01 December, 2024 03:19 PM IST | Panaji | Laxmi Vanita
ગોવા બીચ
ગોવામાં પાર્ટી-સીઝન શરૂ થવામાં છે એવા જ સમયે સોશ્યલ મીડિયા પર એની વિરુદ્ધ જોરદાર બળાપો ઠલવાઈ રહ્યો છે. ટૅક્સીવાળાઓની માફિયાગીરી, હોટેલો દ્વારા બેફામ વસૂલાતા ભાવ અને કરવામાં આવતા તોછડા વર્તન, ભારતીય ટૂરિસ્ટો સાથે થતા ખરાબ વ્યવહારની અનેક ફરિયાદ-વ્યથા લોકો ઠાલવી રહ્યા છે
મધ્યમવર્ગીય ગુજરાતીઓનું મૉલદીવ્ઝ એટલે ગોવા, વિદેશીઓનું ભારતમાં ફેવરિટ બીચ-ડેસ્ટિનેશન ગોવા. જોકે ગોવાની હમણાં માઠી દશા બેઠી છે. યુટ્યુબર અને ઑન્ટ્રપ્રનર રામાનુજ મુખરજીએ સોશ્યલ મીડિયા પર ગોવાને ક્રિટિસાઇઝ કરતું ટ્વીટ કર્યું એનાથી ગોવા ટૂરિઝમ ઑથોરિટી નારાજ થઈ અને આ સોશ્યલ મીડિયા યુઝર સામે પોલીસ-ફરિયાદ કરી એને કારણે સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ પોતાને થયેલા ગોવાના કડવા અનુભવો શૅર કર્યા છે.
રામાનુજ મુખરજીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખેલું કે ‘ગોવામાં ટૂરિઝમ ખાડે ગયું છે. વિદેશી ટૂરિસ્ટોએ તો ઑલરેડી એને તરછોડી દીધું છે. દર વર્ષે ગોવા આવતા રશિયનો અને બ્રિટિશરો હવે શ્રીલંકા જાય છે. ભારતીય ટૂરિસ્ટો હજી ગોવા જાય છે, પણ જેમ-જેમ ત્યાં થતા ટૂરિસ્ટોના શોષણની વાતો પ્રસરે છે એને પગલે તેઓ પણ ગોવા જવાનું બંધ કરી દેશે, કારણ કે ગોવાની સમકક્ષ આવી શકે એવી ઘણી વિદેશી જગ્યાઓ પણ છે.’
રામાનુજ મુખરજીની આ પોસ્ટનું ગોવાના ટૂરિઝમ મંત્રાલયને સ્વાભાવિક રીતે માઠું લાગ્યું અને રાજ્યને બદનામ કરવાનો તેમના પર આરોપ મુકાયો, પણ આ પોસ્ટ પછી સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ પોતાની વ્યથા ઠાલવી. ત્યાંના ટૅક્સી-માફિયા, હોટેલો અને રેસ્ટોરાંવાળાઓના તુમાખી સ્વભાવ, બેફામ ભાવ, ટ્રાન્સપોર્ટની અગવડો વગેરે જેવા અનેક મુદ્દાઓ પર લોકોએ ગોવાને ગાળો ભાંડી. રામાનુજ મુખરજીએ કહ્યું કે મારી ગોવા વિશેની પોસ્ટ વાઇરલ થઈ એનું કારણ જ એ છે કે લોકોની લાગણીઓને એમાં વાચા મળી, ટૂરિસ્ટો ગોવા જાય છે અને તેમને છેતરાયાની લાગણી થાય છે.
ભારતીયોએ ગોવામાં સ્ટેટ-ફી ચૂકવવી પડશે?
