07 April, 2024 01:31 PM IST | Mumbai | Manish Shah
ઑકલૅન્ડ બ્રિજ બન્જી - ૧૫૦ ફુટ ઉપરથી દરિયાઈ છલાંગ.
ઑકલૅન્ડમાં અમારી હોટેલ હતી શહેરના મુખ્ય ભાગમાં આવેલી નોવોટેલ ઑકલૅન્ડ એલરસ્લી. સુંદરમજાની આ હોટેલ નોવોટેલ હોટેલ્સની આંતરરાષ્ટ્રીય શૃંખલાનો એક ભાગ છે અને આ હોટેલનું સૌથી સુંદર પાસું છે એનું લોકેશન. બધાં જ મુખ્ય આકર્ષણો એકદમ જ નજીકમાં આવેલાં હતાં. ઑકલૅન્ડ એટલે જેમ ભારત માટે મુંબઈ એમ ન્યુ ઝીલૅન્ડ માટે ઑકલૅન્ડ. વેલિંગ્ટન ભલે રાજધાની, પરંતુ મુખ્ય શહેર તો ઑકલૅન્ડ જ. એકદમ પ્રવૃત્ત અને વિકસિત. ઘણા ભારતીયો અને એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતીઓનું વસવા માટેનું પ્રિય સ્થળ એટલે ઑકલૅન્ડ. તાજેતરના આંકડાઓ મુજબ ભારતીયોમાં ગુજરાતીઓએ પંજાબીઓને ન્યુ ઝીલૅન્ડમાં બીજા સ્થાને ખસેડી નાખ્યા છે. જય જય ગરવી ગુજરાત. આમ છતાં ન્યુ ઝીલૅન્ડના આ મુખ્ય શહેરની વસ્તી કેટલી છે ખબર છે? ૧૭ લાખ. જી હા, ફક્ત ૧૭ લાખ! આ શહેરનું કુલ ક્ષેત્રફળ છે ૬૩૭ સ્ક્વેર કિલોમીટર. એક સરખામણી કરીએ. ક્ષેત્રફળની દૃષ્ટિએ આપણા શહેર મુંબઈનું ક્ષેત્રફળ છે ૬૦૩ સ્ક્વેર કિલોમીટર અને ઑકલૅન્ડનું છે ૬૩૭ સ્ક્વેર કિલોમીટર. લગભગ સરખું થયું અને વસ્તી ઑકલૅન્ડની ૧૭ લાખ અને મુંબઈની એક કરોડ ૧૭ લાખ! કદાચ એથીયે વધુ. આમાં શું માંડીએ? કોઈ વિસાત જ નથી. જાવા દ્યો.
બ્રિજની નીચે ગર્ડર્સનું માળખું - છેક જમણે દેખાતો વૉકવે.
