18 August, 2024 11:35 AM IST | Mumbai | Aashutosh Desai
યતિ ગૌર
મૂળ ઉત્તર પ્રદેશનો યતિ ગૌર લૉકડાઉનમાં કંઈ જ નહોતું એટલે પોતાના બાળપણના ચાલવાના શોખને પૂરો કરવાની સાથે મનગમતી જગ્યાએ ફરવાના આશય સાથે પગપાળા ચારધામ કરવા નીકળ્યો. ત્યાંથી શરૂ થયેલી યાત્રા અટકવાનું નામ નથી લેતી. રાજસ્થાન પ્રવાસના આરંભમાં જ અનાયાસ મળેલા નાનકડા પપીનું યતિ પર મન આવી ગયું. લાખ પ્રયાસ પછી પણ યતિથી છૂટું પડવા ન માગતું આ બચ્ચું હવે તો મોટું થઈ ગયું છે અને બની ગયું છે યતિનું મજેદાર હમસફર
આજે આપણે વાત કરવી છે એક એવા યુવાનની જે ચાલતાં-ચાલતાં ભારત-ભ્રમણ કરવા નીકળ્યો છે. તેની આ સફર દરમ્યાનના શરૂઆતના દિવસોમાં તેને એક ગલૂડિયું મળ્યું જે આજે હવે એક મૅચ્યોર્ડ ડૉગી બની ચૂકી છે અને આ પગપાળા ભારત-પ્રવાસીની હમરાહી છે. માત્ર ૨૮ વર્ષના આ યુવાનનું નામ છે યતિ ગૌર અને તેની મસ્તમજાની ડૉગી એટલે બટર કપ. ભારતના આ અનોખા પ્રવાસીની વાતો મજેદાર અને પ્રેરણાદાયક છે, પણ યતિ ખુદ કહે છે કે પ્રેરણા સોડાના ઊભરા જેવી હોય છે. શા માટે તે આવું કહે છે? ચાલો જાણીએ...
ઉત્તર પ્રદેશના નોએડામાં જન્મેલા તેમ જ બાળપણથી નાટક અને સિનેમાક્ષેત્રે પોતાની રુચિ ધરાવતા એક છોકરાએ સ્કૂલમાં હતો ત્યારે સ્ટેજ-નાટકો, શેરી-નાટકો વગેરેમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અભિનય કરવો તેને ખૂબ ગમતું હતું. ભણતર દરમ્યાન અભિનય-ક્ષેત્રે પોતાનો ઝુકાવ જોઈને તેણે એ જ વિષયો સાથે આગળ ભણવાનું નક્કી કર્યું. સિનેમા વિષય સાથે તેણે ગ્રૅજ્યુએટની ડિગ્રી પણ મેળવી. મેકઅપ, કૉસ્ચ્યુમ્સ, અભિનય, દિગ્દર્શન વગેરે સાથે કામ કરવા માંડ્યો. જોકે હિન્દુઓમાં અત્યંત પવિત્ર યાત્રા તરીકે ગણાતી ચારધામની યાત્રા યતિનું જીવન બદલી નાખવા માટે નિમિત્ત બની એમ કહીએ તો ચાલે.
કેમ ચાલતા જ?
પોતાના બાળપણને યાદ કરતાં યતિ કહે છે, ‘આ વિશ્વમાં દરેક વ્યક્તિનો જન્મ કોઈ ને કોઈ કારણ માટે થયો છે. એ જ રીતે દરેકમાં કંઈક યુનિક એબિલિટી પણ હોય છે જ. એ અલગ વાત છે કે દરેક વ્યક્તિ પોતાના આખા જીવનકાળ દરમ્યાન એ કારણ અને પોતાની એબિલિટી ઓળખી શકતી નથી, પણ જે ઓળખી જાય છે એ પછી એને અનુસરવામાં વાર લગાડતી નથી. મારી કાબેલિયત છે ચાલવું. બાળપણમાં જ્યારે કોઈ બાબતે મારે મમ્મી-પપ્પા સાથે ઝઘડો થઈ જતો તો હું રિસાઈને કિલોમીટરના કિલોમીટર ચાલીને દૂર જતો રહેતો. સાચું કહું તો એ આખું અંતર ચાલવામાં મને ક્યારેય મુશ્કેલ કે લાંબું લાગ્યું જ નથી. ચાલવું એ જ મારા માટે સહજ હતું, મને રીફ્રેશ અને રીએનર્જાઇઝ કરનારું હતું. મારી જિંદગીની એક નવી જ સફરને સાવ નવો જ વળાંક મળ્યો વર્ષ ૨૦૨૦ની સાલમાં.’
