હસનામ્બા ભક્તોને આખા વર્ષમાં ફક્ત ૮થી ૧૫ દિવસો જ દર્શન આપે છે

02 November, 2023 03:56 PM IST  |  Mumbai | Alpa Nirmal

કર્ણાટક રાજ્યના હાસન શહેરમાં આવેલું આદ્યશક્તિનું મંદિર આજે જ ખૂલ્યું છે અને ૧૫ નવેમ્બરે મંગલ થઈ જશે તે છેક આવતી દિવાળી પૂર્વે ખૂલશે

હસનામ્બા મંદિર

આજનું તીર્થાટન વાંચ્યા પછી તમને ૧૫ નવેમ્બર પહેલાંની બૅન્ગલોર અથવા મૅન્ગલોરની ટિકિટ કઢાવવાનું મન થશે, કારણ કે આ મેગા સિટી અને મેટ્રો સિટી વચ્ચે આવેલા હાસનમાં હસનામ્બા માતાનું પ્રાચીન મંદિર છે, જે આખા વર્ષમાં માત્ર ૮થી ૧૫ દિવસ જ ખુલ્લું રહે છે.

ભારત ગજબની અજાયબીઓનો દેશ છે. અહીંના દરેક પ્રદેશના આગવા ચમત્કારો છે, રહસ્યો છે, મર્મ છે. એમાંય આ ભૂમિ પરનાં કેટલાંક મંદિરોની કથા તો પારલૌકિક જ છે જાણે. જુઓને, ક્યાંક પૂજારી શિવાલય ખોલે એ પૂર્વે ભોળિયા શંભુ પુજાયેલા હોય છે તો ક્યાંક સમયસર ભોગ ન મળે ને ક્ષણવારમાં વિષ્ણુ પાતળા થઈ જાય છે. અરે એટલી પળોમાં તેમના શરીર પરનાં ઘરેણાં, વસ્ત્રો ઢીલાં થઈ સરકવા લાગે છે બોલો! ક્યાંક તો વળી હાર્ટબીટથી ચાલતી ઑટોમૅટિક ઘડિયાળ ભગવાનના કાંડે ટકાટક ચાલે છે ને સાચો ટાઇમ પણ બતાવે છે. વળી ક્યાંક ભૂતળમાંથી પરપોટા રૂપે ઉદ્ભવેલા શિવલિંગને ગણતાં દરેક વખતે એની સંખ્યા અલગ-અલગ આવે છે. વેલ, આવાં જ અલૌકિક મંદિરોની શૃંખલામાં આવે છે હસનામ્બા મંદિર. આ મંદિરની મિસ્ટરી એ છે કે ૮-૧૦ દિવસો ખુલ્લું રહ્યા બાદ જ્યારે ટેમ્પલ એક વર્ષ માટે બંધ કરવામાં આવે છે ત્યારે માતાજી સમક્ષ પ્રજ્વલિત કરેલો નદાદીપમ્ (દીપક) નેક્સ્ટ યર મીન્સ સાડાત્રણસો દિવસોથી વધુ સમય બાદ પણ ઝળહળતો રહે છે, માઈને ધરાવેલો અન્ન નૈવિદ્યમ્ (ભાત) પણ બગડતો નથી અને એથી પણ મોટો ભેદ એ કે માતાજીને કરાયેલા શણગારનાં ફૂલો પણ કરમાયાં હોતાં નથી.

યસ, આવો છે હસનામ્બા માતાનો પ્રતાપ. એટલે જ આ આઠ-દસ દિવસોમાં દેશ-વિદેશથી લાખો માઈભક્તો માતાને મત્થા ટેકવા આવે છે.

