03 March, 2024 08:07 AM IST | Mumbai | Manish Shah
સ્કાય-ડાઇવિંગનો બીજો તબક્કો પૅરૅશૂટ સાથે વિહંગાવલોકન
સાહસિક પ્રવૃત્તિઓ માટે જગતના સર્વશ્રેષ્ઠ સ્થાન તરીકે ન્યુ ઝીલૅન્ડ ખ્યાતનામ છે એનાં ઘણાં કારણો છે. આ બધાં કારણોમાં સૌપ્રથમ અને સૌથી મહત્ત્વનું કારણ છે અહીંનું અનુપમ કુદરતી સૌંદર્ય. ક્વીન્સ ટાઉન હોય કે માઉન્ટ કુક, રોટોરુઆ હોય કે ઑકલૅન્ડ, દરેકેદરેક સ્થળની વિશેષ સુંદરતા છે. એમાં પણ વળી દરેક સ્થળોએ સાહસો માટેનાં સ્થાનની પસંદગી વખતે પણ એટલી જ ચીવટ અને ચોકસાઈ રાખવામાં આવે છે. ઇન્ટરનેટ પર પ્રવૃત્તિઓ અને સ્થળની પસંદગી કરતી વખતે આ લેક ટોઉપોની ભવ્યતા જ સ્કાય-ડાઇવિંગ માટેની પસંદગીનું મુખ્ય કારણ હતું. સ્વિટ્ઝરલૅન્ડમાં જેમ આલ્પ્સની સુંદરતા, ખીણપ્રદેશની હરિયાળી અને સ્કાય-ડાઇવિંગ માટેનાં મુખ્ય કારણો છે એમ અહીં આ સરોવરની વિશાળતા અને જળવિસ્તાર મુખ્ય કારણો છે. મેં મૉરિશ્યસમાં સ્કાય-ડાઇવિંગ કર્યું એની ઊંચાઈ હતી ૧૧,૫૦૦ ફુટ, તો અહીં ઊંચાઈ છે ૧૨,૫૦૦ ફુટ. વળી સાઉથ આફ્રિકામાં તો ૧૫,૦૦૦ ફુટની ઊંચાઈએથી પણ સ્કાય-ડાઇવિંગ કરાવે છે, પરંતુ અહીંની વાત જ નિરાળી છે. લેક ટોઉપોને લાગીને જ આવેલી પર્વતમાળા, હરિયાળાં મેદાનો અને જળરાશિ એ ત્રણેય પરિબળોનો સમન્વય જ અહીંનું મોટામાં મોટું આકર્ષણ છે. આ સ્થાન દુનિયાભરના સાહસિકોને આકર્ષે છે, અહીં આવવા જાણે મજબૂર કરે છે.
આકાશમાં ટચૂકડા પ્લેનને જોઈને જ અમારી કિલકારીઓ નીકળી ગઈ. બધાને હવે ઉતાવળ આવી ગઈ હતી. આમ તો રસ્તો જ વટાવવાનો હતો. રસ્તો વટાવ્યો અને મુખ્ય દરવાજા માટે અંદર પ્રવેશી ગયાં. આ કંપની ટોઉપો ટૅન્ડમ સ્કાય ડાઇવિંગ અહીંની સૌથી પ્રખ્યાત કંપની છે એ વાચકોની જાણ ખાતર. અહીં ઘણી સંસ્થાઓ છે, પરંતુ આ કંપની માટેના સાહસિકોના અભિપ્રાય સૌથી સકારાત્મક હતા અને એટલે જ આ કંપનીની અમે પસંદગી કરી હતી.
