31 March, 2024 11:28 AM IST | Washington | Manish Shah
અલૌકિક સાક્ષાત્કાર - ગ્લોવર્મ કેવ
ગયા અઠવાડિયે લખ્યા મુજબ વાયટૉમોની ગુફાઓની શોધ ઈસવી સન ૧૮૮૪માં થઈ. પછી તો અહીંના સ્થાનિક ટીનોરાસાહેબને અહીંનું વળગણ થઈ ગયું હતું. ઈસવી સન ૧૮૮૯માં તેમણે ગુફાઓનું ઉપરવાસનું પ્રવેશદ્વાર શોધી કાઢ્યું અને પછી તો તેઓ એકદમ સક્રિય થઈ ગયા. તેમણે તરત જ શોખીન પ્રવાસીઓને આ અનોખા અનુભવ માટે લઈ જવાનું શરૂ કરી દીધું. આમાં તેમને સાથ મળ્યો તેમનાં પત્ની શ્રીમતી હુટીનો. આ દંપતી રાતોરાત વિખ્યાત થઈ ગયું. ગુફાઓની ભૂગોળ તેમના મગજમાં બરાબરની બેસી ગઈ હતી. થોડાં વર્ષો વીત્યાં અને સરકાર સફાળી જાગી ગઈ. ઈસવી સન ૧૯૦૫માં સરકારે આ ગુફાઓ ફક્ત ૬૨૫ પાઉન્ડમાં ખરીદી લીધી હતી. ઈસવી સન ૧૯૧૦માં પ્રથમ હોટેલ વાયટૉમો કેવ્ઝ હોટેલ અસ્તિત્વમાં આવી. પ્રવાસીઓનો પ્રચંડ ધસારો બારે મહિના સતત ચાલુ જ રહેતો. અત્યારે આ ગુફાઓનું સંચાલન ટૂરિઝમ હોલ્ડિંગ લિમિટેડ નામની પ્રાઇવેટ કંપનીના
હાથમાં છે.
હવે અમારી મુલાકાતની વાત કરું, અનુભવની વહેંચણી કરું. રોટોરુઆથી અમે બરાબર પોણાબે વાગ્યે નીકળી ગયા હતા. વાયટૉમોનું અંતર છે ૧૪૦ કિલોમીટર. લગભગ દોઢ કલાકમાં પહોંચવાની ગણતરી હતી, કારણ કે રસ્તામાં ક્યાંય ઊભા રહેવું નહોતું અને માનશો, બરાબર સવાત્રણ વાગ્યે અમારી વૅન પાર્કિંગમાં પાર્ક થઈ ગઈ હતી. અમારી પાસે પૂરતો સમય હતો. ગુફાઓની મુલાકાતનો સમય છે સવારે ૮.૩૦થી સાંજે ૬.૩૦ વાગ્યા સુધીનો. મસ્તમજાનો લીલોછમ પર્વતીય પ્રદેશ છે. અહીં આવેલી છે લગભગ ૩૦૦ ગુફાઓ, ચૂનાના પથ્થરની ગુફાઓ, ૩ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી ગુફાઓ. પગ મૂકતાં જ જાણે કરોડો વર્ષ ખરી પડ્યાં. એક સંધાન. કરોડો વર્ષ પહેલાં આકાર પામેલી કોઈ ભૌગોલિક ઘટના, કોઈ ચમત્કારને નજરોનજર નિહાળવાનો, સંવેદવાનો આવો મોકો મળ્યો. કેટલાય વિચારો મનને ઘેરી વળ્યા. વળી સતત આખા પ્રદેશને અવાજના વાઘા પહેરાવતો વહેતાં ઝરણાંનો અવાજ. ઝરણું તો ન જ કહેવાય, વહેળો કે વહેતી નદીનો અને એ પણ ખળભળાટ કરી મૂકતો અવાજ. વાતાવરણને સુરીલો બનાવતો આ નિનાદ એકદમ કર્ણપ્રિય લાગી રહ્યો હતો. પાણીનો જાદુ તો જુઓ. પર્વતોને કોતરી નાખ્યા. પોતાના વહેવાની જગ્યા બનાવી લીધી અને ચોતરફ ખળભળાટ મચાવી દીધો. પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું.
