10 December, 2023 02:26 PM IST | Mumbai | Manish Shah
ન્યુ ઝીલૅન્ડનું પ્રથમ બન્જી સેન્ટર-કાવારોઉ રિવર બન્જી
રાતે બે વાગ્યે હિલ્ટન ક્વીન્સ ટાઉન પહોંચ્યાં છેક ત્યારે મારો શ્વાસ હેઠો બેઠો. સમગ્ર કુટુંબ સાથે હતું એટલે થોડો ઉચક જીવ હતો, પરંતુ સવારે આઠ વાગ્યે આદરેલી અને રાતે બે વાગ્યે સમાપ્ત થયેલી આ મુલાકાત જીવનભર યાદગાર બની રહેવાની હતી એ ચોક્કસ. બ્લૅક આઇસ, અંતરિયાળ રસ્તાઓ, મેદાનો, પર્વતો, ગિરિમાળાઓ, બોગદાં, જળપ્રવાસ, ધુમ્મસ એ બધાં પરિબળોને આધીન ૧૮ કલાકની આ યાત્રા અમારા બધાં માટે વિશેષતમ હતી અને એમાં પણ મારા માટે ખાસ. ધૈર્ય, કૌશલ, સાહસિકતા, ઉત્કંઠા, થોડી નિરાશા અને રોમાંચનો સરવાળો એટલે આ મિલફર્ડની મુલાકાત. મુખ્ય કારણ જણાવું ઃ ૧૨ સીટર્સ વૅન લઈને ૧૮ કલાકમાં ૬૦૦થી વધારે કિલોમીટરનો પ્રવાસ, બ્લૅક આઇસ અને ધુમ્મસમાં મારા ડ્રાઇવિંગના કૌશલની પરીક્ષા અને સૌથી વિશેષ ન્યુ ઝીલૅન્ડના અંતરિયાળ પ્રદેશોની રમણીયતાનો વિશેષ પરિચય. અંતમાં ટ્રક ડ્રાઇવર. કૃતજ્ઞતાની પરાકાષ્ઠા. પરમનો લાડકો હોવાનો વધુ એક અનુભવ. મા પ્રકૃતિનો ખોળો ખૂંદીને એના વાત્સલ્યભાવનો સાક્ષાત્કાર અનુભવનાર નસીબદાર બાળક. ૧૮ કલાકમાં આટલું બધું અનુભવનાર, કોઈ પણ સમજદાર વ્યક્તિમાં કઈ રીતે ઘમંડ, સ્વચ્છંદતા, ઉદ્દંડતા ટકે? કોઈ અવકાશ જ નથી. આવા પ્રવાસો માનવીય અવગુણોની નિરર્થકતા સમજાવે છે. સાચા માનવ તરીકે તમને ઘડે છે અને હા, આ ઘડામણ માટે ન્યુ ઝીલૅન્ડ, યુરોપ કે અમેરિકાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે, કોઈ પણ પળે આવા સાક્ષાત્કાર થતા જ રહે છે. થોડી અંત:દૃષ્ટિ કેળવો તો. અરે... કૃતજ્ઞતાની વાતમાં મૂળ મુદ્દાથી થોડો ફંટાઈ ગયો. પ્રવાસની વાત આગળ વધારીએ.
રસગુલ્લાની જ્યાફત - સિલ્વર આઇ.