કેદારનાથ બાબાની પ્રેરણા
વર્ષ હતું ૨૦૨૦નું. કોરોનાકાળનો એ કપરો સમય. યતિએ પોતાની જાત સાથે એક સાવ નવતર ચૅલેન્જ દ્વારા સફર કરવાનું નક્કી કર્યું. દિલ્હીથી કેદારનાથ ચાલતા જવું. એ સમયે યતિ બૅકપૅકિંગ કંપનીમાં નોકરી કરતો હતો. હવે બૅકપૅકિંગના કામના અનુભવને કારણે તેને ખબર હતી કે આ રીતે ચાલતાં-ચાલતાં આટલી લાંબી સફરે નીકળી પડવાનો અર્થ છે જબરદસ્ત ચૅલેન્જિસ માટે તૈયાર રહેવાનું. છતાં તેણે એ સફર આરંભી. દિલ્હીથી શરૂ થયેલી આ સફર કેદારનાથ, ત્યાર બાદ તુંગનાથ મહાદેવ અને ત્યાંથી છેક બદરીનાથ સુધી લંબાઈ. અંદાજે એક મહિના જેવો સમય યતિને લાગી ગયો. તે દિલ્હીથી આ ત્રણે યાત્રાધામ સુધી ચાલતો-ચાલતો પહોંચ્યો.
યતિએ વાસ્તવમાં તો આ નિર્ણય કર્યા બાદ એવું નક્કી કર્યું હતું કે તે પોતાના પગપાળા પ્રવાસ માટે માર્ગ પણ એ જ સિલેક્ટ કરશે જે પુરાણકાળથી સાધુઓ પોતાની સફર માટે વાપરતા રહ્યા છે. જોકે હવે પહેલાંના સમય જેવા સાધુ પણ રહ્યા નથી કે નથી રહ્યા બધે એ માર્ગો જે સાધુઓ વાપરતા હતા. આથી યતિએ ક્યારેક સાધુઓના માર્ગે તો ક્યારેક જાણીતા રસ્તાઓ પર ચાલતાં-ચાલતાં તેની આ પહેલી સફર અંદાજે એક મહિના જેટલા સમયમાં પૂરી કરી. ત્યારે કદાચ યતિનેય નહોતી ખબર કે કેદારનાથ બાબાના ધામ સુધીની આ સફરે તેની એક બીજી સફરનો માર્ગ ખોલી નાખ્યો છે. તેને એ નહોતી ખબર કે શારીરિક દૃષ્ટિએ બાહરી સફર તો પૂરી થઈ ચૂકી છે, પણ એ સફરે ભીતરની એક એવી સફરનો આરંભ કરી દીધો છે જે યતિને હવે પછી પ્રેરણા આપવાની હતી. બસ, ત્યારથી જાણે યતિને પોતાનો પ્રેમ મળી ગયો હોય એમ તે આજે સતત પોતાના પ્રેમને અનુસરી રહ્યો છે, પોતાના પ્રેમ સાથે જ જીવી રહ્યો છે.
હમરાહીનું મળવું
કેદારનાથની પગપાળા યાત્રા ખૂબ સારી રીતે પૂરી કરી ચૂકેલા યતિને હવે સમજાઈ ચૂક્યું હતું કે ચાલવા માટે ન તો તેને કોઈ પ્રેરણાની જરૂર છે કે ન કોઈ લક્ષ્યની, કારણ કે ચાલવું એ તેનો પ્રેમ છે. તેને ગમે છે ચાલતા રહેવું. પૅશન, ગોલ, અચીવમેન્ટ જે પણ શબ્દો આમાં ઉમેરી શકો એ બધું જ યતિ માટે ચાલવામાં સમાઈ ચૂક્યું હોવાનું તેને સમજાઈ ચૂક્યું હતું. કેદારનાથની સફળ યાત્રા બાદ તેણે બીજો એક નિર્ણય કર્યો. તેણે વિચાર્યું કે આખા રાજસ્થાનનો પગપાળા પ્રવાસ કરવો છે. આ સફર હતી અંદાજે કુલ ૮૦૦ કિલોમીટરની.