રુઆકુરી કેવ, વાયટૉમો
વાહ રે કુદરત! આ ઉપરાંત વળી કંપનીના સંચાલકોએ આખો પ્રદેશ પૂરેપૂરું સમતોલન રાખીને વિકસાવ્યો છે. સમગ્ર વિસ્તારને લાકડાના અનેક વૉકવેથી, કાચી કેડીઓના માળખાથી ગૂંથી નાખ્યો છે. જાણે તમે જંગલમાં ફરતા હો એવું જ તમને લાગે. મને લાગે છે કે કારણ વગરનો એક પણ ખીલો નહીં માર્યો હોય. ગાડી પાર્ક કરી ટિકિટ લીધી અને આગળ વધ્યા.
૩૦૦ ગુફાઓ તો નાની-મોટી રહેવાની જ અને એનું સંચાલન કરવું લગભગ અશક્ય થઈ પડે. ઘણી ગુફાઓ અંદરથી જોડાયેલી છે, પરંતુ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, તેમણે મોટી વિશાળ ગુફાઓની જ મુલાકાત લઈ શકાય એટલું એકદમ સલામત આયોજન કર્યું છે. અનુભવ તો સરખો જ રહેવાનોને? મુલાકાતીઓને પૂરેપૂરો રોમાંચ માણવા મળે, ભૂગોળ જાણવા મળે એ માટે અહીં ત્રણ મુખ્ય ગુફાઓને એકદમ સુંદર રીતે વિકસાવી છે. કદાચ અંદર-અંદર જોડાઈને ઘણી ગુફાઓ આ ત્રણ ગુફાઓ સાથે ભળી ગઈ હશે, વિલીન થઈ ગઈ હશે, કંપનીએ સાંકળી લીધી હશે, પરંતુ આ ત્રણેત્રણ ગુફાઓનો અનુભવ તદ્દન અલગ છે. કંપનીએ પાક્કું આયોજન કરીને પોતપોતાનાં આગવાં લક્ષણ મુજબ આ ગુફાઓને વિકસાવી છે. આ ત્રણમાં સૌથી મોટી, સૌથી સુંદર ગુફાને તેમણે ગ્લૉવર્મ ગુફા એવું નામ આપ્યું છે. બીજી ગુફાને રુઆકુરીની ગુફા કહે છે અને ત્રીજીને અરાનુઇ ગુફા કહે છે. લાકડાના અનેક વૉકવે અને કેડીઓ પરથી ચાલીને અમે પહોંચ્યા પહેલી ગુફાના પ્રવેશદ્વાર પર. વાતાવરણ વાદળિયું થઈ રહ્યું હતું. પ્રથમ પ્રશ્ન, વરસાદ આવી ચડ્યો તો? સામે બેઠેલા ક્લાર્કને પૂછી જ લીધું. તેણે કહ્યું, કોઈ ચિંતા ન કરો.
જોરદાર વરસાદ જો સતત આવે તો જ આવું કાંઈ વિચારવાનું રહે. બાકી અત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આ સૌંદર્ય માણી લો. શંકાને અત્યારે કોઈ સ્થાન નથી એ ચોક્કસ સમજો.
મેં પ્રશ્નોત્તરી આગળ વધારી. ભૂતકાળમાં આ ગુફામાં ક્યારેક અતિશય વરસાદને કારણે મોટી તકલીફ થઈ છે ખરી? તે મલક્યો અને કહ્યું, ‘હજી ગયા વર્ષે જ અહીં વરસાદ પુરજોશમાં ખાબક્યો હતો. સતત બે દિવસ સુધી અનરાધાર અને એટલો બધો પડ્યો કે વહેણની તીવ્રતા જોખમી હદે વધી ગઈ હતી. ત્યારે ત્રીજા દિવસે બધી જ ગુફાઓ બંધ કરી દેવામાં આવી હતી. સલામતીની એટલી ચોકસાઈ રાખવામાં આવી હતી કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. આ શિયાળાની શરૂઆત છે અને કોઈ પણ પ્રકારની ફિકર કર્યા વગર તમે ગુફાઓની મુલાકાત લો અને ગુફાઓને સંપૂર્ણપણે માણી લો. ચિંતા ન કરો. આગળ વધીએ.