થોડું સ્કાય-ડાઇવિંગ વિશે જણાવીશ. સ્કાય-ડાઇવિંગ અલગ-અલગ ઊંચાઈએથી તો થાય ખરું, પરંતુ મુખ્યત્વે સ્કાય-ડાઇવિંગના બે પ્રકાર છે. એને ‘ટૅન્ડમ’ અને ‘સોલો’ ડાઇવ કહેવામાં આવે છે. ટૅન્ડમ એટલે તમે એક કુશળ ડાઇવર સાથે ઝંપલાવો છો. તેની સાથે તમે હાર્નેસથી, એટલે કે બન્નેનાં શરીર સાથે બાંધેલાં અલગ-અલગ હુક સાથેનો પટ્ટો - જોડાયેલા રહો છો. આ હાર્નેસ એકદમ સલામત હોય છે. પટ્ટો અને એની સાથેનાં હુક આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે એટલાં બધાં મજબૂત હોય છે કે લગભગ ૨૦૦ કિલો વજન પણ આરામથી આ હુકના સહારે લટકાવી શકાય છે. વ્યાવસાયિક તાલીમ લીધેલા ડાઇવર સાથે તમે જોડાયેલા રહો છો. તેની કુશળતા અને અનુભવને કારણે તમે ડાઇવિંગનો રોમાંચ એકદમ સલામતીપૂર્વક નિશ્ચિંત થઈને માણી શકો છો. સોલો ડાઇવ માટે સઘન તાલીમ અને પૂરતો અનુભવ જરૂરી છે. આ તાલીમ ૧૫ દિવસથી માંડીને ૪૫ દિવસની હોય છે અને એમાં પૅરૅશૂટને વાળવાથી માંડીને સલામત રીતે ઊતરવાની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. હવે આ ૪૫ દિવસનો સમય જેની પાસે ન હોય એવા લોકો ક્યાં જાય? તો તેઓ માટે જ છે આ ટૅન્ડમ સ્કાય ડાઇવિંગ. ઝંપલાવો નિષ્ણાત સાથે અને પૂરેપૂરો આનંદ, રોમાંચ અનુભવો. લૂંટી લો. વળી પાછું આ ડાઇવમાં તમે આગળ હો છો એટલે સંપૂર્ણપણે, વધારે કડાકૂટ કર્યા વગર તમે આ લહાવો લઈ શકો છો. કોઈ પણ અવરોધ વગર સામે છલકાઈ રહેલું અફાટ અને નિર્બંધ સૌંદર્ય માણવાની સ્કાય-ડાઇવિંગ તક પૂરી પાડે છે. જે માણવાનું હોય એ માણો, બીજું બધું નિષ્ણાતને હવાલે. છેને મજા?
હવે આ ટૅન્ડમ ડાઇવિંગના મુખ્યત્વે ત્રણ તબક્કા હોય છે. આ ત્રણ તબક્કા એટલે ઝંપલાવવાથી લઈને ઉતરાણ વચ્ચેના ત્રણ તબક્કા એમ સમજવું. ઝંપલાવ્યા પછીનો પહેલો તબક્કો છે ફ્રી ફૉલ એટલે કે તમે કોઈ પથ્થરની માફક, કોઈ પણ અવરોધ વગર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ નિયમની પરીક્ષા લઈ રહ્યા છો એમ કહી શકાય અને આ તબક્કો જ સૌથી રોમાંચક છે. પૅરૅશૂટ લગાવેલું હોય છે, પરંતુ શરૂઆતનાં લગભગ સાતથી આઠ હજાર ફુટ તો તમે પૂર્ણ ગતિથી સડસડાટ નીચે ધરતી તરફ ધસતા આવો છો. નીચે ધસવાની ગતિ જાણવી છે? એક તબક્કે લગભગ કલાકે ૨૦૦થી ૨૫૦ કિલોમીટરની ઝડપે તમે ખાબકી રહ્યા હો છો! અહીં ન્યુ ઝીલૅન્ડમાં તો માથે મંડાના એટલે કે