મહિના-મહિનાની છુટ્ટી અને આ છુટ્ટી દરમ્યાન પ્રવાસ પણ એ રીતે કે લૅપટૉપ દ્વારા કે બીજી કોઈ રીતે પણ તમે કામ કરી શકો નહીં. દુનિયાની કોઈ કંપની મફતમાં તો કોઈને પગાર આપવા બની નથી. આથી યતિએ જો પોતાના નિર્ણયને સાકાર કરવો હોય તો સૌથી પહેલાં પોતાની નોકરી છોડવી પડે એમ હતું.
ઘરવાળા સાથે વાત કરી.
મમ્મી-પપ્પા ચાહતાં હતાં કે તેમનો દીકરો એ રીતે જીવન જીવે કે તે જે કરવા માગતો હોય એ જ કરે; ભલે ગમે તે કરે, બસ પોતાને ગમતું હોય એ કરે. મા-બાપે વહાલથી દીકરાના માથે હાથ મૂકતાં ‘શુભસ્ય શીઘ્રમ’ કહ્યું અને યતિ નીકળી પડ્યો રાજસ્થાનની સફરે. ચિત્તોડગઢ, બાડમેર, પુષ્કર, ઉદયપુર ફરતાં-ફરતાં યતિ પહોંચ્યો જયપુર. જયપુરના એક ગામડામાં તેણે ડૉગીનાં સાત-આઠ નાનાં-નાનાં બચ્ચાં જોયાં. ધીરે-ધીરે એક-એક કરતાં બધાં ગલૂડિયાં ક્યાંક-ક્યાંક ચાલવા માંડ્યાં, પણ ખબર નહીં કઈ રીતે અને શા માટે પણ એક બચ્ચું દોડીને યતિ પાસે આવી ગયું અને ત્યાર પછી યતિને છોડી જ નહોતું રહ્યું. યતિ જ્યાં જાય ત્યાં તેની પાછળ-પાછળ ફર્યા કરે, તેના ખોળામાં આવીને બેસી જાય. યતિએ આખરે એને પોતાની સાથે રાખી લેવાનો નિર્ણય કર્યો અને એ નાનકડા ક્યુટ બચ્ચાને હાથમાં ઊંચકી પોતાની સાથે લઈને ફરવા માંડ્યો. અનાયાસ જ જયપુરમાં મળેલો તેનો આ નાનકડો સાથીદાર એટલે આજે યતિ સાથે કદમથી કદમ મિલાવીને ભારતના અજાણ્યા રસ્તાઓ ફરતી ‘બટર કપ’.
યતિ એ જનરેશનમાં જન્મેલો યુવાન છે જેનું બાળપણ ટેલિવિઝન પર
કાર્ટૂન-સિરીઝ જોઈને વીત્યું છે. બચપણની એ યાદોને તાજી કરતાં યતિ એ સિરીઝમાં પોતાનાં ફેવરિટ કાર્ટૂન-કૅરૅક્ટર્સને યાદ કરે છે અને યાદ આવે છે એ કૅરૅક્ટર જેની પાસે જબરદસ્ત પાવર્સ અને અખૂટ તાકાત હતી. એનું નામ હતું બટર કપ અને જબરદસ્ત તાકતવર એ કાર્ટૂનની લીડર કે મમ્મીનું નામ હતું બટર મૅડમ. બસ, મળી ગયું; મળી ગયું યતિને પોતાના આ નવા સાથીદારનું નામ. તેણે એ નાના ગલૂડિયાનું નામ રાખ્યું બટર કપ. આજે યતિને કોઈ પૂછે તો એક મસ્તમજાના સ્માઇલ સાથે યતિ કહે છે, બટર એનું ફર્સ્ટ નેમ છે અને કપ એની સરનેમ. આખું નામ છે બટર કપ! હાથમાં ઊંચકેલું બટર હજી નાનું હતું. યતિ જેટલું લાંબું અને સતત ચાલી શકે એમ નહોતું. આથી યતિ એને હાથમાં ઊંચકીને ચાલતો. ક્યાં તો પોતાની બૅગ જે તેણે બટરના આવ્યા પછી નવી બનાવડાવી હતી, એના ખાનામાં બેસાડીને ફરતો. ત્યાર બાદ નાનીઅમથી બટરને પૂરતું ખાવાનું મળી રહે, એનું સ્વાસ્થ્ય સારું રહે અને એ સારી રીતે ગ્રો કરી શકે એ વિચારે
યતિએ થોડા સમય માટે એને પોતાની સાથે પગપાળા પ્રવાસે નહીં લઈ જવાનું નક્કી કર્યું. બટરને ઘરે મમ્મી-પપ્પા પાસે મૂકીને તે પોતે એકલો જ સફર પર નીકળી પડતો.
