ફરવા જાઓ ત્યારે પાસપોર્ટ ચોરાઈ કે ખોવાઈ જાય તો?

25 July, 2024 08:45 AM IST  |  Mumbai | Laxmi Vanita

થોડાક સમય પહેલાં ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી સાથે જે થયું એ કોઈની પણ સાથે થઈ શકે એમ છે. આજે નિષ્ણાતો સાથે વાત કરીને જાણીએ કે ઇન્ટરનૅશનલ ટ્રાવેલ દરમ્યાન પોતાની મહત્ત્વની વસ્તુઓને સુરક્ષિત કેવી રીતે રાખવી અને એવી કઈ સામાન્ય ભૂલો છે જેનાથી બચવું

પ્રતીકાત્મક તસવીર

લોકોની એવી માન્યતા હોય છે કે વિદેશ એટલે બહુ જ સુરક્ષિત. ત્યાં તો કારના દરવાજા ખુલ્લા હોય તો પણ કોઈ વસ્તુ પર નજર ન કરે. જો રસ્તામાં વસ્તુ ખોવાઈ હોય તો પાછી આવી જાય. છેલ્લાં ૧૦ વર્ષની વાત કરીએ તો એવા કેટલાય કિસ્સાઓ અખબારના પાને ચડ્યા છે કે સેલિબ્રિટીઝનો માલસામાન લુંટાયો હોય. હવે ઍરપોર્ટ પર કે બહાર ફરતી વખતે સામાન હાથમાંથી જાય તો વાત ગળા નીચે ઊતરે, પરંતુ ફાઇવ સ્ટાર હોટેલની રૂમની અંદર ચોર આવીને તમારો કીમતી સામાન લૂંટી જાય એવા કિસ્સાઓ બહાર આવ્યા છે. ૨૦૧૬માં જાણીતી હૉલીવુડ સેલિબ્રિટી કિમ કર્ડાશિયન સાથે ફ્રાન્સના પૅરિસ શહેરમાં આવી જ ઘટના બની હતી. આ ઘટના અવારનવાર ફૉરેન ફરવા જતા લોકો માટે સાવેચતીના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે.  તાજેતરમાં દિવ્યંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ઈટલીમાં તેમની મૅરેજ-ઍનિવર્સરીનું સેલિબ્રેશન કરવા ગયાં હતાં. ત્યાં તેમણે ભાડે કરેલી ગાડીમાંથી ૧૦ લાખ રૂપિયા જેટલી કિંમતનો સામાન અને પાસપોર્ટ ચોરી થઈ ગયા. એવું પણ નહોતું કે ગાડી ખુલ્લી રહી ગઈ હશે કે દરવાજો ખુલ્લો મૂકીને તેઓ ફરતાં હતાં. ગાડીના કાચ તોડીને એમાંથી સામાન ચોરી કરવામાં આવ્યો છે. માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વભરની સેલિબ્રિટી સાથે આ પ્રકારના કિસ્સાઓ બની ચૂક્યા છે અને જો લિસ્ટ બનાવવામાં આવે તો યાદી બહુ લાંબી બને.

તાજેતરમાં જ્યારે લંડનના મેયર તેમના શહેરને વિશ્વના સૌથી સુરક્ષિત શહેરની યાદીમાં મૂકી રહ્યા છે ત્યારે ભારતીય બિઝનેસમૅન કે જેમને પોતાની કીમતી ઘડિયાળ ગુમાવવી પડી છે તેમનું કહેવું છે કે દિલ્હી ઍરપોર્ટ કે સ્ટ્રીટ પર તમે કીમતી માલસામાન સાથે ચાલવા નીકળો તો ચોરી થવાની શક્યતા ઓછી છે પરંતુ લંડન સ્ટ્રીટ પર આ જ સામાન સાથે લઈને ચાલવા નીકળો તો ઘરે કીમતી સામાન વગર જ પાછા જશો. જ્યારે ટૂરિસ્ટ વીઝા માટે તમે એજન્ટને મળવા જાઓ ત્યારે પણ તમારા ફૉરેન વિશેના નૉલેજની ખાતરી કરી લેજો કે તમારો સામાન અને ડૉક્યુમેન્ટ ક્યાં વધારે સુરક્ષિત રહેશે. મૂળ મુદ્દા પર આવીએ કે જ્યારે તમારો પાસપોર્ટ ચોરાઈ જાય કે ખોવાઈ જાય ત્યારે સૌથી પહેલું રીઍક્શન શું હોય કે ઘરે પાછા કેવી રીતે જઈશું કે પછી ફૉરેનમાં પાસપોર્ટ વગર શું કરીશું. આવી પરિસ્થિતિમાં કેવી રીતે ડીલ કરશો એ જાણીએ એક્સપર્ટ પાસેથી.