આ ગુફા નામ પ્રમાણે ગ્લોવર્મ એટલે કે આગિયાઓની જ છે. આ ગુફામાં જેટલા આગિયાઓ છે એટલા બે ગુફાઓ તો છોડો, આ આખા પર્વતમાં પણ તમને ક્યાંય જોવા મળતા નથી. આગિયાઓ માટે એકદમ જ સાનુકૂળ વાતાવરણ અહીં જોવા મળે છે. હવે આ ગુફાના પ્રવાસને પણ ત્રણ અલગ-અલગ તબક્કાઓમાં વહેંચી દેવામાં આવ્યો છે. ટિકિટ લઈને આગળ વધ્યા. ગ્લોવર્મ ગુફામાં પ્રવેશતાં જ વાતાવરણમાં એકદમ ઠંડક અનુભવાઈ. થોડું આગળ વધ્યા અને સામે જ સોનેરી પીળા પ્રકાશમાં ચૂનાના પથ્થરનાં અલગ-અલગ બંધારણ નજરે ચડ્યાં. કહેવાય ગુફા, પણ વિશાળતામાં આ ગુફાને કોઈ ન પહોંચે. અમે બધા ચોગાનમાં એકઠાં થયાં. હજી સ્કેલેકટાઇટ્સ, સ્ટેલેગમાઇટ્સને આંખો વાટે હૃદયમાં ઉતારીએ ત્યાં તો ગાઇડ અમને જમણી તરફ દોરી ગયો. જમણે વળ્યાં અને આંખો સમક્ષ જાણે કોઈ અજાયબ સૃષ્ટિ ઊઘડી ગઈ, અનાવૃત્ત થઈ ચાલી. આ બંધારણને કૅથીડ્રલ કહેવામાં આવે છે. પહેલી નજરમાં તો કોઈ વિશાળ ચર્ચની સામે ઊભા હોય એવું જ લાગે. બાર્સેલોનાનું બેમિસાલ સગ્રાડા ફૅમિલિયા ચર્ચ નજર સમક્ષ તરવરી ઊઠ્યું. એ તો માનવનિર્મિત, જ્યારે અહીં અદ્ભુત કુદરતી બંધારણ, અલૌકિક કારીગરી. આ કુદરતી નિર્માણમાં ન જાણે કેટલાંય હજારો-લાખો વર્ષ લાગ્યાં હશે. વિશાળ ચોગાન સામે દેખાતું અદ્ભુત દૃશ્ય તમને વિચારતા કરી મૂકે એવી આ કુદરતી કરામત તમને હાંસિયામાં જરૂરથી ધકેલી દે એ પાક્કું.
કથીડ્રલ - ગ્લોવર્મ કેવ
આ ગુફામાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે એટલે ફોટો ન લઈ શક્યો. એ સિવાય પણ ફોટોગ્રાફી ન કરી શક્યો, પરંતુ કુદરતની આ ઉત્કૃષ્ટ રચનાઓ નજરે નિહાળી શક્યો એનો આનંદ. ફોટો ન લઈ શકવાના ખેદ કરતાં કેટલાય ગણો વધારે આનંદ છે એ અનુભવાઈ રહ્યું હતું. હૃદયમાં કોતરાઈ જવું કદાચ આને જ કહેતા હશે. વહેતા પાણીનો અવાજ વધુ ને વધુ નજીક આવી રહ્યો હતો. અમે લગભગ ૨૫-૩૦ જણ હતાં. બધાં ધીમે-ધીમે આગળ વધી રહ્યાં હતાં. ગાઇડ બધું સમજાવી રહ્યો હતો. એક સ્થળે નજર સમક્ષ એક નાનકડું જળાશય દેખાયું. જળાશયમાં એક ખુલ્લો મોટો તરાપો હતો, પરંતુ આ તરાપામાં ખુરસીઓ અને બેન્ચિસ લાગેલાં હતાં. ઉપરથી એક દોરડું પસાર થઈ રહ્યું હતું