કર્ણાટક રાજ્યનો બેલૂર, હાસન, ચિકમગલુરનો આખો વિસ્તાર આમ તો ટેમ્પલ અને ટુરિસ્ટ સર્કિટ. ૧૧મી ને ૧૨મી સદીમાં અહીં હોયસલ રાજકુળની સલ્તનત. દક્ષિણ ભારતમાં પશ્ચિમી ઘાટથી લઈ પૂર્વીય તટ સુધી તેમનું રાજ્ય વિસ્તર્યું હતું. આજના કર્ણાટક, ઉત્તર પશ્ચિમી તામિલનાડુ, વેસ્ટ આંધ્ર પ્રદેશના કેટલા હિસ્સાઓ ઉપર હોયસલ શાસકોએ રાજ કર્યું હતું. ૧૦મી સદીથી ૧૩મી સદીના મધ્ય ભાગ સુધી આ કુળના મુખ્ય ૧૧ સમ્રાટો થઈ ગયા જેમણે દક્ષિણ ભારતીય કળા, વાસ્તુકળા અને ધર્મના વિકાસમાં અદ્વિતીય ફાળો આપ્યો છે. આ કાળમાં અહીં જૈન અને વૈષ્ણવ સંપ્રાદય પણ ખૂબ ફૂલ્યાફાલ્યા હતા. હોયસલ સામ્રાજ્યએ ખરેખર, ભારત દેશની ધરોહરને સમૃદ્ધ બનાવવાનું વિરલ કાર્ય કર્યું છે. તેમણે કોતરણીયુક્ત અદ્ભુત સેંકડો મંદિરો બનાવડાવ્યાં છે, જેમાંનાં ૧૦૦ જેટલાં મંદિરો તો આજે પણ અડીખમ ઊભાં છે અને એમાંનું જ એક મંદિર છે હસનામ્બા ટેમ્પલ, જે ૧૨મી શતાબ્દીમાં બન્યું છે. જોકે એ વિશે મતાંતર છે કે આ હોયસલ રાજાઓએ નિર્માણ કરાવ્યું છે કે અન્ય કોઈએ? પરંતુ એ હકીકત છે કે મંદિર છે તો હજાર વર્ષ પૂર્વેનું જ. અને જ્યારથી મંદિર બનાવાયું છે ત્યારથી એ દર વર્ષે શરદપૂનમ બાદના પહેલા ગુરુવારે ૮થી ૧૫ દિવસો માટે જ ખૂલે છે અને વર્ષના બાકીના દિવસો બંધ રહે છે ને ૧૦ સદીઓથી આ પરંપરા અચૂકપણે પળાય છે.

પરંતુ આવી પરંપરા કેમ? શા માટે માતા વર્ષના ૩૬૫ દિવસમાંથી માત્ર ૮થી ૧૫ દિવસો જ દર્શન આપે? વેલ, એનો જવાબ તો શાસ્ત્રોમાંથી ન સાંપડ્યો, પરંતુ સ્થાનિક ભક્તના કહેવા અનુસાર આ પ્રથા એટલે હોઈ શકે કે સપ્તસતી ગણાતાં સાત મહાશક્તિ ઉત્તર ભારતથી આ બાજુ ફરવા નીકળ્યાં હતાં. એમાં હાસન અને એની આજુબાજુનો હરિયાળો વિસ્તાર માતૃશક્તિઓને ખૂબ ગમી ગયો. આથી હાસનમાં ત્રણ દેવીઓ સ્થિર થઈ ગયાં અને બાકીનાં ચાર માતાશ્રીએ નજીકના બીજા એરિયામાં નિવાસ કર્યો. આમ તેઓ આરામ અર્થે અહીં આવ્યાં હોવાથી થોડા દિવસો જ ભાવિકો માટે ઉપલબ્ધ રહે છે, બાકીનો ટાઇમ તેમનો મી ટાઇમ. ખેર, આ તો એક વાયકા માત્ર છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે લિમિટેડ ટાઇમ પિરિયડમાં દર્શન આપતાં હોવા છતાં હસનામ્બા માતા પરત્વે ભાવિકોની આસ્થા જરાય કમ થતી નથી.

સપ્ત માતૃકાઓ કોણ છે એની ટૂંકમાં વાત કરીએ અને પૌરાણિક સમયમાં ઊપડીએ. એ કાળમાં અંધકાસુર નામે રાક્ષસ હતો, જેણે કઠોર તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થઈ પ્રગટ થયેલા બ્રહ્માજીએ અંધકાસુરને જોઈતું અજેય રહેવાનું વરદાન આપી દીધું. ને હંમેશાં વિજયી રહેવાના વરને કારણે અંધકાસુરે પૃથ્વીલોકમાં તો ખરો જ પણ દેવલોકમાં પણ ઉત્પાત મચાવી દીધો. ત્યારે દેવો અને માનવોની વિનંતી ધ્યાનમાં રાખીને શંકર ભગવાને તેને મારવા શસ્ત્ર ઉપાડ્યું, પરંતુ હજી તો એ શસ્ત્રની ધાર અસુરને અડી ને અંધકાસુરના શરીરમાંથી લોહીનાં ટીપાં પડ્યાં ત્યાં તો એ દરેક રક્તબીજમાંથી એક-એક વિકરાળ રાક્ષસ ઉત્પન્ન થતો ગયો અને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. આથી પાર્વતી પતિએ અંધકાસુરનો નાશ કરવા આઇડિયા કર્યો. તેમણે પોતાની જ શક્તિઓથી યોગેશ્વરી નામક દેવીનું નિર્માણ કર્યું અને એ યોગેશ્વરી માતા તેમ જ બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, ઇન્દ્રાણી અને ચામુંડી એ સપ્ત માતૃકાઓએ અંધકાસુરનો વધ કર્યો અને દેવલોકના દેવો તથા પૃથ્વીલોકના માનવોને બચાવ્યા.