૨૦૧૯માં જીવનની ગુણવત્તાની દૃષ્ટિએ ઑકલૅન્ડ આખી દુનિયામાં ત્રીજા નંબરે હતું અને ૨૦૨૧માં રહેવા માટેનાં શ્રેષ્ઠ શહેરોમાં ઑકલૅન્ડ પહેલા નંબરે હતું. શહેરમાં પ્રવેશતાં જ સુઘડતા અને શિસ્ત જોઈને અમે તાજ્જુબ પામી ગયાં. રાતે તો પહોંચી ગયાં સીધાં હોટેલ પર. વૅન પાર્ક કરીને રૂમમાં જઈને પોઢી ગયાં. સવારે ઊઠ્યાં. એકદમ ખુશનુમા વાતાવરણ અને લીલોતરી એટલે તમારી આંખો ઠરે એટલી લીલોતરી. ઑકલૅન્ડ આમ તો એક દરિયાઈ બારું જ ગણાય આપણા મુંબઈની જેમ, પરંતુ ઑકલૅન્ડ બે જળરાશિનો ભાગ છે. એક બાજુએથી તાસમાન સમુદ્ર અને બીજી બાજુએ પ્રશાંત મહાસાગર. અમે ઑકલૅન્ડ હાર્બર પર ગયાં ત્યારે ત્યાં લાગેલી સેંકડો બોટ-યૉટ્સ જોઈને જ આભાં થઈ ગયાં હતાં. ઑકલૅન્ડને એટલે જ પ્રેમથી સિટી ઑફ સેઇલ્સ એટલે કે શઢિયાળું શહેર પણ કહે છે, કહેવાયને? આ ઉપરાંત ક્વીનસિટી તરીકે પણ આ શહેર ઓળખાય છે. આગળ વધીએ. યાદીમાંનાં બાકી રહેલાં બે સાહસોનું આયોજન જાણીબૂજીને અહીં જ રાખ્યું હતું અને એ ઉપરાંત મુખ્ય આકર્ષણો તો ખરાં જ. એક ખાસ આડવાત; ઑકલૅન્ડ, વેલિંગ્ટન અને ક્રાઇસ્ટ ચર્ચની ઍન્ટિક્સની દુકાનોની. એ માટે તો એક આખું પ્રકરણ લખી શકાય એમ છે. પહેલાં તો આ દુકાનો પર જ એક આખું પ્રકરણ અલગથી લખવાનો વિચાર હતો, પરંતુ એ ફરી ક્યારેક. ન્યુ ઝીલૅન્ડની અને એમાં પણ ઑકલૅન્ડની મુલાકાત, અહીંની ઍન્ટિક્સની દુકાનની મુલાકાત વગર અધૂરી ગણાય એ ચોક્કસ સમજવું. માઓરી સંસ્કૃતિની અદ્ભુત વસ્તુઓ અહીંની દુકાનોમાં જોવા મળે છે. કલાકો ઓછા પડે એટલી અઢળક વસ્તુઓનો જાણે ખજાનો છે અહીં આ શહેરોમાં. આમ તો ઑકલૅન્ડ ૧૩૫૦માં માઓરીઓએ સ્થાપી દીધેલું, પરંતુ યુરોપિયન્સ આવ્યા અહીં છેક ૧૮૪૦માં. થોડાં વર્ષો રાજધાની રહી, પરંતુ પછી સલામતીના કારણસર અને ભૌગોલિક સ્થાનને કારણે વેલિંગ્ટનની પસંદગી થઈ એ તો આગળ લખેલું જ છે એ ફરી પાછો ઉમેરી દઉં છું. આ દુકાનોની મુલાકાત, શૉપિંગ એ બધું તો યાદીમાં હતું જ, પરંતુ યાદીમાં સર્વપ્રથમ સ્થાને હતું ઑકલૅન્ડ હાર્બર બ્રિજ પરથી બન્જી જમ્પિંગ.
૧૯૫૯માં ખુલ્લો મુકાયેલો આ બ્રિજ એક ઇજનેરી કમાલ છે. લગભગ ૩૫૦૦ ફુટ એટલે કે એક કિલોમીટરની લંબાઈ ધરાવતો આ પુલ ૮ લેન ધરાવે છે. બન્ને બાજુ ચાર-ચાર લેન અને એ પણ ૧૯૫૯માં! છેને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરેલી કમાલનું આયોજન! વિકસિત રાષ્ટ્રોની દૂરંદેશીનો વધુ એક દાખલો આપું. ન્યુ ઝીલૅન્ડ એમનેમ થોડું સાહસિકો માટેનું મક્કા ગણાય છે? કમાલના ભેજાની ઊપજ જુઓ અને આ ભેજું પણ શ્રીમાન એ. જે. હૅકેટનું જ!! બીજા કોનું હોય? આ ૮ લેન પહોળા પુલની નીચેની બાજુએ જ એક મોટી કૅબિન જડી દીધી અને કરી દીધી શરૂઆત બન્જી જમ્પિંગની. આખા વિશ્વમાં કદાચ આ એક જ આવું સ્થાન હશે જ્યાં પુલની નીચેના ભાગ પરથી તમે ઝંપલાવો છો. ઊંચાઈ છે ૧૫૦ ફુટ અને નીચેથી પસાર થાય છે દરિયો. ઘેરા લીલા રંગનો અસ્ખલિત પ્રવાહ ધરાવતો દરિયો! હવે અમારી વાત કરું.