કપડાનું ચુસ્ત આવરણ તમારે પહેરવું પડે છે. મૉરિશ્યસમાં તો મેં ખુલ્લા માથે ડાઇવ મારી હતી. માથાના વાળ પણ નાની બાણશય્યા હોય એવું લાગે. કપડાના હિસાબે અહીં એવી પળોજણ નહોતી. આંખો પર તેઓ તમને એક ખાસ ચશ્માં પહેરાવે છે, જે ચુસ્ત રબર વડે તમારા માથા સાથે જોડાયેલા, ના ના, જડાયેલા રહે છે. આ ચશ્માંને હિસાબે જ તમે આંખો ખુલ્લી રાખીને તમારું આ ‘પતન’ જોઈ શકો છો. જરા વિચાર કરો કે વિમાનમાંથી ફંગોળાયેલા તમે, ધરતી તરફ અઢીસો કિલોમીટરની તીવ્ર ઝડપથી ધસી રહ્યા છો, ખુલ્લી આંખે. ગોફણમાંથી કોઈ પથ્થર વછૂટ્યો હોય એમ. સામેથી ધસી આવતા પવનની તીવ્ર ગતિને કારણે નાકના ફોયણા પહોળા થતા તમે અનુભવી શકો છો. નાકથી શ્વાસ લેવામાં જો તકલીફ થઈ અને ભૂલેચૂકેય મોઢું ખૂલી ગયું તો ધસમસતી હવા તમારાં ગલોફાંની સ્થિતિસ્થાપકતા પણ ચકાસી લેશે એ નક્કી સમજજો. હાથની રુવાંટી જાણે નાનાં-નાનાં સાપોલિયાંની જેમ નાગિન-ડાન્સ કરતી હોય એવું લાગે. કાનમાં સુસવાટાનો અવાજ. રોમાંચની પરાકાષ્ઠા.
આ ફ્રી ફૉલ એટલે કે ખાબકવાની પ્રક્રિયા લગભગ ૪૫ કે ૫૦ સેકન્ડનો જ ખેલ છે. તમે જુઓ, વિચારો, માણો ત્યાં સુધીમાં તો લગભગ ૭૦૦૦ ફુટનું અંતર કપાઈ જાય. મહાબળેશ્વર વત્તા માથેરાનની ઊંચાઈ ફક્ત ૪૫ સેકન્ડમાં! આ છે ગુરુત્વાકર્ષણનું બળ! એની તાકાત! સમજાયું કાંઈ? હવે બાકી રહ્યાં પાંચ કે સાડાપાંચ હજાર ફુટ અને આ થોડો કટોકટીનો કાળ છે.
હવે વારો છે બીજા તબક્કાનો. પૅરૅશૂટ ખોલવાનો સમય થઈ ગયો. ૫૦૦૦ ફુટ પર જો પૅરૅશૂટ ખૂલે તો જ તમે ગતિને નાથી શકો, અવરોધી શકો અને આ ડાઇવ પર કાબૂ પામી શકો. આ બધા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પૅરૅશૂટ ખોલવા માટે ૫૦૦૦ ફુટની ઓછામાં ઓછી ઊંચાઈ હોવી જ જોઈએ. આ ટૅન્ડમ ડાઇવ માટેના નિયમો છે. સોલો ડાઇવમાં તો આનાથી વધારે તરંગીપણા થાય છે. લોકો ગાંડા-ઘેલાવેડા કરે છે અને ક્યારેક હાડકાં ભાંગે છે, તો ક્યારેક વળી જીવ જવાના કિસ્સા પણ નોંધાયા છે. આમ બીજો તબક્કો પૅરૅશૂટ ખોલવાનો છે. એક લિવર ખેંચતાં જ પૅરૅશૂટ ખૂલે છે, એમાં હવા ભરાય છે અને તમે એક હળવા આંચકા સાથે ઉપરની તરફ ખેંચાઈ જાઓ છો. પૅરૅશૂટમાં ભરાયેલી હવા ગતિને અવરોધે છે અને તમે એક વિશાળ છત્રીની છત્રછાયામાં લટકી રહો છો. ગુરુત્વાકર્ષણ બળને કારણે તમે નીચે તો ઊતરી જ રહ્યા છો, પરંતુ હળવી ગતિથી.
એ પછી ત્રીજા તબક્કાનો વારો છે અને આ તબક્કો છે પૅરૅશૂટના કરતબનો. પૅરૅશૂટની મદદથી હવાનાં મોજાં પર રમવાનો અને બધા જ પ્રકારના અખતરાઓનો છે આ તબક્કો. આમાં હવે પાછળ રહેલા નિષ્ણાત ડાઇવરની ભૂમિકા મુખ્ય છે. તેઓ એકદમ ઝડપથી પૅરૅશૂટને ડાબે ફંટાવે છે અને થોડી વારમાં જમણે. ક્યારેક પૅરૅશૂટને ભયજનક રીતે ગોળ-ગોળ ફેરવે છે, તો ક્યારેક પવનની થપાટ અને લહેરખીઓ વચ્ચેનો તફાવત પણ સમજાવે છે. સંપૂર્ણ કાબૂ તેમના હાથમાં. તમે ધીરે-ધીરે નીચે આવો છો. જમીનની સપાટી પર થોડાં ફુટ બાકી રહે ત્યારે તમારા પગ તમારે ગોઠણથી એકદમ સીધા રાખવાના હોય છે, પગ લટકેલા રાખવા નહીં. ઉતરાણ થયું અને જમીન પર ઊતરતી વેળા ગતિ નિયંત્રણમાં ન રહી તો તમે પટકાશોલ અને સાથે ડાઇવર પણ, એટલે પગ એકદમ સીધા એટલે કે જમીનની સમાંતર રાખવા.
હવે પાછળવાળા બધું જ સંભાળી લે છે. તમે હળવેકથી બેસી પડો છો અને જાણે ફરી પાછા ધરતી પર અવતર્યા હો એવું અનુભવો છો. સ્કાય-ડાઇવિંગ એક ગજબનાક અનુભવ છે. સમયની સાથે-સાથે સ્કાય-ડાઇવિંગથી પણ જોખમી રમત શોધાઈ છે, શોધાઈ રહી છે અને લોકો જીવના જોખમે આવાં બધાં સાહસ ખેડે છે, માણે છે, પરંતુ સ્કાય-ડાઇવિંગ એટલે એક અલગ જ અનુભવ. અહીં ઊંચાઈ છે, ગતિ છે, કરતબ છે, નિયંત્રણ છે અને ચોકસાઈ પણ છે. આ અનુભવ લેવો જ જોઈએ, છોડાય જ નહીં. યુવાન વયે આની મજા જ કંઈક અલગ હોય છે, ખાસમખાસ હોય છે. આ બધું જ મગજમાં રાખીને મેં લેક ટોઉપો બુક કરાવ્યું હતું.
અમારી વાત કરું. રસ્તો વટાવીને અમે જેવા મુખ્ય દ્વારને હડસેલીને અંદર પ્રવેશ્યાં ત્યાં જ બધાંની નજર અટકી ગઈ. ના બસ કહી શકાય, ના જીપ કહી શકાય એવી આછા પીળા રંગની હમર કંપનીની વિશેષ વૅને અમારા હોંશ ઉડાડી દીધા. આ પીળો રંગ એટલો તાજગીભર્યો લાગતો હતો કે ન પૂછો વાત. એક વાત નક્કી હતી કે આ વૅન ઑફ રોડ ડ્રાઇવિંગ વેહિકલ્સની શ્રેણીમાં પ્રથમ નંબરે આવે એટલી સુંદર હતી. લાંબી એટલી કે આને તમે હમરનો લિમોઝિન અવતાર કહી શકો. ટાયર્સ જોઈને એવું લાગે કે સામે ગમે એવી સપાટી હોય કે ડુંગર હોય, આ ૩૦ ફુટ લાંબી વૅન બધે આસાનીથી ચાલી જાય, ચડી જાય. એક સુંદર ગોરી યુવતીએ અમને આવકાર્યાં અને વૅનમાં બેસવાનું કહ્યું. ૬ ફુટથી પણ વધારે