તમે લેખક હો તો તમારો અનુભવ સારી રીતે વર્ણવી શકો. ૩૦ વર્ષથી ગુજરાતી અને અંગ્રેજી પત્રકારત્વ સાથે જોડાયેલા પત્રકાર અને લેખક સંજય શાહના અનુભવો વાંચીને તમારી આંખો ચોંકી જશે. તેઓ ફેસબુક પર લખે છે, ‘થોડાં વરસો પહેલાં ગોવાની એક રેસ્ટોરાંમાં હું ડિનર માટે ગયો હતો. ઑફ-સીઝન હોવાથી રેસ્ટોરાં ખાલીખમ હતી. છતાં માલિક કહે: ઇન્ડિયન છોને? બાજુમાં રેસ્ટોરાં છે ત્યાં જાવ, અમને ભારતીય કસ્ટમર્સ નથી ખપતા. મેં શાંત પણ મક્કમ વિરોધ નોંધાવતાં કારણ પૂછ્યું. માલિક કહે ઃ ભારતીયો કરકસરિયા છે, માથાનો દુખાવો છે; વિદેશીઓ બિન્દાસ ખર્ચ કરે; તમારા જેવા પાંચને સર્વિસ આપીએ એના કરતાં એક ફૉરેનરને આપીએ એ વધુ પોસાય. વિદેશીઓ, ખાસ કરીને રશિયનોનાં ખરેખર ત્યાં ધાડાં ઊતરવાનો એ સમય હતો. એમાંથી તો આ તોર સર્જાયો હતો અને પેલો ત્યાં સુધી બોલી ગયો કે જોજો તમે, એક દિવસ ભારતીયોને અમારા સ્ટેટમાં પ્રવેશ-ફી ચૂકવવાનો વારો આવશે. ખરેખર હદ હતી એ. આપણાં કેરલા, પૉન્ડિચેરી, તામિલનાડુ, ગુજરાતમાં ગોવાના વિકલ્પ જેવાં સ્થળો છે. ત્યાંના લોકોનો અભિગમ ગોવાના લોકો જેવો ખોરો નથી. મલેશિયા હું બે-ચાર વખત ગયો છું. એ ફાંકડો અને વૈવિધ્યસભર દેશ છે. ત્યાં પણ ગોવા જેવી જગ્યાઓ છે. શ્રીલંકા એકદમ મસ્ત લાગ્યું છે મને. તો સવાલ એ કે જ્યાં પરોણાગતનો અભાવ વર્તાય, જ્યાં ખર્ચ બિનજરૂરી રીતે વધે ત્યાં શા માટે જવું?’
ગોવા કરતાં ઇન્ટરનૅશનલ ટ્રિપ સારી રહે
છેલ્લાં ૮ વર્ષમાં પાંચ વખત ગોવાની ટ્રિપ કરી ચૂકેલો એજ્યુકેશન કન્સલ્ટન્ટ રાજેશ ડોબરિયા કહે છે, ‘મને ગોવામાં સારા અને કડવા બન્ને અનુભવો થયા છે. આ ટ્રિપને એક જ વાક્યમાં
વ્યાખ્યાયિત કરવી હોય તો એમ કહી શકાય કે બહુ જ મોંઘું થઈ ગયું છે અને હોટેલનો સ્ટાફ પહેલાં કરતાં વધારે તોછડો થઈ ગયો છે. ભાવ મુજબ સર્વિસની ક્વૉલિટી પણ નથી મળી રહી. સૌથી પહેલો ખરાબ અનુભવ તો તમને ઍરપોર્ટની બહાર ટૅક્સી-સ્ટૅન્ડ પર જ થઈ જાય છે. ટૅક્સીવાળાને ખબર જ છે કે તેમના વગર તમારું કામ નથી થવાનું એટલે તેમના ચહેરા પરનો લુક જોઈને તમારો મૂડ ખરાબ થઈ જાય. મારી સૌથી પહેલી ગોવા ટ્રિપનો કડવો અનુભવ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. અમે મિત્રો વાઇટ સૅન્ડ બીચ પર ગયા હતા જ્યાં ટુવાલ અને બેન્ચ કોઈ પણ પૈસા આપીને યુઝ કરી શકે. તો અમે એ બેન્ચ અને ટુવાલનો ઉપયોગ કર્યો. એવામાં ત્યાંનો મૅનેજર આવ્યો અને અમને ખિજાવા લાગ્યો. અમે શાંતિથી કહ્યું કે જે પૈસા થાય એ બોલ, અમે આપી દઈએ. તો તે ગમે એમ બોલવા લાગ્યો. આ ઇન્સલ્ટ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. અમને એમ કહ્યું કે તમે અફૉર્ડ નહીં કરી શકો, અહીંથી જાઓ. અમે મિત્રો થોડે દૂર ઊભા રહ્યા અને આ જગ્યાને ઑબ્ઝર્વ કરી રહ્યા હતા. ત્યાં તો રશિયન ટૂરિસ્ટ આવ્યા જેમણે એ જ સર્વિસનો ઉપયોગ કર્યો અને તેની પાસેથી તેણે ન તો પૈસા માગ્યા, ન તો ખરાબ રીતે વર્તન કર્યું; પણ તેમની આગતાસ્વાગતા કરી એટલે પછી અમે એ જગ્યાએ ફરી પાછા ક્યારેય ન ગયા.’