આમ તો ત્રણ વાર બન્જી જમ્પિંગનો લહાવો લીધો છે, પરંતુ આ ઑકલૅન્ડ બ્રિજ બન્જી કરવા માટે અમે બધાં તલપાપડ હતાં. સવારે ઊઠ્યાં. વૅનમાં ગોઠવાયાં અને અમે પહોંચ્યાં વાયટેમાટા હાર્બર. અહીંથી બ્રિજની શરૂઆત થાય છે. ટિકિટ લીધી. અમે ૭ જણ બન્જી જમ્પિંગ કરવાનાં હતાં, પરંતુ આ લોકોએ આ બન્જીને પણ ખાસ્સું એવું રસપ્રદ બનાવ્યું છે. પુલ પર જેવાં દાખલ થયાં કે અમને હેલ્મેટ પહેરાવી દીધી. લાઇફ જૅકેટ્સ સાથે હાર્નેસ ચડાવીને હાર્નેસ સાથેની સાંકળને પુલની રેલિંગમાં હુકથી ભરાવી દીધી. હવે ખરી મજા હતી. પુલના લોખંડના માળખાની સાથે-સાથે લોખંડનો દોઢ ફુટ પહોળો એક વૉકવે પણ બનાવાયો હતો. અમારે આ વૉકવે પરથી ચાલીને પુલની નીચે બરોબર વચ્ચોવચ આવેલી કૅબિનમાં પહોંચવાનું હતું. આ એક રોમાંચક અનુભવ હતો. પુલની નીચે લાગેલા લોખંડના ગર્ડર્સ અને છેક જમણે ખૂણે જોડાયેલો વૉકવે. વળી આ વૉકવેનું વજન ઓછું કરવા એકસરખા અંતરે પાડેલાં કાણાં. એક જાડી જાળી સમજી લો. નીચે લહેરાતો દરિયો, ઘેરા લીલા કાચ જેવું વહેતું પાણી અને ધીમે-ધીમે ઊંચાઈ હાંસલ કરી રહેલા તમે. ઠંડો ફૂંકાતો પવન વળી રોમાંચમાં ઑર વધારો કરી રહ્યો હતો. કંઈક અલગ જ અનુભવ હતો આ.
સ્કાય ટાવર પરથી દેખાતું ઑકલૅન્ડ - ગુલાબી રસ્તો ખાસ સાઇકલસવારી માટે.
અમે લટકાવેલી કૅબિન પાસે પહોંચ્યાં. આ કૅબિન આડી કૅપ્સ્યૂલ આકારની હતી. અમે નજીક પહોંચ્યાં. એક જગ્યાએ અમને ઊભાં રહેવાનું કહ્યું અને ઇશારો કર્યો. કૅબિન ખૂલી. જાણે કોઈ સ્પેસશિપનો દરવાજો ખૂલ્યો. દરવાજાનો નીચેનો ભાગ ઉપરની તરફ સરક્યો અને અમે એક પછી એક કૅપ્સ્યુલમાં પ્રવેશી ગયાં. અમે પુલની બરાબર નીચે હતાં. ઉપરથી વાહનવ્યવહાર ચાલુ અને નીચે દરિયાનો અસ્ખલિત પ્રવાહ. અમને બરાબર સમજાવવામાં આવ્યું. બન્જીમાં આમ તો બધાને ખબર જ હશે, પરંતુ કહી દઉં કે પગ સાથે બે જાડા દોરડા બાંધવામાં આવે છે, જે સ્થિતિસ્થાપક હોય છે. રબરની જેમ ખેંચાય એવા. આ દોરડા બાંધીને તમે ઝંપલાવો છો. ગુરુત્વાકર્ષણ બળને કારણે તમે નીચેની તરફ ધસો છો, પરંતુ પગમાં બાંધેલા દોરડાને લીધે તમે તરત જ ઊંધા થઈ જાઓ છો. હવામાં શીર્ષાસન કરતા હો એમ અને એ જ સ્થિતિમાં તમે નીચે ધસી જાઓ છો, ખાબકો છો. દોરડું લાંબું હોવાને કારણે પહેલાં તો ફ્રી ફૉલના અનુભવ પછી દોરડાની લંબાઈ ખતમ થતાં તમારા વજનને કારણે દોરડાની સ્થિતિસ્થાપકતાની કસોટી થાય છે.