ઊંચાઈ ધરાવતો અમારો ડ્રાઇવર તેની સીટ પર ગોઠવાયો અને વૅન ચાલુ કરીને હળવેકથી ઉપાડી. સેન્ટરના આખા પરિસરમાં એક ચક્કર મરાવીને પોતાની રનિંગ કૉમેન્ટરી ચાલુ રાખી વૅન ત્યાં આવેલા સેન્ટરમાં ઊભી રાખી દીધી. અહીં ઊતરવાનું હતું. જે લોકો ડાઇવ મારવાના હતા તેમણે અહીં તૈયાર થવાનું હતું અને સામે જ
દેખાઈ રહેલા ટચૂકડા વિમાનમાં ગોઠવાઈ જવાનું હતું. છોકરાઓ મંજય-તેજલનો આ પ્રથમ અનુભવ હતો. મેં મૉરિશ્યસ તેમ જ દુબઈમાં આ લહાવો લીધો હતો એટલે તેમનો આ પ્રથમ અનુભવ યાદગાર બનાવવા, કૅમેરામાં કેદ કરવા માટે મેં નીચે રહેવાનું જ નક્કી કર્યું. તેઓ બધા તૈયાર થઈ રહ્યા હતા ત્યારે મેં કૅમેરા કાઢ્યો. વાઇડ ઍન્ગલ લેન્સ લગાડ્યો. વૅનના, વિમાનના, પરિસરના ફોટો લીધા અને પછી ‘તોપ’ એટલે કે ટેલિલેન્સ કાઢ્યો. પાઇલટ અને ડાઇવર્સના મુખ પર સ્મિત ફરી વળ્યું. પૂરી તૈયારી સાથે, હું
એક ચોક્કસ જગ્યાએ ગોઠવાઈ ગયો. અહીંથી સરસ ઍન્ગલ મળી રહ્યો હતો. સૂરજ મારી પાછળ હતો એટલે ઉપર આકાશમાં, વિમાનના, પૅરૅશૂટ્સના ફોટો લેવામાં સૂર્યપ્રકાશ આડખીલીરૂપ નહીં બને એની ખાતરી હતી. પાંચ જણ ડાઇવ મારી રહ્યા હતા એટલે ટચૂકડા વિમાનમાં અમારા પાંચ અને તેમની સાથેના પાંચ ડાઇવર્સ ઉપરાંત પાઇલટ એટલે કે ૧૧ જણ કઈ રીતે ગોઠવાશે એ પણ એક સવાલ હતો, પરંતુ આ વિમાન ખાસ આ પ્રવૃત્તિ માટે જ બનાવ્યું હતું એની ખબર પડી ગઈ. પાઇલટની સીટને છોડી દો તો આખું વિમાન એક ચોગાન જ હતું. બધા એક પછી એક અંદર પ્રવેશી ગયા.
હસતાં-રમતાં, કિલ્લોલ કરતાં બાળકોને જોઈને મનને ખૂબ આનંદ થયો. આ જ તો ઉંમર છે મજા માણવાની, સાહસ કરવાની, ગણતરીપૂર્વકનાં જોખમ લેવાની, અમૂલ્ય યાદો એકઠી કરવાની. મને ખાતરી હતી કે આ ક્ષણ, આ સમય, આ યાત્રા તેમને જીવનભર યાદ રહી જવાની હતી અને હૃદયપટ પર અંકાઈ જવાની હતી. માટે જ કહું છું કે શહેરી વાલિયાઓ, કુટુંબ માટે, સંતાનો માટે, મિત્રો માટે ટૂંકમાં, પોતાને માટે સમય કાઢો. સ્થળ મહત્ત્વનાં નથી, સંગાથે ફરવું મહત્ત્વનું છે. પૈસા કમાવાની ઘેલછામાં, ધંધાકીય હરીફાઈઓમાં આવી અમૂલ્ય ક્ષણોને, આનંદને પાછળ ન ઠેલો. આ સમય ફરી નહીં આવે. સાથે વિતાવેલી ક્ષણો જ શાશ્વત છે, એક અણમોલ ખજાનો છે એ સમજો. ચાલો