ક્વીન્સ ટાઉનનો છેલ્લો દિવસ સાહસને સમર્પિત કર્યો હતો. આમ જુઓ તો બે દિવસ અહીંનાં સાહસ માટે ઓછા પડે, પરંતુ આગળ લખ્યા મુજબ જો સાહસની યોગ્ય વહેંચણી કરી હોય તો ક્વીન્સ ટાઉનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકાય. સાહસ અને દૂરસુદૂરના પ્રદેશોની મુલાકાતનો સમન્વય કરી, એકવિધતાને ટાળી શકાય. રુચિ અને રસ બન્ને જળવાઈ રહે એવું અમારું પ્રયોજન હતું. ન્યુ ઝીલૅન્ડમાં આમ તો ઘણી કંપનીઓ સાહસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, પરંતુ આ બધામાં સૌથી ખ્યાતનામ છે સમગ્ર ન્યુ ઝીલૅન્ડમાં પથરાયેલી-પંકાયેલી કંપની A. J. Heckett. થોડો ઇતિહાસ જાણીએ. સાહસવીર એ. જે. હેકેટ સાહસિકોની દુનિયામાં એક મોખરાનું નામ છે. ન્યુ ઝીલૅન્ડે આ જગતને અનેક સાહસિકો આપ્યા છે. સર એડમન્ડ હિલેરી, સર પીટર બ્લૅક, ઍમી જૉનસન, એ જે હેકેટ, રોબ હોલ વગેરે વગેરે. આ તમામ નામનો અનેરો ઇતિહાસ છે એ વિશે ફરી ક્યારેક. આ વખતે વાત કરવી છે એ. જે. હેકેટની, જેઓ બન્જી જમ્પિંગના જનક ગણાય છે. તેમણે બન્જી જમ્પિંગની શોધ નથી કરી, પરંતુ આ ખતરનાક રમતને વિકસાવી અને સમગ્ર જગતના સાહસિકોમાં પ્રસિદ્ધ કરી, એને લોકપ્રિય બનાવી. આમ તો બન્જીની શરૂઆત ક્યારે થઈ એ એક કોયડો છે, પરંતુ ક્યાંથી થઈ એ જાણીએ.
એ. જે. હેકેટ સ્ટોરનું વિહંગાવલોકન.
પશ્ચિમના દેશોની માન્યતા પ્રમાણે વિશ્વના સાત ખંડોમાંનો એક વિશાળ ખંડ ઓસીઆનિયા છે, જેનો એક ભાગ ઑસ્ટ્રેલિયા પણ છે. પૅસિફિક મહાસાગરમાં પથરાયેલા હજારો ભૂખંડોનો જે સમૂહ છે એવો આ વિશાળ સમૂહ, ઓસીઆનિયા કહેવાય છે. આ ખંડમાં એક નાનકડો દેશ છે વૅનુઆટુ. અહીંના સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને પુરુષો પોતાની તાકાત બતાવવા વૃક્ષોના રેસાઓમાંથી દોરડું બનાવીને પોતાના પગ પર બાંધી, ઊંચેથી છલાંગ લગાવતા. જોરથી પછડાતા પણ ખરા અને જે પુરુષ જેટલા ઉપરથી છલાંગ મારે અને ઘાયલ ન થાય તે પુરુષ સૌથી મજબૂત ગણાતો. આ પ્રથા વિશે વધારે ખબર નથી, પરંતુ રેસાથી બનાવેલા આ દોરડામાં સ્થિતિસ્થાપકતા નહોતી. ઈ. સ ૧૯૫૮માં જન્મેલા આપણા આ સાહસવીર હેકેટસાહેબે આ રમતમાં નવીનતા આણી. સલામતી માટે દોરડાને સ્થિતિસ્થાપક બનાવ્યું અને પહોંચી ગયા ઈસવી સન ૧૯૮૭માં ફ્રાન્સ. આવાં બધાં સાહસો માટે તો ‘આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય’ એવી કહેવતો બની છે. પછી એ રાઇટ બ્રધર્સ હોય કે ભારતમાં પ્રથમ વખત વિમાની સેવા લાવનાર મહાન જેઆરડી તાતા હોય. શ્રીમાન હેકેટે પણ એ જ કર્યું. પોતે વિકસાવેલું દોરડું પગે બાંધ્યું અને ઝંપલાવ્યું આઇફલ ટાવર પરથી. દુનિયામાં હાહાકાર મચી ગયો અને આમ બન્જીનો જન્મ થયો. હેકેટસાહેબની તો વાહ-વાહ થઈ ગઈ. ઈસવી સન ૧૯૮૮માં આ રમત માટેનું ખાસ પ્રથમ સેન્ટર પણ ન્યુ ઝીલૅન્ડમાં સ્થપાઈ ગયું. પછી તો જગતઆખું આ રમત પાછળ ઘેલું થઈ ગયું. બન્જી જમ્પિંગની વાત જ અલગ છે. સાહસિકોએ આમાં પણ અલગ-અલગ વિવિધતા શોધી કાઢી. આમ ન્યુ ઝીલૅન્ડ બન્જી જમ્પિંગનું જનક બની ગયું. સાહસિકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં. ખેર, પછી તો દુનિયાએ આ રમતને અપનાવી લીધી. અત્યારે દુનિયાની સૌથી ઉચ્ચતમ બન્જી જમ્પિંગ સાઇટના પ્રથમ બે ખિતાબ ચીનના ફાળે જાય છે. એ. જે. હેકેટ ન્યુ ઝીલૅન્ડમાં ખૂબ મોટું નામ છે. લગભગ દરેક શહેરોમાં હેકેટનાં સેન્ટર છે.