દાનવનો વધ કર્યા બાદ એ સપ્ત માતૃકાઓ વારાણસીથી દક્ષિણ તરફ યાત્રા કરવા આવ્યાં. અહીં તેમને સુંદર જંગલ દેખાયું અને આ જગ્યાની ખૂબસૂરતીથી આકર્ષાઈ તેમણે આ સ્થાને રહી જવાનું નક્કી કર્યું. સપ્ત માતૃકાઓમાંથી ચામુંડી માતા, વારાહી મા અને ઇન્દ્રાણી દેવીએ હાસનની નજીક દેવીગેરેના કૂવામાં નિવાસ કર્યો. બ્રાહ્મી માતા હાસનના આઉટસ્કર્ટ્સમાં આવેલા કેચમ્મના હોસકોટમાં બિરાજમાન થયાં; જ્યારે વૈષ્ણવી, માહેશ્વરી તેમ જ કૌમારી માતા હાસનમાં પીંડી સ્વરૂપે બિરાજ્યાં. જમ્મુના કટરામાં જેમ માતાની પીંડી છે એ જ રીતે અહીં પણ ક્રમબદ્ધ ત્રણેય માતા પ્રતિષ્ઠિત છે. એની ઉપર ચક્ષુ-નેણ, તિલકનો શણગાર છે તેમ જ ચાંદીના બે હાથ પણ લગાડ્યા છે. દ્રવિડિયન સ્ટાઇલનું આ મંદિરનું ગોપુરમ અન્ય દક્ષિણ ભારતીય મંદિરોની જેમ રંગબેરંગી છે, પરંતુ આ એન્ટ્રી ગેટની બહારની દીવાલ ગળીના રંગની છે જે રિયલી અટ્રૅક્ટિવ લાગે છે. આ નાનકડાં મંદિરોમાં સ્તંભો સહિતનો રંગમંડપ વટાવતાં એનાથીયે નાનું ગર્ભગ્રહ છે, જેમાં માતા હસનામ્બા હળવું સ્મિત કરી રહ્યાં હોય એવાં ભાસે છે.

આગળ કહ્યું એમ એક આખું વર્ષ બંધ મંદિરમાં ઘીનો દીપક અવિરત ચાલે છે. માતાને ચડાવેલાં ફૂલો ફ્રેશ રહે છે. તેમ જ અન્ય બે ચમત્કારોની કિંવદંતીઓ પણ આ માતૃમંદિર સાથે જોડાયેલી છે. કહેવાય છે કે સદી પૂર્વે અહીંની એક સ્થાનિક મહિલા માતાની પરમ ભક્ત હતી. દરરોજ માતાનાં દર્શને આવતી, પૂજાઅર્ચના કરતી અને પ્રાર્થના કરતી. એ બહેનનું મંદિરે જવું તેનાં સાસુને ગમતું નહોતું. આથી એક દિવસ સાસુ તેની વહુની પાછળ-પાછળ મંદિરે આવી અને પુત્રવધૂને દૈવી શક્તિની પૂજા કરતાં જોઈ ક્રોધમાં એક કઠોર વસ્તુ ઉપાડી વહુ ઉપર પ્રહાર કરી દીધો. ત્યારે વહુએ મદદની ગુહાર લગાવી અને માતાએ કોપાયમાન થઈ એ સાસુને પથ્થર બનાવી દીધી. આ શિલા આજે પણ મંદિરની અંદર છે અને કહે છે કે એ હરેક વર્ષે એક મિલીમીટર માતાની તરફ આગળ વધી રહી છે.  ભક્તો માને છે કે જ્યારે આ શિલા ગર્ભગ્રહ સુધી પહોંચશે ત્યારે કળિયુગનો અંત થઈ જશે. એ સાથે જ બીજી દંતકથા અનુસાર એક વખત ચાર ચોરોએ માતાનાં આભૂષણો ચોરવાની ચેષ્ટા કરી હતી. તેમને પણ માતાએ પથ્થર બનાવી દીધા. આ પથ્થરો કલ્લપ્પન મંદિર નજીક મુકાયા છે. મંદિરની બાજુમાં ૧૦૧ લિંગવાળું સિદ્ધેશ્વર મંદિર છે, જે અર્વાચીન છે. પરંતુ અહીંનાં કેટલાક સ્ટોન વર્ક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીં એક નવ માથાળા રાવણનું સ્થાપત્ય છે. વીણાવાદન દ્વારા પ્રભુની ભક્તિ કરતાં જ્યારે વીણાનો તાર તૂટી જાય છે ત્યારે રાવણ પોતાના હાથની નસ ખેંચી એ વીણામાં જોડી એનાથી સંગીત ઉત્પન્ન કરે છે એ દૃશ્ય અહીં મૂર્તિમાં આબેહૂબ કંડારાયું છે. આ મૂર્તિમાં વીણાની ઉપર મસ્તક બતાવાયું છે.

હાસન પહોંચવું સાવ સરળ છે. મુંબઈથી અર્સિકેરે જંક્શન સુધી ટ્રેન જાય છે અને ત્યાંથી ૪૪ કિલોમીટરના અંતરે છે હસનમ્બા. હવાઈ જર્ની કરો તો મુંબઈ ટુ બૅન્ગલોર અથવા મૅન્ગલોરની વિમાની સેવા લઈ શકાય. આઇટી ટાઉનથી મંદિરનું ડિસ્ટન્સ ૧૮૨ કિલોમીટર અને કૉફી ઍન્ડ કૅશ્યુ નટ્સની નિકાસ માટે જાણીતા મૅન્ગલોરથી ૧૭૧ કિલોમીટર રહેવા માટે હાસનમાં ખૂબ બધી હોટેલ્સ છે, કારણ કે આ સિટી અનેક એજઓલ્ડ ટેમ્પલ્સ માટે વલ્ડ ફેમસ છે. વળી તે દરિયાની સપાટીથી ૩૧૨૦ ફીટ ઊંચે હોવાથી અહીંનું વાતાવરણ પણ આહ્લાદક રહે છે. ફૂડ ઇઝ નો પ્રૉબ્લેમ ઍટ ઑલ. ઇડલી, ઢોસા, વડાં, સંભાર ઇઝ ઓસમ અને સીઝનનાં તાજાં ફળોની પણ અહીં ભરમાર રહે છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

હાસનના હસનામ્બા મંદિર સાથે લક્ષ્મી નરસિંહા મંદિર, કેદારેશ્વર મંદિર પણ પ્રાચીન અને સુંદર છે તો નજીકમાં મોસાલેનું હોયસલા મંદિર તો બેનમૂન છે. આ વિસ્તારમાં અનેક દિગંબર પ્રાચીન જૈન મંદિરો છે, જે દર્શનીય છે.

હાસનથી ૩૮ કિલોમીટર દૂર આવેલું બેલૂર તો દક્ષિણ ભારતનું વારાણસી કહેવાય છે. અહીંની હર એક સડક એક પૌરાણિક મંદિર તરફ લઈ જાય છે. વિષ્ણુને સમર્પિત ચેન્નાકેશવ મંદિર તેમ જ વૈષ્ણવ સંપ્રદાયના રામાનુજાચાર્ય દ્વારા પ્રેરિત તીર્થ હોવાથી બેલૂરને વૈકુંઠ પણ કહે છે.

ચિકમંગલુર એક મસ્ત લિટલ હિલ-સ્ટેશન છે. કૉફીના બાગાન અને રેઇન ફૉરેસ્ટથી આચ્છાદિત આ ગિરિમથક હાસનથી ૬૧ કિલોમીટર દૂર છે જે ફૅન્ટૅસ્ટિક હૉલિડે ડેસ્ટિનેશનની ગરજ સારે છે.

હસનમ્બા મંદિરના ખૂલવાના પહેલા અને છેલ્લા દિવસે સામાન્ય યાત્રાળુઓને માતાનાં દર્શન નથી થતાં. આ બેઉ દિવસે ખાસ મુહૂર્તે મંત્રોચ્ચાર, સંગીત અને શ્રેષ્ઠીઓ, રાજદ્વારીઓની હાજરીમાં પૂજારીઓ મંદિરનાં દ્વાર ઉઘાડે અને વાસે છે. એમાંય ક્લોઝિંગ સેરેમની વખતે ગર્ભગૃહના દરવાજાનો આગળિયો લગાવી એમાં ખાસ પ્રકારનો મોટો ખિલ્લો નાખી એને બાકાયદા સીલ કરાય છે, જે નેક્સ્ટ યર ખોલાય છે.

૧ હજાર ૪૨ વર્ષની પ્રાચીન, એક જ પથ્થરમાંથી કંડારેલી ૫૭ ફીટની જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવના પુત્ર બાહુબલીની ફ્રી સ્ટૅન્ડિંગ મૂર્તિ હાસનથી ૫૩ કિલોમીટર દૂર શ્રવણબેલગોલામાં છે. ડૂ નૉટ મિસ ધિસ દર્શન.

travel travelogue travel news culture news bengaluru karnataka columnists life and style alpa nirmal