેતી દાખવી હતી. એ વિશે વાત કરતાં સાગર કહે છે, ‘અમે ત્યાંની વિલા બુક કરાવેલી એટલે એ વિલા જેની હોય તેની પાસેથી શહેર, આસપાસના લોકો કે ક્યાં જવાય અને ક્યાં ન જવાયની સાચી માહિતી મેળવી લેતાં હતાં. આ સિવાય કારમાં હોય ત્યારે કારના કાચ બંધ જ રાખતાં અને દરવાજા એકદમ લૉક. દરેક જગ્યાએ કાર્ડ જ કૅરી કરતાં. કૅશ રાખતાં જ નહિ. વૉલેટ કે પર્સ કશું જ હાથમાં ન રાખવું. કોઈ ખાસ ઘરેણાં પણ ન પહેરવાં. કશું બહાર દેખાવું ન જોઈએ એનું અમે ધ્યાન રાખેલું. અમે બધી જ જગ્યાએ પેઇડ પાર્કિંગ જ કર્યું હતું. ક્યાંય ગાડી પાર્કિંગ સ્પેસ વગર નહોતી જ રાખી. આટલું ધ્યાન રાખ્યા પછી અમારી જોડે કોઈ જ અણબનાવ નથી બન્યો. ત્યાં અમે દરરોજ ખુદ જ જમવાનું બનાવતાં. એટલે સવારમાં પહેલાં માર્ટ જતાં. સામાન લાવતાં. જમવાનું બનાવી થોડું ખાઈ અને ડબ્બા ભરીને નીકળી જતાં. અમે ત્યાં જેટલા દિવસ રહ્યા અમે ખુદ જ બનાવેલું. છેક દસમા દિવસે અમે બહારનું ખાધું. જોહનિસબર્ગ સિવાય સમગ્ર આફ્રિકામાં અમને કોઈ તકલીફ જેવું લાગ્યું નથી. ઊલટું કેપટાઉનમાં તો અમે રાત્રે પણ ડર્યા વગર બિન્દાસ ફર્યાં છીએ.’
ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ
આફ્રિકામાં તેઓ ન્યાસના, આઉડશૂમ, મોઝેલ બે, જ્યૉર્જ, હર્મેનસ અને કેપટાઉન જેવી જગ્યાઓએ ફર્યાં. એની ખાસિયતો વિશે વાત કરતાં જલ્પા કહે છે, ‘અમને લોકોને ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો પણ ભયંકર શોખ છે. જ્યાં મોકો મળે ત્યાં અમે એ માટે તત્પર રહીએ છીએ. ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં અમે પહેલાં ફ્લાઇંગ ફૉક્સ, પૅરાગ્લાઇડિંગ, પૅરાસેઇલિંગ, રિવર રાફ્ટિંગ પણ ભારતમાં જ જુદી-જુદી જગ્યાઓએ કરેલું છે. આફ્રિકામાં ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ ઘણી સરસ છે, સેફ છે અને ઇકૉનૉમિકલી પણ બીજા દેશો કરતાં સસ્તી છે. અમે મોઝેલ બેમાં સ્કાય ડાઇવિંગ કર્યું હતું. આ સિવાય ત્યાં અમે એક ઝિપ લાઇનિંગ કરેલું, જે સૌથી લાંબું માનવામાં આવે છે. આ ઝિપ લાઇનિંગમાં ૮ હર્ડલ્સ હોય છે, જે પાર કર્યા વગર તમે એની બહાર જ આવી ન શકો. એ પાર કરવા સરળ નથી હોતાં. પણ સાચું કહું તો એ કરીને આવ્યા પછી તમને એક અચીવમેન્ટ લાગે કે તમે કરી શકો છો. ઝિપ લાઇનિંગ અમે મનાલીમાં પણ કર્યું હતું પરંતુ અહીં એ અઘરું હતું.’
આ પણ વાંચો : ફૂડ છે આ કપલનું ટ્રાવેલ ઇન્સ્પિરેશન
સ્કાય ડાઇવિંગ
આફ્રિકામાં સાગર બંજી જમ્પિંગ ટ્રાય કરવા ગયેલો પરંતુ તે ન કરી શક્યો, કારણ કે તે ડરી ગયેલો. પોતાના એ અનુભવ વિશે વાત કરતાં સાગર કહે છે, ‘સ્કાય ડાઇવિંગ કર્યું તો મને લાગ્યું કે બંજી પણ થઈ શકશે પરંતુ મારી હિંમત ન થઈ. દરેક ઍડ્વેન્ચર સ્પોર્ટની પોતાની મજા છે પણ સ્કાય ડાઇવિંગનો અનુભવ તો અદ્ભુત કહી શકાય. જો તમારે જાતે એ કરવું હોય તો અઠવાડિયાની ટ્રેઇનિંગ લેવી પડે. એટલો સમય અમારી પાસે નહોતો એટલે એ લોકો તમારી સાથે આવે. થાય છે એવું કે જ્યારે એ પ્લેનમાંથી તમને ધક્કો મારે ત્યારે હવાનું દબાણ એટલું હોય છે કે ગુરુત્વાકર્ષણથી તમે નીચે તો આવો જ છો પરંતુ એ સ્પીડ તમને ફીલ થતી નથી. એટલે વચ્ચે બે મિનિટ જેવો તમને ભાસ થતો હોય છે કે તમે હવામાં તરી રહ્યા છો. હવાનું એ પ્રેશર ત્યાં સહન કરવું સરળ તો નથી પણ એ બે મિનિટનો સમય બેસ્ટ હોય છે. એ પછી પૅરૅશૂટ ખોલીને તમારે ધીમે-ધીમે નીચે આવવાનું હોય છે. કુલ ૪૫ મિનિટનો આ સમય જીવનભર માટે યાદગાર બની જતો હોય છે.’