પ્રવેશદ્વારથી વર્તુળાકારે સ્ટોરમાં લઈ આવતો ઢોળાવ.
એક આડવાત. મેં લગભગ તમામ પ્રકારનાં સાહસો કર્યાં છે. સલામત અને આંધળૂકિયાં પણ. આ આંધળૂકિયાં સાહસોની વાત નથી, એ ફરી ક્યારેક. સ્કાય-ડાઇવિંગ, પૅરાગ્લાઇડિંગ, રિવર રાફ્ટિંગ, હૉટ ઍર બલૂન, સસ્નૉર્કલિંગ એ બધાનો અનુભવ છે મને. ઘણા બધાએ આ પ્રવૃત્તિઓ માણી હશે, પરંતુ બન્જી જમ્પિંગની વાત અલગ છે. આ રમત માટે કઠણ કાળજું જોઈએ, હિંમત જોઈએ. ખુલ્લી આંખે ૧૫૦થી ૨૦૦ ફુટ ઉપરથી પોતે કૂદવાની આ વાત છે. સ્કાય-ડાઇવિંગ ભલે ૧૦થી ૧૫ હજાર ફુટ ઉપરથી હોય, પરંતુ આપણા જેવા સાહસિકો તો ટેન્ડમ જમ્પ જ લે, જેમાં તમારે વ્યાવસાયિક ડાઇવર સાથે બંધાઈને કૂદકો મારવાનો હોય. ઉપરનાં તમામ સાહસોમાં તમારી સાથે કોઈ અનુભવી સંચાલક સંકળાયેલા હોય જ છે, જ્યારે બન્જીમાં એવું નથી. ભલે ૧૫૦ ફુટ હોય કે ૮૦૦ ફુટ, તમારે એકલાએ જ કૂદવાનું હોય છે એ નક્કી છે અને આને માટે હિંમત જોઈએ, કલેજું જોઈએ એ નિર્વિવાદ છે. અમે અહીં પૅરાગ્લાઇડિંગ બીજા જ દિવસે કરી લીધું હતું. હવે આ છેલ્લા દિવસે અહીં આવેલા હેકેટ સેન્ટરની મુલાકાત લેવાનું નક્કી હતું. આ સેન્ટરમાં અમે બન્જી નહોતા કરવાના, કારણ કે અમે થોડા સભ્યોએ બન્જી પહેલાં કરેલું હતું એટલે આ વખતે અમે ખીણમાં કૂદવા કરતાં ઑકલૅન્ડમાં બ્રિજ બન્જી કરવાનું નક્કી કર્યું હતું. અહીં અમારી ઝિપ લાઇનિંગ કરવાની ગણતરી હતી. સવારે બ્રેકફાસ્ટ થોડો હલકો કર્યો. કૂદકા, છલાંગ મારવાનાં હતાં, દોરડે બંધાઈને સરકવાનું હતું એટલે થોડા હલકા રહેવું સારું. થોડાં આરામથી ઊઠ્યાં અને તૈયાર થઈને પંદરેક મિનિટના અંતરે આવેલા સેન્ટર પર દસેક વાગ્યે પહોંચી ગયાં. ગાડી પાર્ક કરી. આજે વાતાવરણમાં ભારે ઠંડક હતી. જોરથી ફૂંકાતા પવનના હિસાબે ઠંડીનું પ્રમાણ વધુ લાગી રહ્યું હતું. ગાડી પાર્ક કરી અને સેન્ટરના પ્રવેશદ્વાર તરફ વધ્યાં. સેન્ટર એક નાનકડી ટેકરીની ટોચે આવેલું છે. આ આખા ન્યુ ઝીલૅન્ડનું હેકેટ કંપનીનું પ્રથમ સેન્ટર છે. કાવારોઉ નદીની ઉપર ઝળૂંબતા પહાડ પર આ સેન્ટર બનાવાયું છે. પાર્કિંગ-લૉટને