સર્વિસ બાબતમાં ગોવાની ટૂર પર વધારે વાત કરતાં રાજેશ ડોબરિયા કહે છે, ‘એ સમયે અમને જે હોટેલ ૧૫૦૦ રૂપિયામાં મળી હતી એનો ભાવ આજે આસમાને છે. ગયા વર્ષે ગોવા પહોંચીને અમે હોટેલ શોધી રહ્યા હતા. હોટેલની રૂમનું ભાડું ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયા કહ્યું અને એ રૂમમાં બેડના નામ પર એકદમ પાતળાં ગાદલાં હતાં જેને તમે ઊંચાં કરો તો વંદા કે માંકડ હોય. એટલે અમે આ જ વિસ્તારની બીજી હોટેલ જે થોડી વ્યવસ્થિત હતી ત્યાં રૂમનું ભાડું નાઇટદીઠ ૬૦૦૦ રૂપિયા ચૂકવ્યું. એટલે તમારે વ્યવસ્થિત રૂમ જોઈએ તો પૈસા ખર્ચવા પડે. એક કસીનો જેની અમે અવારનવાર મુલાકાત લેતા હતા એમાં પહેલી વખત ગયા હતા ત્યારે ૧૦૦૦ રૂપિયામાં ક્વૉલિટી ફૂડ અને ડ્રિન્ક્સ હતાં તેમ જ સ્ટાફની સર્વિસ જોરદાર હતી. ગયા વખતે એ જ કસીનોનો કવરચાર્જ ૨૪૦૦ રૂપિયા હતો, ફૂડ-ડ્રિન્ક્સની ક્વૉલિટી એકદમ બેકાર હતી તેમ જ સ્ટાફનું વર્તન અસહ્ય હતું. ખર્ચો અને સર્વિસની બાબતમાં પહેલાંના ગોવામાં અને અત્યારે જમીન-આસમાનનો ફરક આવી ગયો છે. મારી પહેલી ગોવાની ટ્રીપ વ્યક્તિદીઠ ૨૦,૦૦૦ રૂપિયા કરતાં ઓછામાં પડી હતી. ગયા વર્ષે જાન્યુઆરીની મારી ચાર નાઇટ પાંચ દિવસની ટ્રિપ વ્યક્તિદીઠ ૬૫,૦૦૦ રૂપિયામાં પડી હતી. ત્યારે મને થયું કે એમાં થોડા પૈસા વધારે ઉમેરીને બાલી કે વિયેટનામની ઇન્ટરનૅશનલ ટ્રિપ કરી હોત તો સારું હતું.’
ટૂરિસ્ટોના કડવા અનુભવો
ટૅક્સી તો ટૅક્સી, ગોવામાં સરકારી બસના કન્ડક્ટર પણ દાદાગીરી કરે છે. બે વર્ષ પહેલાં હરિયાણાના યુટ્યુબરે પોતાના પહેલા દિવસનો ખરાબ એક્સ્પીરિયન્સ શૅર કરતો વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં તે ઍરપોર્ટથી કલંગુટ બીચ સુધીની બસની મુસાફરીની વાત કરતાં કહે છે, ‘ઍરપોર્ટના બસ-સ્ટૅન્ડ પર ઊભો હતો. મારે પણજી જવું હતું અને વાસ્કો-દ-ગામાની બસ આવી. બસવાળાએ કહ્યું કે તમને એક સ્ટૉપ પર ઉતારી દઈશ, ત્યાંથી તમે પણજી જઈ શકશો. મેં કન્ડક્ટરને પૂછ્યું કે કેટલા રૂપિયા થશે? તેનો જવાબ હતો ૨૦૦ રૂપિયા. મેં બસમાં બેઠેલાં આન્ટીને પૂછ્યું તો તેમણે કહ્યું કે ૧૫ રૂપિયા ભાડું થાય. એટલે પછી કન્ડક્ટરની સાથે ઝઘડો કર્યો. પછી જે સ્ટૉપ પર ઊતર્યો ત્યાંથી બીજી લોકલ બસ કરી. આખી બસ ખાલી હતી. એમાં મને કન્ડક્ટરે મારા સામાનને લઈને બહુ હેરાન કર્યો. બસ ખાલી હોવા છતાં સામાન પગ પાસે મુકાવ્યો. મારો પહેલો જ દિવસ ગોવામાં બહુ ખરાબ રહ્યો.’