પણ બટર તેના મિત્ર યતિને એટલું મિસ કરતી કે તે ઘરે એકલી હોય અને યતિ ન હોય તો એ સરખું ખાતી નહીં અને રડ્યા કરતી. આથી યતિ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેની મમ્મીએ કહ્યું, ‘તું એક કામ કર, બટરને તારી સાથે લઈ જા! તો જ એ ખુશ રહેશે. એ અહીં ઘરમાં તને ખૂબ મિસ કરે છે!’
બટરની કેળવણી
ધીરે-ધીરે બટર મોટી થઈ ત્યાં સુધીમાં યતિનો પ્રવાસ પણ સમગ્ર ભારત-ભ્રમણ સુધી લંબાઈ ચૂક્યો હતો. એક બૅકપૅકમાં થોડાં કપડાં, ટેન્ટ અને બીજો જરૂરી સમાન ભરીને નીકળી પડતા યતિની પરિસ્થિતિ હવે બદલાઈ ચૂકી હતી. મોટી થઈ ચૂકેલી બટરને સાથે લીધી અને યતિ નીકળી પડ્યો પગપાળા પ્રવાસે ભારત ખૂંદવા.
જોકે એ પહેલાં બટરને આ પ્રવાસ માટે તૈયાર કરવાનું કામ કસોટી સમાન હતું. તેણે ચેક ઍન્ડ કન્ફર્મ સિચુએશન માટે હૃષીકેશ જવાનું નક્કી કર્યું. થોડું ઓછું, ત્યાર બાદ થોડું વધુ... બટર માટે ચાલવાનું અંતર ધીરે-ધીરે વધી રહ્યું હતું. રસ્તામાં ખાવાનું અને પાણી સાથે નહીં લઈને ચાલવા ટેવાયેલા યતિએ હવે બટર માટે એ બન્ને સાથે લેવું પડતું હતું. જોકે આ સફર કેળવણીની સફર હતી. યતિ રોજિંદા વૉકમાં ધીરે-ધીરે ચાલવાનું અંતર અને સમય વધારતો જતો હતો. જોકે આ સફરમાં સરપ્રાઇઝ થવાનો વારો બટરનો નહીં પણ યતિનો હતો. યતિએ જોયું કે બટર તેની દરેક ધારણાને સદંતર ખોટી પાડી રહી છે. એ વધેલું અંતર પણ એકદમ સરળતાથી ચાલતાં-ચાલતાં પૂરું કરી લે છે. એટલું જ નહીં, એ ટ્રેક પણ ખૂબ સારી રીતે કરી જાણે છે. ભૂખ, તરસ અને સતત ચાલવું... આ બધાથી બટર હવે આટલા દિવસોમાં ટેવાઈ ચૂકી હતી. જાણે એ યતિને કહી રહી કે હું તારી સાથે ભારત-ભ્રમણે આવવા માટે હવે તૈયાર છું. અને નવેમ્બર ૨૦૨૨માં શરૂ થયો યતિ અને બટરનો સહિયારો ભારત-ભ્રમણનો પગપાળા પ્રવાસ.
સફર મેં ધૂપ તો હોગી
યતિએ પગપાળા પ્રવાસનો નિર્ણય કર્યો એમાં કઠિન શબ્દ જેની સાથે જોડવો પડે એવો એક નિર્ણય હતો હિમાચલ પ્રદેશના હૃષીકેશથી બંજર સુધીની સફરનો. ૧૫૫૦ કિલોમીટરની આ સફર યતિને થકવી નાખનારી સાબિત થવાની હતી. આ સફર એટલા પડકારો અને એવો થાક લઈને આવી કે યતિએ ત્યાર બાદ થોડા સમય માટે ઉત્તર ભારતની સફરનો માર્ગ છોડી દઈને નૉર્થ-ઈસ્ટ એક્સપ્લોર કરવાનો વિચાર કર્યો. ૭૮૦ કિલોમીટરની એ સફરમાં તે સિક્કિમથી લઈને ગૅન્ગટૉક, ચૂંગથાન્ગ, યંગાન્ગ, રવાંગ્લા વગેરે અનેક સ્થળે ચાલતો ફર્યો.