આગળ વધીએ. બધા પ્લેનમાં ગોઠવાયા. એક ધીમી ઘરઘરાટી અને પ્લેન સ્ટાર્ટ. રનવે પર પહોંચ્યું. ગતિ પકડી અને આકાશની વાટ પકડી લીધી. થોડા ફોટો લીધા. નજર પ્લેન પર જ ખોડાયેલી હતી. ધીમે-ધીમે કદ નાનું થતું ગયું. નજરમાંથી વિમાન છટકી ન જાય એટલે ટેલિલેન્સ આંખ આગળ ગોઠવ્યો. હવે બરાબર પકડાયું. ઉપર, વધુ ઉપર અને પીળો રંગ લેન્સમાં ચળકી ઊઠ્યો. ચાંપ ઉપર હજી તો હાથ ગોઠવું ત્યાં તો પીળો રંગ હવામાં. ખટાક, ખટાક,ખટાક. પ્લેન આગળ નીકળી ગયું હતું. ફરી એને પકડ્યું ત્યાં તો ફ્લોરોસન્ટ રંગનું ટપકું લહેરાયું. દર બે મિનિટના અંતરે પાંચ જણ એટલે કે દસેદસ જણ કૂદી પડ્યા. હું અને કૅમેરા ગતિશીલ. એકદમ કાર્યરત. ત્રણે તબક્કા આવરી લીધા અને એક પછી એક બધા ધરતી પર અવતર્યા. ખુશખુશાલ, હોકારા-પડકારા, લલકારીઓ. આનંદ બધે જ ઝળકી ઊઠ્યો. ચોમેર રોમાંચનું સામ્રાજ્ય. એક અવિસ્મરણીય અનુભવ. આ પ્રથમ અનુભવ ક્યારેય નહીં વીસરાય એ પાક્કું હતું.
સ્કાય-ડાઇવિંગ ન્યુ ઝીલૅન્ડ પ્રવાસનું એક અમૂલ્ય નજરાણું. સાંજ પડી રહી હતી. આજના દિવસની આ છેલ્લી ડાઇવ હતી. અમે કર્મચારીગણનું અભિવાદન કરી છૂટાં પડ્યાં ત્યારે બધાં આનંદથી ઊછળી રહ્યાં હતાં. બધાંનો પોતપોતાનો અનુભવ હતો અને એ વહેંચવા માટે બધાં તત્પર હતાં. હજી રોટોરુઆ લગભગ ૮૦ કિલોમીટરના અંતરે હતું. ડિનર અહીં જ પતાવીને પછી ત્યાં પહોંચવાનું નક્કી કર્યું, કારણ કે રાતે રોટોરુઆમાં જમવાનું મળશે કે નહીં એ નક્કી નહોતું.
સેન્ટર પર પૂછ્યું. ૧૦ કિલોમીટરના અંતરે અનેક રેસ્ટોરાં મળશે એમ તેણે કહ્યું. ઇન્ડિયન રેસ્ટોરાં પણ છે એમ જણાવ્યું. થોડા જણને ભારતીય ખાવું હતું, પણ અમારે નહીં એટલે ત્યાં પહોંચીને નક્કી કરીશું એવું ઠેરવીને વૅનમાં ગોઠવાયાં. અંધારું ઘેરાવા લાગ્યું હતું. સેન્ટરથી બહાર નીકળ્યાં. મુખ્ય માર્ગ પકડવા જમણે વળાંક લીધો. હજી એક જમણો વળાંક હતો અને પછી સીધેસીધાં ત્રણ કિલોમીટર પર જ બધી રેસ્ટોરાં હતી. ૫૦૦ મીટર વટાવ્યાં અને જમણે વૅન વાળી લીધી. મુખ્ય માર્ગ પર વૅન આવી અને સામે? સામે જે જોયું... બધાંની આંખો ફાટી ગઈ, બધાં જ ક્ષુબ્ધ. બધાં જ અવાક. બોલતી બંધ. બધી જ નજર વિન્ડસ્ક્રીન વળોટીને બહારના દૃશ્ય પર ટકેલી હતી. મેં વૅન રસ્તાની ડાબે લઈ ઊભી રાખી દીધી. એક
