08 January, 2024 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ ગયેલા તે સમયની ફાઇલ તસવીર
હાલ દેશભરમાં ભારત (India)ના લક્ષદ્વીપ (Lakshadweep)ની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની લક્ષદ્વીપની મુલાકાત બાદ તેમણે પોતે જ તમામ દેશવાસીઓને લક્ષદ્વીપની મુલાકાત લેવાની સલાહ આપી છે. બસ ત્યારથી જ લોકોને લક્ષદ્વીપનું ઘેલું લાગ્યું છે. સોશ્યલ મીડિયા પર લક્ષદ્વીપની સુંદર તસવીરો લોકો શૅર કરી રહ્યા છે અને તેની સુંદરતા અને સ્વચ્છતાના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો લક્ષદ્વીપ ફરવા જવાનો પણ પ્લાન કરી રહ્યાં છે. આ સાથે લોકો જાણવા માંગે છે કે લક્ષદ્વીપ કેવી રીતે જવું અને કઈ સિઝનમાં અહીં જવું વધુ સારું છે? શું તમે લક્ષદ્વીપ જવાનો પ્લાન કરો છો તો આ લેખ તમારા માટે જ છે…
તમે તમારા મિત્રો, પરિવાર અથવા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે લક્ષદ્વીપ જવાની યોજના બનાવી રહ્યા છો, તો અહીં અમે તમને લક્ષદ્વીપ ટ્રિપ પ્લાન સંબંધિત તમામ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
લક્ષદ્વીપ કઈ રીતે જવું?
જો તમે હવાઈ માર્ગે લક્ષદ્વીપ જવા ઈચ્છો છો, તો તમારે કોચીના અગાટી એરપોર્ટ માટે ફ્લાઈટ ટિકિટ બુક કરવી પડશે. કોચીથી લક્ષદ્વીપ ટાપુ સુધીનું આ એકમાત્ર એરપોર્ટ છે. અગાટી ટાપુ પર પહોંચ્યા પછી, તમે અહીંથી બોટ અથવા હેલિકોપ્ટર દ્વારા સરળતાથી અન્ય ટાપુઓ પર જઈ શકો છો. ઘણી એરલાઇન કંપનીઓ લક્ષદ્વીપ આઇલેન્ડ માટે સીધી ફ્લાઇટ્સ પૂરી પાડી રહી છે. જો આપણે મુંબઈ (Mumbai)થી લક્ષદ્વીપની ફ્લાઇટ ટિકિટ ભાડા વિશે વાત કરીએ તો એક સમયના ૧૦,૦૦૦ રુપિયા થશે. જો તમે એક મહિના પહેલા લક્ષદ્વીપ માટે ફ્લાઈટ ટિકિટનું આયોજન અને બુકિંગ કરો છો, તો તમારા માટે હજી પણ સસ્તું થઈ જશે. એટલું જ નહીં, જો તમે ફ્લાઇટ ટિકિટ બુક કરતી વખતે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો છો તો તમને ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી શકે છે.
લક્ષદ્વીપ ટૂર પૅકેજનો ખર્ચ કેટલો થાય?
જો આપણે લક્ષદ્વીપ ટૂર પૅકેજના કુલ બજેટ વિશે વાત કરીએ, તો અંદાજે હવાઈ મુસાફરીને બાદ કરતા ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ પ્રતિ વ્યક્તિ ખર્ચ થાય. જોકે, આ બજેટ દરેક વ્યક્તિની વ્યક્તિગત ચોઈસ પર પણ હોય છે. હોટેલ અને સ્ટેના ખર્ચાના આધારે પૅકજના ખર્ચામાં ફરક થશે. તમે બજેટ ફ્રેન્ડલી લક્ષદ્વીપ ટૂર પૅકેજ માટે ટ્રાવેલ એજન્ટની મદદ પણ લઈ શકો છો.
લક્ષદ્વીપની ટ્રીપ કેટલા દિવસની હોવી જોઈએ? જોવાલાયક સ્થળો કયા?
લક્ષદ્વીપના ટાપુઓમાં અગાત્તી, કદમત, મિનિકોય દ્વીપ, કલ્પેની દ્વીપ અને કાવારત્તી દ્વીપ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. અહીં જઈને તમે તાજી દરિયાઈ હવા અને પ્રકૃતિની સુંદરતાને નજીકથી અનુભવી શકો છો. જો તમારે યોગ્ય રીતે લક્ષદ્વીપની મુલાકાત લેવી હોય તો તમારે ઓછામાં ઓછી ચારથી પાંચ દિવસની ટ્રિપનું આયોજન કરવું જોઈએ.
લક્ષદ્વીપ જવાની બેસ્ટ ઋતુ કઈ?
તમે વર્ષની કોઈપણ ઋતુમાં લક્ષદ્વીપની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. પરંતુ લક્ષદ્વીપ પ્રવાસ માટે શિયાળાની ઋતુ એટલે કે ઓક્ટોબરથી માર્ચ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે જ સમયે, ઉનાળામાં પણ અહીં હવામાન ખુશનુમા રહે છે. આ સમય દરમિયાન પણ લક્ષદ્વીપમાં જોવાલાયક તમામ સ્થળોની સરળતાથી મુલાકાત લઈ શકો છો.
લક્ષદ્વીપમાં સનબાથ, સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઈવિંગનો આનંદ લો
લક્ષદ્વીપ જઈને તમે શાંત અને સ્વચ્છ બીચ પર સવાર-સાંજ વૉકનો આનંદ માણી શકો છો. અહીં તમે સનબાથની મજા પણ લઈ શકો છે. લક્ષદ્વીપના સુંદર નજારા તમારા પ્રવાસને યાદગાર બનાવશે. આ સાથે લક્ષદ્વીપ અનેક વૉટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. અહીં તમે સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ સહિત અનેક પ્રકારના એડવેન્ચર્સ કરી શકો છો.
તો રાહ શેની જુઓ છો! જલ્દી જલ્દી કરો તમારી લક્ષદ્વીપ ટ્રિપનો પ્લાન.