11 August, 2024 10:10 AM IST | Ahmedabad | Shailesh Nayak
રાત્રે લાઇટિંગમાં ઝળહળતું સાપુતારા, સાપુતારામાં મૉન્સૂન-ફેસ્ટિવલમાં યોજાતા રંગારંગ કાર્યક્રમો
ચોમાસામાં આળસ મરડીને નવયૌવનાનું સ્વરૂપ ધારણ કરતા સાપુતારા હિલ-સ્ટેશન પાસે મૉન્સૂન-મસ્તીનાં તમામ એલિમેન્ટ્સ છે. ઝરણાં, ધોધ, ખળખળ વહેતી નદીઓ સાથે સાંસ્કૃતિક ડાંગી નૃત્ય અને આદિવાસી વાનગીઓનો લુત્ફ. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગયા અઠવાડિયે શરૂ થયેલો આ ફેસ્ટિવલ ૨૮ ઑગસ્ટ સુધી ચાલવાનો છે
દરિયાની સપાટીથી ૩૦૦૦ ફુટની ઊંચાઈએ આવેલા ડાંગ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ હિલ-સ્ટેશન સાપુતારામાં આજકાલ સહેલાણીઓ ઊમટી રહ્યા છે અને પ્રકૃતિના ખોળે કુદરતના નઝારાનો સાક્ષાત્કાર થતાં મોજે મોજ પડી ગઈ છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાપુતારા મેઘ-મલ્હાર પર્વ ચાલી રહ્યું છે. રીમઝીમ વરસાદી માહોલ વચ્ચે અંગેઅંગમાં રોમાંચ પ્રસરાવતી આ મસ્ત મોજીલી ચોમાસાની ઋતુમાં સાપુતારાએ આળસ મરડી નવયૌવનાનું સ્વરૂપ ધારણ કર્યું છે. એને કારણે અત્યાર સુધીમાં આ પર્વમાં લગભગ એક લાખથી વધુ સહેલાણીઓ આ હિલ-સ્ટેશન, ઝરણાં, ધોધ, ડાંગી નૃત્યો સહિતના કાર્યક્રમો સાથે અનેક આકર્ષણોનો રોમાંચ માણી ચૂક્યા છે અને હજીયે સહેલાણીઓનો ધોધ ચાલુ જ છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો.
ચારેતરફ લીલી ચાદર ઓઢીને અપ્રતિમ સૌંદર્ય સાથે આભને આંબવા મથતા ડુંગરોની હારમાળા વચ્ચે પ્રકૃતિની ગોદમાં અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓ નવયૌવનાની જેમ ખળખળ વહી રહી છે એ જોવાનો લહાવો અકલ્પનીય છે તો ગીરા ધોધ તેમ જ ગીરમાળ ધોધ પરથી પડતા પાણીનો અવાજ તમને રોમાંચ કરાવી દેશે અને ખળખળ વહેતાં અનેક ઝરણાંનો અલૌકિક નઝારો તમારી આંખોને ઠંડક આપશે. રંગારંગ નૃત્યો, મકાઈની મોજ અને મોસમનો મિજાજ આકર્ષણ બન્યાં છે તો ડાંગી સહિતનાં સ્થાનિક નૃત્યોની રમઝટની સાથે આદિવાસીઓની હસ્તકલાની આઇટમો તેમ જ આદિવાસી સમાજની પરંપરાગત રસોઈનો રસથાળ સહેલાણીઓને દીવાના બનાવી રહી છે.
સનસેટ પૉઇન્ટનો નઝારો માણતા સહેલાણીઓ.
૨૯ જુલાઈએ શરૂ થયેલા અને ૨૮ ઑગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ડાંગના સહાયક માહિતી નિયામક મનોજ ખેંગાર કહે છે, ‘દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલમાં આ વર્ષે ખાસ કરીને વીક-એન્ડ પર શુક્ર, શનિ અને રવિવારે સહેલાણીઓ ઊમટી રહ્યા છે. ગયા વર્ષે સાપુતારામાં અંદાજે ૧૩ લાખ જેટલા વિઝિટર્સ આવ્યા હતા જે પૈકી અઢી લાખ લોકો તો ખાલી મૉન્સૂન ફેસ્ટિવલમાં જ આવ્યા હતા. હાલમાં ચાલી રહેલા મૉન્સૂન ફેસ્ટિવલમાં અત્યાર સુધીમાં અંદાજે એક લાખ સહેલાણીઓ આવી ગયા છે. ગુજરાત ઉપરાંત મુંબઈ અને દેશ તેમ જ વિદેશના સહેલાણીઓ પણ આ મૉન્સૂન સીઝનમાં હિલ-સ્ટેશન પરના માહોલને માણવા આવે છે. આ વખતે પ્રવાસીઓ વધે એવું જણાઈ રહ્યું છે. અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિને જોડીને કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. સ્થાનિક કલાકારો દ્વારા ડાંગી નૃત્ય, પાવરી, કહાડિયા, તુર સહિતનાં સ્થાનિક નૃત્યોની એક પછી એક પ્રસ્તુતિ રોજેરોજ થઈ રહી છે અને સહેલાણીઓ નિરાંતે આ કાર્યક્રમ માણી શકે એ માટે ખાસ ડોમ બનાવ્યો છે જ્યાં તેઓ ફ્રીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈ રહ્યા છે. રાગી તેમ જ નાગલી સહિતનાં અહીંનાં પરંપરાગત ધાન્યમાંથી બનતી રસોઈ સહેલાણીઓને આકર્ષી રહી છે તો આ ધાન્યમાંથી બનતાં લાડુ, પાપડ, શીરો, બિસ્કિટ સહિતની પ્રોડક્ટ્સ પણ સહેલાણીઓને પસંદ પડતાં તેમ જ હસ્તકળાની વિવિધ પ્રોડક્ટ્સના વેચાણથી સ્થાનિક લોકોને રોજગારીનો મોટો અવસર મળ્યો છે.’