અને તરાપો આ દોરડા સાથે એક હુકથી જોડાયેલો હતો. બધાં ગોઠવાયાં અને ગાઇડે તરાપાના આગળના છેડે બાંધેલું દોરડું ખેંચ્યું. આ દોરડું જળાશયના સામેના છેડે બાંધેલું હોય એવું લાગ્યું. કોઈ અવાજ નહીં. તરાપો પાણી પર હળવેકથી સરક્યો. એકદમ સરળતાથી અમે જળાશય પર વિચરી રહ્યાં હતાં. ગાઇડે શાંતિ રાખવાનો ઇશારો કર્યો અને ઉપર ઝળૂંબી રહેલી ગુફાની છત તરફ નજર જમાવી રાખવાનો આદેશ આપ્યો. ધીમે-ધીમે કૃત્રિમ પ્રકાશ ઓઝલ થઈ ગયો. થોડુંક અંતર કાપતાં ઉપરની છત ચળકી ઊઠી. ‘અવતાર’ ફિલ્મના અમે કોઈ કિરદાર હોય એવું લાગી રહ્યું હતું. આખી છત ફ્લોરોસન્ટ બ્લુ રંગથી જાણે રંગાયેલી હતી. ઝબુક-ઝબુક થતો બ્લુ રંગ કોઈ દૈવી આભા રચી રહ્યો હતો. હજી માણીએ કે જાણીએ એ પહેલાં તો સામેનો છેડો આવી ગયો. આ આમ જુઓ તો બંધિયાર પાણીનું જળાશય હતું. અહીં કોઈ વહેણ નહોતું. બધાના હૃદયમાંથી એક જ પોકાર જાણે સંભળાઈ રહ્યો હતો, ‘યે દિલ માંગે મોર...’ ગાઇડ માટે તો આ રોજિંદો ક્રમ હતો, પરંતુ આ સાહેબ ખૂબ રમૂજી અને હાજરજવાબી હતા. બે-ત્રણ મહિલાઓને ટીખળ કરતાં કહ્યું, ‘લાંબો આંટો મારવો છે, પણ પછી મારી સાથે કૉફી પીવા આવવું પડશે.’ બધાં હસી ઊઠ્યાં. તેણે કહ્યું કે આગળ વધો.
હવે પાણીના જોરદાર વહેણથી અમે ખૂબ નજીક હોઈએ એમ લાગી રહ્યું હતું ત્યાં તો નજર સામે બે બોટ દેખાઈ. સમજાઈ ગયું. તોફાની સફરનો અંદાજ આવી ગયો. અમે બધાં બે બોટમાં વહેંચાઈ ગયાં અને બન્ને બોટ નીકળી પડી. ઉપર દોરડું તો હતું જ. હુક્સના સહારે બોટ વહેણમાં સરકી રહી હતી. બધાંને અત્યારે કાંઈ જ પડી નહોતી; ન હાલકડોલક થતી બોટની, ન વહેણની તીવ્રતાની, ન આજુબાજુવાળાની. બધાની નજર ઉપર, ડાબે-જમણે ખોડાયેલી હતી. અહીં આ ભાગમાં આગિયાઓ ખીચોખીચ ભરાયેલા હતા. આખેઆખી વસાહત જોઈ લો અને એ પણ વસ્તીવિસ્ફોટવાળી વસાહત. કોઈ કૃત્રિમ પ્રકાશ નહીં. કોઈ અવાજ નહીં. બધાં જ મંત્રમુગ્ધ, ક્ષુબ્ધ થઈ ગયાં હતાં. ઉપર છત ફ્લોરોસન્ટ બ્લુ રંગથી ઝળાહળા થઈ રહી હતી. વળી પાછું એ જ રંગની સેંકડો લડીઓ છત પરથી નીચે લટકી રહી હતી. અમે જાણે કોઈ દૈવી મંડપની નીચેથી પસાર થઈ રહ્યાં હોય એવું લાગી રહ્યું હતું. બધાં જ સર્વનામો, વિશેષણો ફિક્કા લાગી રહ્યાં હતાં. મા પ્રકૃતિ એની પૂર્ણ સુંદરતાએ ઝળકી રહી હતી. નિતાંત, નિર્બંધ, નિરામય સૌંદર્ય મનને, મગજને કોઈ અજબની શાતા બક્ષી રહ્યું હતું. કોઈ કૃત્રિમતા નહીં. સર્વાંગ, સંપૂર્ણ, નક્કર કુદરત. આવિર્ભાવ સિવાય કાંઈ જ નહીં. કરોડો વર્ષોથી ચાલી આવતી કોઈ શૃંખલાનાં અમે સાક્ષી બની રહ્યાં હતાં. આગિયાઓનું શું આયુષ્ય હશે? તેઓ આપણને શું શીખવાડી રહ્યા હતા? જીવનકાળ, જીવનચક્ર ગમે એટલું ટૂંકું હોય, સ્વયં પ્રકાશથી ઝળકી જવું. કોઈ દાઝી ન ઊઠે એવો શીતળ પ્રકાશ પાથરવો અને કુદરતે આપેલા કિરદાર પૂરેપૂરી પ્રમાણિકતાથી નિભાવી શાંતિથી વિસર્જિત થઈ જવું, નવસર્જનની પ્રક્રિયા આગળ વધારવા. આવું બધું વિચારતાં-વિચારતાં ક્યારે કિનારો આવી ગયો એ ખબર જ ન પડી. ઊતર્યાં. બધાના ચહેરા પર ગજબનો સંતોષ હતો.
આગિયા જાણે અમારા દરેકના ચહેરા પ્રજ્વાળી રહ્યા હતા. ગ્લોવર્મની ગુફામાંથી બહાર નીકળ્યાં. ભૂખ લાગી હતી. સમય હતો. ફટાફટ નાસ્તો કર્યો અને નીકળી પડ્યાં, બીજી ગુફા તરફ. આ ગુફાનું નામ છે રુએકુરી ગુફા. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો. સરકાર મુલાકાતીઓની, રહેવાસીઓની કેટલી સંભાળ રાખે છે, કેટલી કાળજી લે છે એનો જીવતો-જાગતો દાખલો છે આ રુએકુરી ગુફા.
ગ્લોવર્મ કેવનું પ્રવેશદ્વાર
પાંચેપાંચ ઇન્દ્રિયો ધરાવતા આપણે તો મા પ્રકૃતિનાં વિશેષ બાળ છીએ, લાડકાં સંતાનો છીએ, પરંતુ શારીરિક રીતે અક્ષમ લોકોનું શું? તેઓ શું કામ આવા કુદરતી પરચાઓથી, અચરજોથી વંચિત રહે? આવો ઉમદા વિચાર અને શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ પણ આ બધું માણી શકે એ માટે આ ઊંડી ગુફાની પસંદગી કરી અને જોઈ લો, માનવીય કૌશલની કમાલ. સંવેદનાનો પડઘો. ટોચ પરથી ગોળાકાર ઢોળાવરૂપે રસ્તો નીચે ઊતરે છે, એકદમ જ તળિયે સુધી. અહીં પગથિયાં નથી, સપાટ ઢોળાવ છે, શાને માટે? આને વ્હીલચૅર-ફ્રેન્ડલી ગુફા પણ કહેવામાં આવે છે. વ્હીલચૅર ચાલી શકે, ઊતરી શકે એ માટે? અક્ષમ, અશક્ત, વૃદ્ધ લોકો વ્હીલચૅરમાં બેસી મા પ્રકૃતિને વધુ સારી રીતે માણી શકે એ માટે? વાહ, આંખો ઝૂકી ગઈ, હાથ જોડાઈ ગયા. કેવો