વટાવીને પ્રવેશદ્વાર તરફ આગળ વધતાં મારી નજર નીચે દેખાતી કાવારોઉ નદી પર પડી. મોટા કદનું ઝરણું જોઈ લો. થોડો વધારે નજીક ગયો. થોડી ઝાડી હતી એટલે નદીના વળાંક તથા વહેણને જોવા વધુ નજીક ગયો અને વાહ! મારી આંખો જ કૅમેરા બની ગઈ. બહુ સુંદર દૃશ્ય હતું. વહેલી સવારની ઝાકળ ઠંડીમાં ઠરીને બરફ બની ગઈ હતી અને આખી ઝાડી પર પથરાયેલી ઝાકળ બરફ બની ગઈ હતી. દરેક પાંદડે, દરેક ફૂલ, દરેક ડાળી પર જામેલી ઝાકળ. કાંઈક અનોખું દૃશ્ય આંખો સમક્ષ રચાયું હતું. દસેક મિનિટ જામેલી ઝાકળને હવાલે. પાંદડાંની કિનારીઓ પર જાણે સફેદ કાંટા ઊગી નીકળ્યા હોય એવું લાગતું હતું. લાલ રંગનાં ફૂલોને જાણે તાજાં રહેવા માટે કોઈએ બરફની કેદમાં જ ઉગાડ્યાં હોય એવું અનુપમ દૃશ્ય જોઈએ તો જ ખબર પડે. કૅમેરા કાઢ્યો. થિજાયેલા હાથને ફૂંક મારી અને ખટાક ખટાક ખટાક... ઘણા ફોટો લઈ લીધા અને પછી પ્રવેશદ્વાર જે અતિ સામાન્ય લાગી રહ્યું હતું એનો દરવાજો ખોલીને અંદર પ્રવેશી ગયાં. વાહ ભાઈ વાહ! શું ગજબનું સેન્ટર હતું. પહાડની અંદર ત્રણ મજલા કોતરી કાઢ્યા હતા. ટોચથી પ્રવેશો અને અંદર ઊતરી પડો. વળી અહીં પગથિયાં નહોતાં, ઢોળાવ હતો. આ ફક્ત ઍડ્વેન્ચર સેન્ટર થોડું હતું? આ તો સેન્ટર-કમ-સુવેનિયર શૉપ કમ કોઈ મોટો સ્ટોર હતો. આના જેટલી સુંદર ડિઝાઇન અને રચના ધરાવતા બહુ ઓછા સ્ટોર મેં જોયા છે. અદ્ભુત ડિઝાઇન, જબરદસ્ત ઍમ્બિયન્સ, માહોલ. મ્યુઝિક વાગી રહ્યું હતું. આખો સ્ટોર લોખંડના ગર્ડર અને પટ્ટીઓથી બનાવેલો હતો, આઇફલ ટાવરની જેમ. સસ્તો, સુંદર, ટકાઉ અને અતિશય આકર્ષક. અહીં હેકેટ બ્રૅન્ડની બધી વસ્તુઓ વેચાતી હતી. ટીશર્ટ, કૉફી મગ, કી-ચેઇન, ચમચી, લાકડાની બનાવલી અનેક વસ્તુઓ બધું અહીં વેચાતું હતું. બધી વસ્તુઓ જોતાં-જોતાં ઢોળાવ ઊતરી પહોંચ્યો સ્ટોરના એક છેડે. આખો સ્ટોર વટાવી તમે પહોંચો છો ઍડ્વેન્ચર સેન્ટરના પ્રવેશદ્વાર પર. આ પ્રવેશદ્વારને બહારની તરફ ધકેલો અને પહોંચો ટિકિટ કાઉન્ટર પર. અહીં બધી પ્રવૃત્તિઓનો ચિતાર મળી રહે છે. આ સેન્ટરમાં ત્રણ પ્રકારનાં બન્જી જમ્પિંગ થાય