આ બન્ને સ્થિતિની પરાકાષ્ઠારૂપે એક હળવો આંચકો. દોરડું પાછું ખેંચાવાને કારણે બંધાયેલા તમે પણ પાછા ઉપર તરફ ખેંચાઓ છો. ફરી પાછું ગુરુત્વાકર્ષણબળ કામે લાગતાં તમારી અધોગતિ. ફરી ઊર્ધ્વગતિ. આમ ને આમ ઊર્ધ્વ અને અધોગતિના પાંચેક તબક્કા પછી તમે લટકેલા રહો છો ઊંધા, દરિયા તરફ તમારું માથું. થોડા સ્થિર થતાં ઉપર લાગેલી ગરગડીથી તમે કૂવામાંથી બાલદી કે પીપડું (તમારા કદ પ્રમાણે સમજી લેવું) ઉપર આવે એમ ઉપર ખેંચાઈ આવો છો. છાતી પર લાગેલું એક હુક છૂટું થતાં તમે સીધા થઈ જાઓ છો અને ફરી પાછા પ્લૅટફૉર્મ પર. દરિયાના પાણીમાં માથું ઝબોળવું છે? થોડું વધુ વજન પગ સાથે બાંધો. દોરડું વધુ ખેંચાશે અને તમે માથાબોળ ટાઢા પાણીમાં, બે સેકન્ડ માટે અંદર ઘૂસો છો. ઠંડું પાણી નાક વાટે અંદર પ્રવેશે એ પહેલાં પાછા ખેંચાઈ જાઓ છો, પરંતુ આ બે સેકન્ડ ભયંકર ગૂંગળાવનારી હોય છે એ જાણજો. તીવ્ર ગતિથી તમે જ્યારે ઠંડા પાણીમાં ઘૂસો છો એ પળ માટે તમે એટલા તૈયાર નથી હોતા. એટલી બધી ઘટનાઓ એકસાથે ખૂબ થોડા સમયમાં ઘટે છે કે મગજ લગભગ ક્ષુબ્ધ થઈ જાય છે.