ઉમદા વિચાર અને એટલો જ ઉમદા અમલ. વિકસિત દેશોની આ જ તો ખૂબી છે. અહીં આ ગુફામાં ફોટોગ્રાફી કરવાની પરવાનગી છે. આછા પ્રકાશમાં છેક નીચે સુધી ગોળ-ગોળ ફરીને ઊતરવાનો આનંદ જ કંઈ ઑર છે અને ઊતર્યા પછી તરત જ બહાર જવા માટેનું દ્વાર પણ નજરે ચડે છે. અહીં આ ગુફામાં પાણી નહીંવત્ છે, પરંતુ આગિયાઓ છે. આગિયાઓની ગુફા જેટલા નહીં, પરંતુ અચંબિત કરી નાખે એટલા પ્રમાણમાં તો ખરાં જ. નીચેથી ઉપર જતા ગોળાકાર વૉકવેના ફોટો લેવાની મજા પડી ગઈ. બહાર નીકળ્યાં ત્યારે વરસાદે થોડું વધુ જોર પકડી લીધું હતું. ત્રીજી અરાનોઈની ગુફાની તપાસ કરતાં ખબર પડી કે અહીં ન તો પાણી છે કે ના તો આગિયા. આ ગુફામાં ફક્ત સ્ટેલેક્ટાઇટ્સ, સ્ટેલેગમાઇટ્સ અને હેલિકટાઇટ્સનાં બંધારણોની ભરમાર છે. અલગ આકાર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવતાં અદ્ભુત બંધારણો ભરપૂર માત્રામાં આ ગુફામાં નજરે ચડે છે. મારે જવું હતું, પરંતુ બાળકો થાક્યાં હતાં. બીજાં બધાંનો પણ ઉત્સાહ થોડો ઓછો હતો એટલે ત્રીજી ગુફામાં જવાનું માંડી વાળ્યું. એને બદલે ત્યાં આવેલી સુવેનિયર શૉપમાં જવાનું નક્કી કર્યું. આ એક સુંદરમજાની દુકાન હતી, જ્યાં વાઇટૉમો ગુફાઓની યાદગીરી રૂપે અલગ-અલગ પ્રકારતનાં સંભારણાંઓનો જાણે ખજાનો હતો. અમે પણ થોડાં સંભારણાં ખરીદ્યાં. નાની ડૉક્યુમેન્ટરી જોઈ. એ ઉપરાંત ત્યાં લગાવેલાં પોસ્ટર્સ જોયાં, વાંચ્યાં. કુદરત પ્રત્યેની કૃતજ્ઞતામાં ઘણો વધારો કરી પછી બહાર નીકળી આવ્યાં. સાંજે સવાછ વાગી રહ્યા હતા. વરસાદ વધુ જોર પકડે એ પહેલાં અહીંથી નીકળવાનું નક્કી કર્યું. અહીંથી ઑકલૅન્ડ લગભગ ૨૦૦ કિલોમીટરના અંતરે છે. લગભગ અઢી કલાક તો ખરા જ. વૅનમાં ગોઠવાયાં અને શરૂ કર્યો અમારી યાત્રાનો છેલ્લો તબક્કો. ઑકલૅન્ડને ત્રણ જ રાત ફાળવી શકાઈ હતી, જેમાંની એક તો આજની રાત હતી એટલે આ ત્રણ દિવસમાં જેટલું બને એટલું ફરી લેવું હતું. થોડાં સાહસો હજી બાકી હતાં, જે ખાસ ઑકલૅન્ડ માટે જ બાકી રાખ્યાં હતાં એ પણ પતાવવાનાં હતાં. શૉપિંગ માટે એક દિવસ જવાનો જ હતો. વૅન ચાલુ કરી અને મુખ્ય માર્ગ ન લેતાં અંતરિયાળ માર્ગ લેવાનું નક્કી કર્યું.