છે. અલગ-અલગ ઊંચાઈ પરથી. કાવારોઉ નદી પર બનેલા લાકડાના પુલ પરથી લગભગ ૧૪૦ ફુટ ઊંચેથી છલાંગ મારો. નદીના પાણીમાં માથું પણ ઝબોળી શકાય છે અથવા તો ૧૫૩ ફુટ ઊંચા પ્લૅટફૉર્મ પરથી ખીણમાં ઝંપલાવો. આનાથી પણ વધારે રોમાંચ જો અનુભવવો હોય તો નેવીસ બન્જી પૉઇન્ટ પર પહોંચી જાઓ. બાજુના પહાડની ટોચ પર આ પૉઇન્ટ આવેલો છે. અહીંની ઊંચાઈ છે ૪૩૫ ફુટ. કૂદો તમતમારે ભગવાનનું નામ લઈને. આટલી ઊંચાઈએથી કૂદકો મારવાનું તો છોડો, ફક્ત પ્લૅટફૉર્મ પર ઊભા રહેવામાં જ ભલભલાના હાંજા ગગડી જાય, છાતી બેસી જાય એવું પણ બને.
અમારે તો અહીં બન્જી કરવાનું નહોતું. અમે આગળ લખ્યા મુજબ ઝિપ લાઇનિંગ કરવાનું નક્કી કર્યું હતું. ઝિપ લાઇનિંગની પણ અલગ પ્રકારની મજા હોય છે. વળી આમાં પણ બે પ્રકાર હતા, કાં તો બેસીને કરો અથવા તમે લાંબા થઈને ઊંધા લટકીને પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. અહીંની ઝિપ લાઇનિંગની લંબાઈ છે લગભગ અડધો કિલોમીટર, પરંતુ ઉપરથી લગભગ ૨૦૦૦ ફુટ ઊંડી તળેટીનું દૃશ્ય તમને અભિભૂત કરી નાખે છે. અતિશય સુંદર દૃશ્ય માણવાની મજા પડે છે. આ પ્રમાણમાં ઘણી સલામત પ્રવૃત્તિ છે, પરંતુ મેં પોતે દરેક સભ્યોને લગાવેલા હુકની ચકાસણી કર્યા પછી જ સબ સલામતનો અંગૂઠો દેખાડ્યો હતો. કોઈ જોખમ લેવાય જ નહીં. એવું નથી કે માનવીય ભૂલોને કારણે અહીં અકસ્માત નથી થયા. ચોક્કસ રહેવું સારું. ભલે તેઓ આપણા પર હસે. શું ફરક પડે છે? બે-બેની જોડીમાં ત્રણ એમ કુલ ૬ લાઇન્સ લાગેલી હતી. અમે છએછ સીટ્સ લઈ લીધી એટલે પ્રથમ રાઉન્ડમાં અમારામાંના છ જણ ગયા. ત્રણ જણ આગલા રાઉન્ડમાં. બધા જ ચાલી જાય તો ફોટો કોણ લે, વિડિયો કોણ ઉતારે? એવું બધું. બહાર ખાસ્સી એવી ઠંડક હતી. લાકડાનો બ્રિજ બાજુમાં જ હતો. કેટલો જૂનો હશે? શું ખબર? સો-સવાસો વર્ષ તો ખરાં જ. જાડાં-જાડાં લાકડાંને જોડીને આ બ્રિજ બનાવાયો હતો. ઝિપ લાઇનર્સ પતાવ્યું. મજા આવી. બધાને ઠંડી લાગી રહી હતી. ફટાફટ બહાર નીકળ્યો અને લાકડાના, આ સદીઓ જૂના બ્રિજના, એની કમાનો પર જામેલા બરફના ફોટો લીધા અને પછી