સૌપ્રથમ તો પ્લૅટફૉર્મના છેવાડે આવો. નીચે જોવું નહીં. ઘૂઘવતો દરિયો, ૧૫૦ ફુટની ઊંચાઈએથી જોતાં થોડો ડર તો લાગે જ એટલે બને તો નીચે જોવાનું ટાળવું. સામે નજર રાખવી અને એક ઊંડો શ્વાસ લઈ તરત જ ઝંપલાવી દેવું. જો વિચારવામાં રહેશો તો મગજ ચકરાવે ચડાવી દેશે, અંદરનો ભય ડગમગાવી દેશે એટલે તરત જ વધુ વિચાર્યા વિના ઝંપલાવી દેવું. આ અનુભવવાની વાત છે, વિચારવાની નહીં. ટેન્ડમ સ્કાય ડાઇવિંગમાં ઊંચાઈ ભલે ૧૨,૦૦૦ ફુટ હોય, પરંતુ પ્રોફેશનલ ડાઇવર સાથે બંધાયેલા તમે ત્યાં વિમાનમાં નિરાધાર છો. તમારા હાથમાં તો કંઈ છે જ નહીં. જ્યારે અહીં બન્જીમાં ઊંચાઈ ભલે ૧૫૦ ફુટ છે, પરંતુ તમારે પોતે જ નિર્ણય લઈને કૂદવાનું હોય છે એટલે સામે જોતા રહેવું અને પછી સીધું ઝંપલાવી દેવું અને તો જ તમે બન્જી કરી શકશો. મેં એકલાએ પાણીમાં માથું ઝબોળ્યું, બાકી બધાંએ કૂદકો માર્યો. સખત અનુભવ. પાછા ફર્યા. આ બધામાં બે કલાક વીતી ગયા. જમ્યાં.
હવે વારો હતો એક અલગ જ દુકાનની મુલાકાતનો. આ દુકાનની મુલાકાત લેવી જ હતી. આ દુકાનનું નામ છે જન્ક ઍન્ડ ડિસઑર્ડરલી. આ એક કબાડીની દુકાન છે એમ કહી શકાય, પરંતુ આ દુકાનનો અદ્ભુત સંગ્રહ એને ચીલાચાલુ દુકાનોથી અલગ પાડે છે. અહીં ફેંકી દીધેલી કે કાઢી નાખેલી એવું તમે વિચારી પણ ન શકો એવી વસ્તુઓ જોવા મળે અને વેચાતી પણ મળે. ૧૦થી ૧૫ હજાર સ્ક્વેર ફુટમાં ફેલાયેલી આ દુકાન તદ્દન હટકે છે. અનેક જૂનીપુરાણી અદ્ભુત અલભ્ય વસ્તુઓ તમને અહીં જોવા મળે. માઓરી સંસ્કૃતિની છડીદાર એવી અનેક વસ્તુઓનો સારો એવો સંગ્રહ અહીં જોવા મળ્યો. થોડાં વર્ષો લાગ્યાં હશે, પરંતુ ગજબનો સંગ્રહ. મજા પડી ગઈ. થોડી ઘણી વસ્તુઓ લીધી પણ ખરી. દુકાનની મુલાકાત પછી ફરી વૅનમાં ગોઠવાયાં અને પહોંચ્યાં ઑકલૅન્ડ વૉર મેમોરિયલ મ્યુઝિયમ પર. આ જગ્યા એટલે ઑકલૅન્ડનો સંપૂર્ણ ઇતિહાસ અને એના પરનાં અમી છાંટણાં. આ એક મ્યુઝિયમ છે જ્યાં ન્યુ ઝીલૅન્ડને સાંકળતી લગભગ ૪૫ લાખ નાની-મોટી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ મ્યુઝિયમ એટલે મોટા સુંદર લીલાછમ મેદાનમાં ગોઠવાયેલી આપણી મુંબઈની એશિયાટિક લાઇબ્રેરી જોઈ લો. ઇમારતની બાંધણી એકદમ એવી જ છે, પરંતુ વિસ્તાર વધારે. આ મ્યુઝિયમની આમ તો ઊડતી મુલાકાત લીધી એમ જ કહેવાય. સાંજે શૉપિંગ સાથે પહેલો દિવસ પૂરો.