શરૂઆતમાં જંગલ, પછી થોડો પર્વતીય રસ્તો અને પછી આગળ જઈને મુખ્ય માર્ગ સાથે જ આ રસ્તો જોડાઈ જતો હતો. ટ્રાફિક નહીંવત્, પરંતુ રસ્તા એટલા જ સુંદર. કોઈ ખાડા જોવા ન મળે, ન કોઈ ખડખડ. એકદમ સરસ રસ્તા. ન્યુ ઝીલૅન્ડની શાન છે એમ કહી શકાય. એક પછી એક સુંદર વિસ્તારો આવતા-જતા હતા. સાંજ પડી ગઈ હતી. રસ્તા પર કોઈ દેખાતું નહોતું. અમે આજુબાજુનાં દૃશ્યો માણતાં-માણતાં, વાતો કરતાં, કિલ્લોલ કરતાં આગળ વધી રહ્યાં હતાં. એક ગામડું આવ્યું. આજુબાજુ વિશાળ ખેતર અને અંદર સુંદર રહેઠાણો. આ એક સુંદર ગામડું હતું. એક ખેતરની બહાર લાલચટાક વૃક્ષ દેખાયું. સંધ્યાના પ્રકાશમાં લાલ રંગ એકદમ દેદીપ્યમાન લાગી રહ્યો હતો. ગાડી ઊભી રખાવી નીચે ઊતર્યા અને થોડી વાર ઝાડ નીચે બેઠાં. સરસ વાતાવરણ હતું. સંધ્યા ટાણેનું સૌંદર્ય જ કંઈ ઑર હોય છે. બધાયં શાંત થઈને બેઠાં. નાસ્તો કર્યો. ત્રણ દિવસમાં ન્યુ ઝીલૅન્ડ છોડવું પડશે એનું દુઃખ પણ હતું, તો ઘરે પાછાં જવાનો ઉત્સાહ પણ હતો. મિશ્ર લાગણીઓ હતી. ઊભાં થયાં. વૅનમાં ગોઠવાયાં અને ઑકલૅન્ડ તરફ નીકળ્યાં. અહીં કેવી ગજબની શાંતિ, ન કોઈ હાયવોય, ન કોઈ દાવપેચ. બધાં પોતપોતાનામાં ઓતપ્રોત, રચ્યાંપચ્યાં રહે. વાતમાંથી વાત નીકળી. આપણે મુંબઈગરા, શહેરી વાલિયાઓ, આવામાં રહી શકીએ ખરા? આટલી બધી શાંતિ આપણને પચે ખરી? દસ-દસ કિલોમીટર સુધી કોઈ માણસ ન દેખાય એ પરિસ્થિતિ સ્વીકાર્ય ખરી? વિશાળ ખેતરોમાં ખેતી કરો, પશુપાલન કરો કે સરકારી નોકરી કરો, આવું જીવન આપણને ફાવે ખરું? ચર્ચા ચાલી, વિચારોની આપ-લે ચાલી. છોકરાઓને તો ન્યુ ઝીલૅન્ડના કોઈ શહેરમાં રહેવા માટે કોઈ વાંધો આવે એવું લાગતું નહોતું. સ્ત્રીઓમાં મિશ્ર અભિપ્રાય હતો. શાંતિ બધાંને જોઈતી હતી, પરંતુ આટલી બધી અધધધ કહેવાય એટલી શાંતિ નહીં એવું નિરાકરણ નીકળ્યું.
આમ ને આમ ગમ્મતની છોળો ઉડાડતાં, વાતો કરતાં અમે ઑકલૅન્ડ પહોંચ્યાં ત્યારે રાતે ૯.૩૦ વાગી રહ્યા હતા. ઑકલૅન્ડની ચમક જ કાંઈક અલગ છે. નિયોન લાઇટ, ટ્રાફિક દેખાયા. શહેરીજનોને પોતીકુ લાગ્યું. ઑકલૅન્ડ નિયોન લાઇટમાં ચમકી રહ્યું હતું. ન્યુ ઝીલૅન્ડની વસ્તીનો ત્રીજો ભાગ જ્યાં વસે છે એ ઑકલૅન્ડ એકદમ આધુનિક છે એ કળાઈ રહ્યું હતું. કેટલાય વખતે એકસાથે આટલા બધા માણસો જોઈને સુખી થવું કે દુખી એ સમજાતું નહોતું, પરંતુ અહીં એક શિસ્ત હતી. હવામાં જ હૂંફ વર્તાઈ રહી હતી. ભલે પધાર્યા. ઑકલૅન્ડમાં તમારું સ્વાગત છે. પ્રવેશીને હોટેલ તરફ આગળ વધ્યાં અને નજર સમક્ષ જ ઘૂઘવતો પ્રશાંત મહાસાગર દેખાયો. સદીઓ જૂનો લાકડાનો પુલ પણ દેખાયો. કુદરતનું આધિપત્ય સ્વીકારીને સાકાર થયેલો વિકાસ દેખાયો. વિકસિત રાષ્ટ્રની ઝલક દેખાઈ... ‘શ્રી કુદરત શરણમ્ મમ’નું ગાન સંભળાયું. કાનમાં મીઠો રણકાર સંભળાયો.