સૌથી પહેલાં પોલીસ-ફરિયાદ

૧૯૮૮થી નીલ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ કંપની ચલાવતા હેમંત શાહ કહે છે, ‘ભૂતકાળમાં આવા અમુક કેસો બન્યા હતા જેમાં ટૂરિસ્ટનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોય, ચોરાયો હોય અથવા તેઓ ક્યાંક ઉતાવળમાં ભૂલી ગયા હોય. યુરોપ, થાઇલૅન્ડ જેવા દેશોમાં આવા કિસ્સા સામાન્ય બાબત ગણાય છે હવે. જોકે કોઈની પણ સાથે આવું બને ત્યારે સૌથી પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવો અથવા તો જે પણ જગ્યાએ અટક્યા હો ત્યાં ઇન્ડિયન એમ્બેસીમાં જઈને ફરિયાદ કરો. સામાનની સાથે તમારા ક્રેડિટ કાર્ડ હોય તો એને બ્લૉક કરાવી દો. ટૂરિસ્ટ સાથે જ્યારે આવી ઘટના બને ત્યારે તેમને ડુપ્લિકેટ પાસપોર્ટ બે દિવસમાં આપી દેતા હોય છે અને જો વાર લાગે એમ હોય તો સરકાર દ્વારા ઇમર્જન્સી સર્ટિફિકેટ બનાવી આપે છે. એના ઉપયોગથી તમે ઘરે પાછા રવાના થઈ શકો છો.’

બેદરકારીથી ક્યાં બચવું?

વિદેશમાં ચોરી થાય અને સામાન સાથે જ પાસપોર્ટ ગુમ થાય એવું નથી હોતું એમ જણાવતાં હેમંતભાઈ કહે છે, ‘જ્યારે પણ ઇન્ટરનૅશનલ ટૂર પર જાઓ ત્યારે પાસપોર્ટ ભૂલી જવાની સૌથી પહેલી શક્યતા ઍરપોર્ટ પર છે. ઍરપોર્ટ પર ઇમિગ્રેશનમાં જ કંઈક ડૉક્યુમેન્ટ ખૂટ્યા કે કોઈ વસ્તુના પૈસા ભરવાના હોય કે કોઈ ફૉર્મમાં ડીટેલ ભરવાની હોય ત્યારે ઇમિગ્રેશન ઑફિસર સૌથી પહેલાં તમારો પાસપોર્ટ લઈ લે છે. ટૂરિસ્ટ ઇમિગ્રેશનની ફૉર્માલિટી પૂરી કરીને ભાગે છે અને પાસપોર્ટ લેવાનું ભૂલી જાય છે. ડ્યુટી-ફ્રી શૉપમાં પણ તમે જાઓ તો તમારે ક્યારેક ટિકિટ કે પાસપોર્ટ બતાવવાનો હોય છે એવા સમયે શૉપિંગમાં પાસપોર્ટ ભૂલી શકો છો. ઘણા લોકો પાઉચમાં બધા ડૉક્યુમેન્ટ રાખતા હોય છે તો ટૅક્સીમાં જ ભૂલી જાય છે. પહેલાં થોડું મુશ્કેલ હતું કે કેવી રીતે રસ્તો કાઢવો, પણ અત્યારે બહુ આસાન થઈ ગયું છે કે આપણી પાસે ડિજિટલ ડૉક્યુમેન્ટ્સ હોય છે.’