રાતે વૅનમાં બેસીને લૉન્ગ ડ્રાઇવ કર્યું. ઑકલૅન્ડ પણ ન્યુ ઝીલૅન્ડનાં બીજાં બધાં શહેરોની માફક સાંજે જ જંપી જાય છે, પરંતુ નિયોન લાઇટ્સની ઝાકઝમાળ ખરી. ડ્રાઇવ પૂરેપૂરી માણીને રાતે હોટેલ પર પાછાં પહોંચ્યાં ત્યારે લગભગ સાડાબાર વાગી ગયા હતા. બીજા દિવસે સવારે વારો કાઢ્યો અહીંની સૌથી ઊંચી ઇમારત એવા ૩૨૮ મીટર્સ ઊંચા સ્કાય ટાવરનો. લગભગ ૧૧૦૦ ફુટ ઊંચાઈ ધરાવતા આ ટાવરની વાત જ અનોખી છે. અહીં પણ સાહસ માટેનું માળખું ઊભું કરી દીધું છે. અહીં પણ એ. જે. હૅકેટ જ છે. આ નામ ખરેખર સાહસનું પર્યાય બની રહ્યું છે. ૧૧૦૦ ફુટ ઊંચા ટાવર પર ૬૨૫ ફુટની ઊંચાઈએ ટાવરની ફરતે ગોળ લોખંડનો વૉકવે બાંધી દીધો, જેને રેલિંગ જ નથી. હા જી, કોઈ રેલિંગ નથી. વૉકવે એકદમ ખુલ્લો, બન્ને બાજુએથી. આખા વૉકવેની ઉપર લોખંડનો ગોળાકાર સળિયો લાગેલો છે અને એ જ છે તમારી રેલિંગ, તમારી સલામતીનો એકમાત્ર આધાર. અંદરથી જ તમે ઉપર સળિયા સાથે હુક લગાવીને બહાર આવો છો અને ખુલ્લા વૉકવે પર ચાલવાનું હોય છે. સાથે એક કર્મચારી હોય છે જે તમને આખી પ્રદક્ષિણા કરાવે છે. અવનવા સ્ટન્ટ કરવા માટેની પ્રેરણા આપે છે. બાંધેલા દોરડા પર ભરોસો રાખવાની શીખ આપે છે. આ વૉકના અંતે એક પૉઝ એવો પણ આપી શકાય કે તમે વૉકવેની બહારની તરફ ઝૂકેલા છો, તમારા પગ વૉકવેની બહારની કિનારી પર છે અને શરીર આખું છે બહારની તરફ. દોરડું જ તમારું એકમાત્ર તારણહાર, તમારો આધાર. સડસડાટ વહેતો તોફાની પવન અને હૈયામાં ફફડાટ સાથે આ ખુલ્લા વૉકવે પર ચાલવાનો રોમાંચ એકદમ અલગ છે, અનોખો છે.
આ સ્કાય ટાવરના ઉપરના માળે વળી એક વ્યુઇંગ ગૅલરી છે. સ્કાયવૉક પછી ઉપર જાઓ અને સમગ્ર ઑકલૅન્ડનો ભવ્ય નઝારો જુઓ. વળી આ ટાવરના આકારને હિસાબે સૌથી ઉપર તમે જે કાચની બારી પાસે ઊભા છો, નીચે જે કાચ પર ઊભા છો એ જ તમારી અને ધરતી વચ્ચેનો અવરોધ છે, માંચડો છે. જો કાચ તૂટ્યો તો ૧૦૦૦ ફુટ નીચે ખાબકીને, ન્યુટનસાહેબના સિદ્ધાંતની ચકાસણી થાય ખરી. કાચ પર ઊભા રહીને નીચે નજર કરો તરત જ પગ પાછળ ખસી જાય, પરંતુ સલામતીની તમામ તકેદારી સાથે આ બધાં સાહસ અહીં વિકસાવવામાં આવ્યાં છે એ હકીકત છે. બધું માણીને નીચે આવ્યાં.