માણસ જ્યારે કોઈક સફરે નીકળે છે ત્યારે તેણે સારા અને ખરાબ બન્ને પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ અનુભવો જ માણસને ઘડે છે એમ કહીએ તો ખોટું નથી. કદાચ આ જ કારણથી કહેવત પડી છે કે ફરે એ ચરે. નૉર્થ-ઈસ્ટમાં તેને થયેલા એક અનુભવ વિશે વાત કરતાં યતિ કહે છે, ‘સિક્કિમ નજીક એવો વિસ્તાર આવી ગયો હતો જ્યાં મને મારો કૅમ્પ નાખવાની ક્યાંય સરખી જગ્યા નહોતી રહી. કેટલુંય શોધવા છતાં જ્યારે હું કૅમ્પ ફિક્સ કરી શકું એવી એકેય જગ્યા ન મળી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક ભાઈને મેં પૂછ્યું કે ભાઈ, અહીં હું મારો કૅમ્પ લગાવી શકું એવી કોઈ જગ્યા છે? જવાબમાં પેલી વ્યક્તિ કોઈ જગ્યા દેખાડવાની જગ્યાએ યતિને પોતાના ઘરે લઈ ગઈ. કોઈ મિલમજૂરોના રહેવા માટે બનેલી ચાલી સિસ્ટમનું ઘર અત્યંત નાનું હતું. કુલ ૨૦-૨૧ રૂમ હતી જેમાં ૨૦-૨૧ પરિવારો રહેતા હતા. બહાર એ ૨૦ રૂમ માટે બનેલાં બે ટૉઇલેટ-બાથરૂમ હતાં. એ ભાઈના ઘરે પહોંચતાં જ યતિએ જોયું કે તેમનું ઘર તો એટલું નાનું છે કે ત્રણ વ્યક્તિથી વધારે બીજો એક માણસ પણ રહી શકે એમ નથી.
એ ઘરમાં તે વ્યક્તિ પોતાની પત્ની સાથે રહેતી હતી. તેમને એક દીકરો હતો જે યતિની જ ઉંમરનો હતો અને એ જ દિવસે તે ગૅન્ગટૉકથી પાછો આવવાનો હતો. જોકે યતિ ઘરે આવ્યો હોવાથી ચોથી વ્યક્તિ નહીં સમાઈ શકે એ વિચારે પેલા માણસે પોતાના દીકરાને ફોન કર્યો અને કહ્યું કે ઘરે મહેમાન આવ્યા છે, તું તો જાણે છે કે તેમની સાથે તું પણ ઘરમાં રહી શકે એટલી જગ્યા આપણા ઘરમાં નથી એટલે તું આજે ગૅન્ગટૉક તારા મિત્રના ઘરે જ રોકાઈ જા અને આવતી કાલે આવજે. પોતે આવ્યો હોવાને કારણે સગા દીકરાને ઘરે આવવા માટે બાપે ના કહી દેવી પડી એ જોઈને યતિને અત્યંત લાગણી મહેસૂસ થઈ ગઈ. જોકે તેને ક્યાં ખબર હતી કે લાગણીના એ પૂરમાં હજી એક મોટું મોજું આવવાનું બાકી હતું. માત્ર ત્રણ માણસને ચાલે એટલું જ ખાવાનું બનાવેલા એ ગરીબ યજમાનના ઘરે ત્રીજા ભાગનું ખાવાનું પોતાના દીકરા માટે બન્યું હતું, પણ ઘરે આવી ચડેલા અજાણ્યા અતિથિને કારણે દીકરો તો હવે ઘરે આવવાનો નહોતો. આથી યજમાને એ જ ભોજનનો ભાગ અત્યંત વહાલથી યતિ નામના તે અતિથિને જમાડ્યો અને બીજા દિવસની સવારે પ્રેમપૂર્વક તેને રવાના કર્યો. હમણાં સુધીમાં ૧૨ રાજ્યોની સફર કરી ચૂકેલો યતિ જ્યારે અનુભવોના યાદગાર કિસ્સાને યાદ કરે છે ત્યારે તેની આંખોમાં લાગણીનો ભાવ પ્રગટી જાય છે.