સોશ્યલ મીડિયા પર એક કપલે પોતાની ગાડીમાં જર્મન ટૂરિસ્ટને લિફટ આપી હતી. ત્યાંના ટૅક્સીવાળાએ એ જોયું તો તેમની ગાડી ઊભી રખાવી અને ફૉરેનરને નીચે ઉતારવા કહ્યું, નહીં તો ગાડી તોડી નાખવાની ધમકી આપી. અત્યારે સોશ્યલ મીડિયા આવા અનુભવોથી ભરેલું છે. લોકો બાલી, શ્રીલંકા, વિયેટનામ અને થાઇલૅન્ડ જતા થયા છે એનું કારણ અફૉર્ડેબિલિટી અને સરળ વીઝા-પ્રોસેસ છે.
ભારતીયોના અનુભવ શું કહે છે?
ગોવામાં બૅન્કમાં પોસ્ટિંગ થઈ હતી તેથી ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ગોવામાં રહ્યા હતા ત્યારે તેમને કોંકણી ભાષા ન આવડતી હોવાથી તકલીફ પડી હતી એમ જણાવતાં કાંદિવલીમાં રહેતા ૭૧ વર્ષના મહેશ પારેખ કહે છે, ‘હું મારી પોસ્ટિંગ માટે ગોવા આવ્યો ત્યારે એક કસ્ટમરે બૅન્કમાં આવીને કોંકણીમાં કંઈક કહ્યું જે મને સમજ નહોતી પડી. મેં તેને અંગ્રેજીમાં બોલવાનું કહ્યું તો તેણે મને કહી દીધું કે કોંકણી શીખી લે. એટલે જો મને આવો અનુભવ થયો તો ભારતીય ટૂરિસ્ટને પણ આવા અનુભવ થતા જ હશે. હું છેલ્લાં પાંચ વર્ષથી ગોવામાં ફેબ્રુઆરીમાં થતા કાર્નિવલમાં જઉં છું. મારા માટે ગોવા જવું એટલે સરળ છે કારણ કે ત્યાં મારા મિત્રો રહે છે. પહેલાંના સમયમાં ગોવામાં કોઈ પણ જગ્યાએ પાર્કિંગ બહુ જ સરળતાથી મળી જતું હતું જે અત્યારે નથી મળતું. બાકી અનુભવમાં ગોવાની ટૅક્સી બદનામ છે. તેમની દાદાગીરી ત્યારે પણ હતી અને આજે પણ છે. કોંકણીમાં બોલો તો ભાવતાલ થાય. બાકી તમારે જે ભાવ હોય એ જ આપવો પડે. જેમની પાસે ગોવામાં કનેક્શન ન હોય તેમના માટે ગોવા ફરવું બહુ અઘરું છે.’
મારી સૌથી પહેલી ગોવા ટ્રિપનો કડવો અનુભવ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. અમે મિત્રો વાઇટ સૅન્ડ બીચ પર ગયા હતા જ્યાં ટુવાલ અને બેન્ચ કોઈ પણ પૈસા આપીને યુઝ કરી શકે. અમે એ બેન્ચ અને ટુવાલનો ઉપયોગ કર્યો. એવામાં ત્યાંનો મૅનેજર આવ્યો અને અમને ખિજાવા લાગ્યો. અમે શાંતિથી કહ્યું કે જે પૈસા થાય એ બોલ, અમે આપી દઈએ. તો તે ગમે એમ બોલવા લાગ્યો. આ ઇન્સલ્ટ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. -રાજેશ ડોબરિયા
રશિયનો અને બ્રિટિશરો માટે ગોવાની અવેજી છે શ્રીલંકા, વિયેટનામ કે બાલી
એક સમયે રશિયનો અને બ્રિટિશરો ખૂબ ગોવા આવતા હતા. તેઓ હવે શ્રીલંકા, વિયેટનામ, બાલી અને થાઇલૅન્ડ પસંદ કરી રહ્યા છે એનું કારણ રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-પૅલેસ્ટીનનો ખટરાગ હોઈ શકે જેને કારણે રશિયા અને ઇઝરાયલથી ફ્લાઇટની ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ છે. એ સિવાય અન્ય ડેસ્ટિનેશનો ગોવા કરતાં સારું ઇન્ફ્રાસ્ટ્રકચર અને વીઝા-ઑપ્શન પ્રોવાઇડ કરે છે.