નાસ્તો કર્યો અને નીકળી ગયાં ઓગણીસમી સદીમાં બાંધેલા ગોથિક આર્કિટેક્ચરના ડંકા વગાડનાર, સેન્ટ પૅટ્રિક કૅથીડ્રલની મુલાકાતે. આ કૅથીડ્રલ અનેક રીતે ખૂબ અમૂલ્ય છે. આની બાંધણી અને રચના ખરેખર બેનમૂન છે. ખાસ કરીને અંદર આવેલી લાકડાની છત અને સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝ આ ચર્ચની સુંદરતામાં-ભવ્યતામાં ઑર વધારો કરે છે એ દેખાઈ આવે છે. આ બધું પતાવ્યું. હવે વારો હતો દેવમની ઇચ્છાને માન આપવાનો. તેને અહીં આવેલા ઈડન પાર્કની મુલાકાત લેવી હતી. ઈડન પાર્ક આમ તો રહેણાક વિસ્તાર છે, પરંતુ અહીં સરસમજાનું સ્ટેડિયમ છે, જ્યાં ન્યુ ઝીલૅન્ડની સૌથી લોકપ્રિય રમત રગ્બી તથા ક્રિકેટ એમ બન્ને રમતો સમગ્ર વર્ષ દરમ્યાન રમાતી રહે છે. ઈડન પાર્ક ઑકલૅન્ડનો ધનાઢ્ય વિસ્તાર છે. અહીં એક એકથી ચડિયાતા બંગલાઓની ભરમાર છે. ઈડન પાર્કની આ મુલાકાત લગભગ બેથી ત્રણ કલાક લાંબી છે. દેવમ માટે ઠીક છે, પરંતુ અમારી ઇચ્છા નહોતી એટલે તેને ત્યાંના કર્મચારી સાથે ભળાવીને અમે બધાં બહાર નીકળી ગયાં. શૉપિંગ કર્યું.
આજે અમારો ન્યુ ઝીલૅન્ડ પ્રવાસનો છેલ્લો દિવસ હતો. આવતી કાલે તો મુંબઈ પાછા આવવા માટેનું પ્લેન હતું. ઑકલૅન્ડ તથા એની આજુબાજુનાં અનેક સ્થળોની અને ન્યુ ઝીલૅન્ડનાં બાકી રહી ગયેલા પ્રદેશોની વિગતવાર વાતો ફરી ક્યારેક કરીશું. અત્યારે ઑકલૅન્ડ ખાતે આ પ્રવાસને વિરામ આપીએ. વિરામ જ કહેવાય. ન્યુ ઝીલૅન્ડને ૧૭-૧૮ દિવસમાં તો પૂરેપૂરું જાણી ન જ શકાય, પરંતુ જે પણ ફરો, જેટલું પણ ફરો, જે રીતે ફરો એ પળોને સંપૂર્ણ રીતે તમે માણો છો એ નક્કી. કોઈ પણ પ્રવાસની ખરી ફળશ્રુતિ એ પ્રવાસ તમને આંતરિક રીતે કેટલો સમૃદ્ધ કરે છે, વિચારોમાં, વર્તનમાં સૂક્ષ્મ સ્વરૂપે કેવા-કેવા ફેરફાર કરે છે એના પર અવલંબે છે. શું છે આ દેશ? આ ન્યુ ઝીલૅન્ડ? મને પૂછો તો કહું ન્યુ ઝીલૅન્ડ એક પારસમણિ છે. દુનિયાના છેવાડે પ્રશાંત મહાસાગરમાં સ્થિત કુદરતનું વામન સ્વરૂપ, જે ખરા પ્રવાસીને, જીવનયાત્રીને વિરાટ સ્વરૂપનાં દર્શન આપે છે. પરમની ઝાંખી કરાવે છે. પારસમણિના સ્પર્શથી જેમ કોઈ પણ વસ્તુ સુવર્ણ રૂપ પામે છે એમ ન્યુ ઝીલૅન્ડનું ખરું દર્શન તમારામાંના શુદ્ધતમને ક્યાંક તો