લક્ઝરી બૅગ ન રાખો

ઇન્ટરનૅશનલ ટ્રાવેલ બ્રૅન્ડ સાથે કામ કરતી સિનિયર એક્ઝિક્યુટિવ શ્રેયા ગુપ્તા કહે છે, ‘ગયા મહિને જ મારી એક ક્લાયન્ટ રોમથી ફ્રાન્સમાં આવવા માટે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહી હતી. તે ક્લાયન્ટની ઉંમર ૫૪ વર્ષની છે અને તેની પાસે લુઈ વિત્તોં (ફ્રાન્સની લક્ઝરી બૅગની બ્રૅન્ડ જેનાં નાના ક્લચ લાખ રૂપિયાથી શરૂ થતાં હોય છે) બૅગ હતી. લક્ઝરી બૅગ હશે તો ચોરની નજર પહેલાં પડશે, કારણ કે ત્યાં આવી બ્રૅન્ડેડ વસ્તુનું બ્લૅક માર્કેટ ચાલે છે એટલે અમે ક્લાયન્ટ્સને ચેતવણી પણ આપતા હોઈએ છીએ કે બહાર નીકળો ત્યારે લક્ઝરી બ્રૅન્ડની વસ્તુઓનો દેખાડો અવૉઇડ કરો. એ બહેનના બધા જ ડૉક્યુમેન્ટ્સ અને એસેન્શ્યિલ તેમની બૅગમાં હતા. સામાન ટ્રેનમાં હોય તો તમે નિશ્ચિંત હો. એટલે તેઓ બુક વાંચી રહ્યાં હતાં. જ્યારે તેમણે સામાન પર નજર કરી ત્યારે તેમને ખબર પડી કે સામાન ચોરી થઈ ગયો છે. તેમણે પોતાનો ફોન ગળામાં ચેઇનની જેમ પહેરેલો હતો એટલે ફોન બચી ગયો. જેવી આ ઘટના બની તરત જ તેમનો મને કૉલ આવ્યો કે શું કરવું. મેં તેમને ગાઇડ કર્યાં કે જે સ્ટેશન આવે ત્યાં ઊતરીને સૌથી પહેલાં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરો. એ ફરિયાદ બાદ તમને દરેક પ્રકારે મદદ મળી જાય. પોલીસ તમને ડૉક્યુમેન્ટ આપે જે સાબિત કરે કે તમે કોઈ દેશના નાગરિક છો અને તેમના દેશમાં ફરી શકો છો. ત્યાર બાદ ઇન્ડિયન એમ્બેસીમાં જાઓ. માનો કે તમારું બધું જ ખોવાઈ ગયું છે અને કંઈ જ નથી બચ્યું તો ત્યાં કોઈ પણ અન્ય ટૂરિસ્ટની મદદથી ફોન કરીને એમ્બેસી પહોંચો જેમની પાસે તમારો બધો જ રેકૉર્ડ હોય છે. તમને ઘરે પહોંચાડવા માટેના ડૉક્યુમેન્ટ એ લોકો પૂરા પાડે છે.’

પાસપોર્ટની બાબતમાં રાખજો આટલી સાવધાની

- પાસપોર્ટને સામાન્ય ડૉક્યુમેન્ટથી અલગ રાખવો.

- તમારા સામાનમાં બધા જ ડૉક્યુમેન્ટની કલર ઝેરોક્સ કરીને બૅગમાં મૂકી દેવી.

- બધા જ ડૉક્યુમેન્ટ ઈ-મેઇલ પર રાખવા.  

- માનો કે તમારો ફોન ચોરી થઈ ગયો તો? તો આના માટે પણ પહેલેથી તૈયાર રહેવું. તમારા મિત્રો કે પરિવારજનોને તમારા ડૉક્યુમેન્ટ વૉટ્સઍપ કે ઈ-મેઇલ કરી રાખવા. કંઈ પણ થાય તો તમારી પાસે બૅક-અપ રહેવો જોઈએ.

travel travelogue travel news life and style columnists