પછી એક બધાં ઊતર્યાં અને વૅનની આગળ ગોઠવાઈ ગયાં. સામે આકાશમાં એક અતિ, અતિ વિશાળકાય ઘેરું વાદળ તોળાયેલું હતું. એની નીચે એક પ્રકાશિત પટ્ટો અને પટ્ટાની નીચે અંધારું ઓઢેલી ક્ષિતિજ. આ તોળાયેલું વાદળ પણ કેવું? હૉલીવુડની ફિલ્મમાં કોઈ વિશાળકાય યુએફઓ એટલે કે પરગ્રહથી કોઈ ઊડતી રકાબી પૃથ્વી પર આવી ચડે. આકાશમાં તોળાયેલી હોય અને પરગ્રહવાસી પૃથ્વી પર ઉતરાણ કરે. અદ્દલોદ્દલ એવું જ. ફક્ત પરગ્રહવાસીઓની ગેરહાજરી હતી. આ વાદળે લગભગ પોણા ભાગનું આકાશ આવરી લીધું હતું. પ્રકાશિત પટ્ટો સૂર્યાસ્ત થઈ રહ્યાની સાબિતી અને નીચેનો અંધારિયો ભાગ. ગજબનું દૃશ્ય હતું આ. મેં કૅમેરા કાઢ્યો, ફોટો લીધા. અમારા જેવા ઘણા બધા હતા. ગજબની ઘટના આંખો સમક્ષ ઘટી રહી હતી. હૉલીવુડની ફિલ્મો યાદ આવી ગઈ. ત્યાં તો જમવાનું પણ યાદ આવ્યું. રોટોરુઆ યાદ આવ્યું. વૅનમાં ગોઠવાયાં અને વાદળને જાણે ગળે મળવા જતાં હોય એમ નીકળી પડ્યાં. ચોક આવ્યો. વૅન અંદર લીધી. પાર્કિંગ-લૉટમાં પાર્ક કરીને છૂટાં પડ્યાં. અમે એક બર્ગર શૉપ શોધી કાઢી હતી અને અહીં વળી વીગન બર્ગર મળતું હતું. બીજા લોકો ભારતીય રેસ્ટોરાં તરફ ગયા.
ઘડિયાળના કાંટા આઠ દેખાડી રહ્યા હતા. જમીને રોટોરુઆ પહોંચતાં દસ-સાડાદસ વાગશે એવું વર્તાઈ રહ્યું હતું. ખેર અહીં કોને ઉતાવળ હતી? મેં બર્ગર હાથમાં લીધું. વૅન પાસે જઈ ઊભો રહ્યો અને વાદળને નીરખી રહ્યો. વાતાવરણમાં અંધારું આ વાદળને કારણે હતું એ સ્પષ્ટપણે સમજાઈ રહ્યું હતું. વાહ રે કુદરત!
અમે સ્કાય-ડાઇવિંગ કરીને પોરસાઈ રહ્યાં હતાં અને આ એક વાદળના આગમને કેટલુંયે સમજાવી દીધું. વાદળ વહેલું આવી ચડ્યું હોત તો પ્લેન ઊડત ખરું? અશક્ય! વાદળાંએ જાણે સમગ્ર પ્રદેશને બાનમાં લઈ લીધો હતો. નાના સરોવરના કદનું વાદળ એના ઘેરા રંગને કારણે ડરામણું તો ખરું જ, પણ ભેદી પણ લાગી રહ્યું હતું. અને હું? સંમોહિત, વિવશ, કુદરતી વશીકરણથી અભિભૂત! શું વિસાત? એક ઝબકાર... વાદળનો રંગ? શામળિયો! શરણ, શરણ. ચોમેર ગુંજારવ. એક ટંકાર જાણે અને પડઘાઈ રહેલો ઉદ્ઘોષ... શ્રી કુદરત શરણમ્ મમ.
રોટોરુઆની વાતો અને અનેરા અનુભવો લઈને મળીશું આવતા અઠવાડિયે.