હું છેલ્લાં પાંચ વર્ષથી ગોવામાં ફેબ્રુઆરીમાં થતા કાર્નિવલમાં જઉં છું. મારા માટે ગોવા જવું એટલે સરળ છે કારણ કે ત્યાં મારા મિત્રો રહે છે. પહેલાંના સમયમાં ગોવામાં કોઈ પણ જગ્યાએ પાર્કિંગ બહુ જ સરળતાથી મળી જતું હતું જે અત્યારે નથી મળતું. બાકી અનુભવમાં ગોવાની ટૅક્સી બદનામ છે. તેમની દાદાગીરી ત્યારે પણ હતી અને આજે પણ છે. કોંકણીમાં બોલો તો ભાવતાલ થાય. બાકી તમારે જે ભાવ હોય એ જ આપવો પડે. જેમની પાસે ગોવામાં કનેક્શન ન હોય તેમના માટે ગોવા ફરવું બહુ અઘરું છે. -મહેશ પારેખ
જલદી ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સુધારો ન થયો તો પરિસ્થિતિ ચિંતાજનક થઈ જશે
ડૉ. તેજસ ભટ્ટ
છેલ્લાં ૨૫ વર્ષથી ગોવામાં રહેતા કાયરોપ્રેક્ટર (દેશી ભાષામાં હાડવૈદ્ય) તેમ જ વિવિધ બિઝનેસ સાથે સંકળાયેલા અને પણજી ગુજરાતી સમાજના સેક્રેટરી તરીકે સેવા આપતા ડૉ. તેજસ ભટ્ટ કહે છે, ‘અંદાજે ગોવામાં લગભગ ૫૦૦૦ જેટલા ગુજરાતીઓની વસ્તી હશે. ગોવામાં ૩૬૫ દિવસ પાર્ટી નથી હોતી. ૬ મહિના જ ટૂરિસ્ટની સીઝન હોય છે. અહીં અમુક મુદ્દાઓ છે જે ટૂરિસ્ટને અસર કરે છે. એમાં સૌથી મોટો મુદ્દો છે ટૅક્સીનો. તમે લોકલ ન હો તો તમને તકલીફ પડે જ. જો ટૅક્સીમાં ટૂરિસ્ટના શૉર્ટ ડિસ્ટન્સના ૧૨૦૦ રૂપિયા થતા હોય તો હું લોકલ ભાષામાં પણ વાત કરું તો ૧૦૦૦ રૂપિયા થશે. અહીંનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જરા પણ સ્ટ્રૉન્ગ નથી. રાત્રે ૧૦ વાગ્યે તમારે ક્યાંય પણ જવું હોય તો ટૅક્સીનો જ સહારો લેવો પડે જે તમારા બજેટને ખોરવે. સાઉથના લોકો અહીં બસ લઈને આવે છે. એ લોકો બીચ પર દિવસ પસાર કરે તો અહીં હોટેલ અને ટ્રાન્સપોર્ટેશનનો કોઈ ફાયદો નથી થતો, પરંતુ બીચ પર થતા કચરાથી લોકલ લોકો ચિડાઈ જાય એટલે તેમને ત્યાંથી જવાનું કહેતા હોય છે. આવા અનુભવ પછી એ લોકો સામે જ મહારાષ્ટ્રનો બીચ દેખાતો હોય ત્યાં રવાના થઈ જાય છે. ડિસેમ્બરમાં તમને GJ11, GJ7, GJ5ની ગાડીઓથી રસ્તા ભરેલા દેખાતા હતા, જ્યારે અત્યારે આ નંબરપ્લેટ ઓછી જોવા મળે છે. ટૂરિઝમ ઓછું તો થયું છે, પણ હજી સિસ્ટમ નથી બદલાઈ રહી એનું કારણ ગોવામાં થઈ રહેલાં ડેસ્ટિનેશન વેડિંગ હોઈ શકે છે. એને કારણે ગોવાની ઇકૉનૉમી જળવાઈ રહી છે. કોવિડ પહેલાંનું માર્કેટ હતું એ તો નથી જ અને વારંવાર આવતા મુલાકાતીઓની સંખ્યા ઓછી થઈ છે. નજીકના ભવિષ્યમાં જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં ફેરફાર નહીં થાય તો પરિસ્થતિ ચિંતાજનક તો ખરી જ.’