જ્યાં આવા લાગણીમય અનુભવમાંથી પસાર થયા હોઈએ ત્યાં એવા જ ખરાબ અનુભવો પણ હોવાના જ. યતિ એક અનુભવ વિશે વાત કરતાં કહે છે, ‘આપણને માણસોને એવો ખોટો વહેમ છે કે દુનિયાના બધા જીવોમાં આપણે જ સૌથી હોશિયાર, સૌથી શક્તિશાળી અને બધાને કમાન્ડ કરી શકીએ એવા જીવ છીએ. બટર સાથે હું કોઈને કંઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના મારી સફર કરતો હોઉં છું. છતાં એક શહેરમાં કેટલાક યુવાનો આ વહેમના શિકાર હતા. તેમણે લાગતું હતું કે કોઈ મૂંગા પ્રાણીને હાનિ પહોંચાડવાથી તેમની ખૂબ બહાદુરી સિદ્ધ થશે. તેમણે બટરને પથ્થર, પટ્ટા વગેરેથી મારવા માંડ્યું. મેં ઘણી વાર સમજાવ્યા, મોટા અવાજે તેમને રોક્યા પણ ખરા; પણ તેમને લાગતું હતું કે આ એક યુવાન અમારા સાત-આઠ સામે શું કરી શકવાનો. આમેય મારો સ્વભાવ નથી હાથ ઉપાડવાનો. હું અવાજ મોટો કરી શકું, પણ કોઈ પર હાથ ન ઉપાડી શકું. તે લોકોએ બટરને એટલું માર્યું કે એને લોહી નીકળવા માંડ્યું હતું. ઈશ્વરની કૃપા કે ડૉક્ટર પાસે મલમપટ્ટી અને દવા કરાવ્યા બાદ બટરને સારું થઈ ગયું અને આજે હવે એ એકદમ ઑલરાઇટ છે.’
યતિએ હાલ પૂરતો મનોમન નિર્ણય કર્યો છે કે તે ચારધામ યાત્રા અને દ્વાદશ જ્યોતિર્લિંગ પગપાળા પ્રવાસ દ્વારા પૂરાં કરશે. હમણાં સુધીમાં સાત જ્યોતિર્લિંગની સફર પૂરી કરી ચૂકેલાં યતિ અને બટર તમે જ્યારે આ વાંચી રહ્યા છો ત્યારે પણ ચાલતાં-ચાલતાં ક્યાંક કોઈ નવી જગ્યાની સફરે ફરી રહ્યાં હશે.
રોજના ૨૦થી ૩૦ કિલોમીટર ચાલી નાખતા આ બન્ને સાથીઓ ક્યારેક પેટ્રોલ-પમ્પ પર તો ક્યારેક કોઈ ખેતરમાં કે ક્યારેક કોઈ મંદિરે અથવા હોટેલમાં પોતાનો રાત્રિમુકામ શોધી લે છે. મોઢા પર હાસ્ય અને બટરનું મૂંગું છતાં સાવ બોલકું વહાલ આ બન્નેનો સાથ મેળવીને યતિ ચાલતો રહે છે, ફરતો રહે છે, ભારતને પોતાની દૃષ્ટિએ જોતો અને શોધતો રહે છે. જ્યારે કોઈ પૂછે છે ત્યારે યતિ કહે છે, ‘ના, મારી પ્રેરણા કોઈ નથી, નથી કોઈથી ઇન્સ્પાયર થયેલો. પગપાળા ભારત-પ્રવાસ કરવો એ મારું લક્ષ્ય પણ નથી અને નથી મારું પૅશન. આ મારો પ્રેમ છે, મારો લવ! પ્રેરણા ક્યારેક ઓસરી જાય, પૅશન પ્રત્યેના લગાવમાં પણ ઉતાર-ચડાવ આવે, લક્ષ્ય હોય તો એ મેળવી લીધા બાદ સફર પૂરી થઈ ગઈ હોય એવું લાગે; પરંતુ પ્રેમ... પ્રેમ એક એવી લાગણી છે જેની સાથે
તમે સતત જીવો છો, સતત એની નજીક રહેવા માગો છો અને આ ચાલવું એ મારો પ્રેમ જ છે જેની સાથે હું સતત જીવું છું.’