ઝડપભેર સ્ટોરમાં પ્રવેશી ગયો. અંદર વાતાવરણ હૂંફાળું હતું. મેં વાઇડ ઍન્ગલ લેન્સ કાઢ્યો અને ફોટો લેવાનું શરૂ કર્યું. ઘણા ફોટો લીધા. વાઇડ ઍન્ગલ લેન્સથી સ્ટોરના વિસ્તારનો ખરો અંદાજ આવી રહ્યો હતો. ઢોળાવ પર અડધે ચડીને પણ ફોટો પાડ્યા. આ સેન્ટર ખરેખર સરસ છે. આધુનિક રચનાનો સુંદર પુરાવો. ચાલુ દિવસ હોવાને કારણે ફક્ત પ્રવાસીઓ જ હતા. સ્થાનિક લોકો નહોતા એટલે પ્રમાણમાં સ્ટોરમાં ગિરદી નહોતી. આ સેન્ટરની મુલાકાત વગર ક્વીન્સ ટાઉનની યાત્રા અધૂરી ગણાશે એ ચોક્કસ સમજજો. યાદગીરી માટે મેં થોડી વસ્તુઓ ખરીદી અને હું બહાર નીકળ્યો. બધાં હજી પોતપોતાની રીતે ખરીદી કરી રહ્યા હતા એટલે એ લોકોને થોડી વાર લાગે એમ હતું. મારે થોડી ફોટોગ્રાફી કરવી હતી એટલે હું ઉપર છું એમ જણાવીને બહાર નીકળ્યો. પાંદડાંઓ પરનો બરફ નજર સામેથી ખસતો નહોતો. થોડા હજી ફોટો લેવાનું નક્કી કર્યું. ફોટો લીધા અને પછી વૅન પાસે પહોંચ્યો. વૅનની બરાબર પાછળ બે વિશાળ વૃક્ષો હતાં. કૅમેરા-બૅગ નીચે મૂકી અને સાહજિક રીતે જ વૃક્ષો પર નજર પડી. કંઈક હિલચાલ થતી દેખાઈ એટલે જિજ્ઞાસાવૃત્તિ સપાટી પર આવી. જોયું તો ચકલીથી થોડું મોટું કદ ધરાવતું એક ચંચળ પક્ષી નજરે ચડ્યું. અરે, આ તો સિલ્વર આઇ તરીકે ઓળખાતું પક્ષી. ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં આ પ્રજાતિની સારી એવી વસ્તી છે. આને વૅક્સ આઇ પણ કહે છે. સ્થાનિક માઓરી ભાષામાં આ પ્રજાતિ ટાઉહ્યુ કહેવાય છે. આનો અર્થ થાય છે અજાણ્યા અથવા નવાગંતુક, નવા આવેલા. ઇતિહાસ બે લીટીમાં. ઈસવી સન ૧૮૩૨માં પહેલી વખત અહીં દેખાયેલાં આ પક્ષીઓ, અહીંની સ્થાનિક પ્રજાતિ નથી. એક અભ્યાસ પ્રમાણે ઈ. સ ૧૮૫૬માં આ પક્ષીઓનું ખૂબ મોટું ઝુંડ વાવાઝોડામાં ફસાઈને અહીં ન્યુ ઝીલૅન્ડમાં ફંગોળાઈને આવ્યું હતું. સ્થાનિક લોકોએ આ પ્રજાતિને ઓળખ આપી અને અત્યારે આ પ્રજાતિ અહીંના સ્થાનિક પક્ષીઓની યાદીમાં જ ગણાય છે. ભારતમાં પણ આ પ્રજાતિ છે, પરંતુ અહીં આપણે એને ભારતીય વાઇટ આઇ અથવા ઓરિયેન્ટલ વાઇટ આઇ તરીકે ઓળખીએ છીએ. વડવાઓ એક, પરંતુ વંશજો થોડા-થોડા ફેરફાર સાથે આખા વિશ્વમાં પથરાયેલા જોવા મળે છે. આવું તો લગભગ દરેક પ્રજાતિઓનું જોવા મળે છે. બન્ને વૃક્ષો બેરીઓથી લચી પડેલાં હતાં અને ધ્યાનથી જોતાં ઘણાં બધાં પક્ષીઓ અહીંતહીં ઊડી રહ્યાં હતાં. કોઈની ચાંચમાં સફેદ રંગની બેરીનાં ફ્રૂટ્સ તો વળી કોઈની ચાંચમાં લાલ રંગની બેરીનાં ફ્રૂટ્સ દેખાઈ રહ્યાં હતાં. અદ્ભુત દૃશ્ય હતું. વૃક્ષની ડાળી પર બેસે, કૂદતું-કૂદતું સરકે, જ્યાં બેરીનું ઝૂમખું હોય ત્યાં પહોંચી જાય અને પછી બેરીની જ્યાફત ઉડાડે. ફોટોગ્રાફર-આત્મા જાગી ગયો. ‘થાક’ અજાણ્યો શબ્દ બની ગયો. ઝાડીની આગળ વૃક્ષની બરોબર સામે જઈને ઊભો રહી ગયો. કોઈ પણ અવરોધ ન જોઈએ. અતિશય સુંદર દેખાતા આ પક્ષીની આંખોની ફરતું એક સફેદ ચળકતું કૂંડાળું એટલે કે રિંગ હોય છે. થોડા ઘેરા લીલા રંગનું માથું અને પાંખો ધરાવતા આ પંખીનો કાંઠલો સફેદ હોય છે જે અડધા પેટ સુધી જાય છે અને પછી નીચે સુધી ઝાંખો કથ્થઈ રંગ પ્રસરેલો જોઈ શકાય છે. રંગોનાં આવાં કુદરતી સંયોજનોને કોઈ પહોંચી ન વળે. ભલભલો ચિત્રકાર પણ ચીત થઈ જાય. આવું કંઈક અલગ જ પ્રકારનું પરંતુ આંખોને શાતા પહોંચાડતું રંગોનું આ સંયોજન અતિશય આકર્ષક લાગે છે. થોડી વાર એમ ને એમ જ ઊભો રહ્યો. મારી હાજરીથી તેઓ ભયભીત ન થાય એ માટે આ જરૂરી હતું. ધીમેથી કૅમેરા કાઢ્યો અને ૪૦૦ એમએમ ટેલિલેન્સ લગાડ્યો. આંખો પર લગાવ્યો અને વળી પાછો ઊભો રહ્યો. પક્ષીઓ હાજરીથી વાકેફ હતાં, થોડી વાર પછી કોઈ ડર રહ્યો નહીં એટલે નજીક પણ આવવા માંડ્યાં. બાજુના બીજા વૃક્ષ પર લાલ રંગની બેરીઝ હતી, પરંતુ મારે તો આ પક્ષીઓના સફેદ બેરી સાથેના ફોટો જોઈતા હતા એટલે ખૂબ આરામથી ઊભો રહ્યો. પક્ષીઓની આવનજાવન વધતી ચાલી. મિત્રતા, વિશ્વાસનો એક સેતુ સ્થાપિત થતો ચાલ્યો. મેં એક પંખી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું, જે સૌથી બહાદુર હતું અને પછી એનો પીછો પકડ્યો. ખટાક ખટાક ખટાક. પૂરેપૂરી બૅટરી રીચાર્જ કરેલી એટલે એક સેકન્ડમાં ૭ ફોટો તમે લઈ શકો. જાણે ગોળીબાર જોઈ લો. નાનામાં