સ્પર્શે જ છે અને તમારા અંતરમનને પ્રજ્વાળે છે, ઉજાળે છે. સ્વર્ણની જેમ જ ચમકાવે છે. આ દેશ પર, આ પ્રદેશ પર કુદરત મહેરબાન છે. છૂટથી વરસી પડી છે મા પ્રકૃતિ અહીં. આ દેશ વિશાળ છે, ગૂઢ છે, ગાઢ છે. પળેપળ બદલાતું રહેતું મા પ્રકૃતિનું સ્વરૂપ આપણને સમયની, પળોની ક્ષણભંગુરતા સમજાવે છે. સહજ ચિંતનથી આતમનાં બદલાતાં રહેતાં સમીકરણોની સાચી સમજ પૂરી પાડે છે. અહીં મા પ્રકૃતિ તેના ભવ્યતમ પ્રભાવથી તમને મજબૂર કરે છે, વિવશ કરે છે. મા પ્રકૃતિને ચરણે, પરમને શરણે તમારા તમામ અહમ્, અંચળા અહીં ખરી પડે છે. મોહ, રાગ, દ્વેષ, આસક્તિનો વિલય. નિતાંત સુંદર, નિર્બંધ, નિરામય સ્વરૂપનો ઉદય એટલે આ પ્રદેશની યાત્રા. મને પૂછો તો કહું ખરેખર ન્યુ ઝીલૅન્ડ એકલ પ્રવાસી, સોલો ટ્રાવેલર માટે એક અતિ ઉત્તમ સ્થળ છે. આપણા ખરા સ્વરૂપની ઓળખ માટેની શરૂઆત આ પ્રવાસથી કરી શકાય એવું મારું દૃઢપણે માનવું છે અને એનાં અનેક કારણો છે. સૌપ્રથમ તો કુદરતના સાંનિધ્યમાં આપણને સામાન્ય રીતે જે ભય સતાવતા હોય છે એની સંપૂર્ણ ગેરહાજરી. અહીં નથી વાઘ, સિંહ કે કોઈ પણ પ્રકારનાં હિંસક શિકારી પ્રાણીઓ. નથી કોઈ સાપ, નાગ, વીંછી જેવા ઝેરીલા જીવજંતુઓ. ફરો તમતમારે ક્યાંય પણ, ક્યારેય પણ. આવા બાહ્ય ભય ન હોય ત્યારે શરૂઆત તો નિર્ભયતાથી કરી જ શકાય. જેમ-જેમ તમે આ દેશમાં વિચરો છો, કુદરતના તમામ સ્વરૂપને નિહાળો છો, પિછાણો છો એમ નિર્ભયમાંથી તમારી ગતિ અભય તરફ વધતી રહે છે. અહીં માણસોનો પણ ડર નથી. અહીં હૂંફ છે. માનવ-માનવ વચ્ચે ઉષ્મા છે. પ્રામાણિકતા છે. અહીં સત્ય બોલાય છે, પળાય છે. દંભ નથી. માનવીય સંબંધોની ગરિમા પણ છે અને પોતપોતાને જોઈતી મોકળાશ, નિરાંત પણ છે. ઊડવા માટેનું આકાશ પણ છે. આ દેશ, પ્રકૃતિનો પ્રિય એવો આ દેશ, પરમની સાધના માટેનાં તમામ પરિબળો સાથે તમારી તહેનાતમાં હાજર છે. કુદરતી પરિબળો ક્યારેક આત્યંતિક સ્વરૂપે છતાં થાય છે, પરંતુ સાચા સાધકને આ બધાં પરિબળનો ડર કેવો? અહીં પ્રકૃતિનો જયકાર છે. પરમનો ઉદ્ઘોષ છે. વિસ્મય છે. કુદરતી લય છે, સૂર છે, તાન છે, ગાન છે. સંગીતનો શણગાર છે, રણકાર છે, પડકાર પણ છે અને અંતે તો ચોમેર એક જ ટંકાર છે, શ્રી કુદરત શરણમ્ મમ.
એવમ્ અસ્તુ.