નાની ગતિવિધિ પણ ઝડપી શકાય. પંખીની ચાંચમાં સફેદ બેરી જાણે સિલ્વર આઇ રસગુલ્લું ખાઈ રહ્યું હોય એવું લાગતું હતું. ઘણા ફોટો લીધા. હવે વારો હતો લાલબેરીવાળા વૃક્ષનો. એના પર પણ સિલ્વર આઇનો જ દબદબો હતો. સબ ભૂમિ ગોપાલ કી. લાલ બેરી સાથે પણ ફોટો લીધા. દિવસ ફળી રહ્યો હતો. હું પણ જાણે તેમનામાંનો જ એક બની ગયો હતો. કાંઈ જ ભાન નહોતું. કેટલો સમય ગયો ખબર નથી. કયો વિચાર આવીને ગયો, ખબર નથી. વિચારશૂન્ય અવસ્થા હતી, કદાચ. સંપૂર્ણ ધ્યાન એક જ વિષય પર, સિલ્વર આઇ. ધ્યાન આને જ કહેતા હશેને? મેડિટેશન કહેવાયને? માળા ગણો, કોઈ પૂજા કરો એવું જ આ હતું. આ જ અવસ્થા હતી. આનાથી વધારે પવિત્ર શું હોઈ શકે ? પક્ષીઓ સાથે નિર્મળ, પ્રેમાળ, કરુણાભીની લાગણીઓ... આનાથી વિશેષ ધાર્મિક શું કહી શકાય? કશું હોય ખરું? એકાત્મકતા, આત્મીયતા બધા શબ્દોના અર્થ સમજાઈ રહ્યા હતા. એક સંધાન, ઐક્ય રચાઈ રહ્યું હતું. પક્ષીઓના અલગ-અલગ હાવભાવ, મુદ્રાઓ કંડારવાની મજા પડી ગઈ હતી.
આ યોગ, આ અવસ્થા હજી વધુ સમય ચાલત, પરંતુ મને ખભા પર ધીમેકથી ચંપાયેલો બીનાનો હાથ કળાયો. એક હળવું દબાણ અને તેના ચહેરા પરનું સ્મિત. સમજાઈ ગયું. અહીં હું અને સિલ્વર આઇ બે જ હતા, અમે ત્રણ હતાં. તે ક્યારે આવી અને ક્યારે પાછળ ગોઠવાઈ ગઈ, ખરેખર કાંઈ ખબર જ ન પડી. અજબ કુદરત, ગજબ કુદરત. આવિર્ભાવ વધુ ઘેરો, પ્રબળ થતો ચાલ્યો. ક્વીન્સ ટાઉનનો આ છેલ્લો દિવસ ગજબનાક ફળ્યો. આ સિલ્વર આઇસ ક્યારેય ભુલાશે નહીં. અત્યારે આ લખતી વખતે પણ આંખો સામે એ તરવરી ઊઠ્યા છે, મનની ડાળીઓ ઝૂલી રહી છે, બેરીઝની જ્યાફત. શાશ્વત છાપ. ધાર્મિક હોવાના આનાથી વધારે પુરાવા શું આપું? શું કામ આપું? તાદાત્મ્ય, સમન્વય આને જ કહેતા હશે? ચોમેર એક જ ગુંજારવ. પ્રાથમિક ધોરણની એક પ્રાર્થના સ્ફુરી આવી, ‘આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ... ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ...” સિલ્વર આઇની આંખો, ઉફ્ફ. પ્રેમળનો કૉલ!!
છેલ્લા દિવસની એક અનોખી વાત સાથે પ્રવાસ વધશે આગલા પડાવ તરફ.