નળના નગરમાં શનિમંદિર

29 December, 2024 07:44 PM IST  |  Thiruvananthapuram | Alpa Nirmal

તીર્થાટનમાં નવગ્રહ ટેમ્પલ સર્કિટની યાત્રા શરૂ થઈ છે ત્યારથી વાચકોની ક્વેરી આવી રહી છે કે આ ટુર બે દિવસમાં થઈ જાય? યસ, બે દિવસમાં નવેનવ ગ્રહમંદિરનાં દર્શન થઈ તો જાય

થિરુનલ્લાર શનિશ્વરન મંદિરનું ગોપુરમ.

તીર્થાટનમાં નવગ્રહ ટેમ્પલ સર્કિટની યાત્રા શરૂ થઈ છે ત્યારથી વાચકોની ક્વેરી આવી રહી છે કે આ ટુર બે દિવસમાં થઈ જાય? યસ, બે દિવસમાં નવેનવ ગ્રહમંદિરનાં દર્શન થઈ તો જાય, એકાદ-બે ગ્રહોની સ્પેશ્યલ પૂજા પણ થઈ જાય અને કદાચ વેરી ઇમ્પોર્ટન્ટ અને પવિત્ર સરોવરમાં ડૂબકીયે લગાવાઈ જાય, પરંતુ આ મંદિરોની આજુબાજુમાં આવેલાં પૌરાણિક, ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતાં દેવાલયો છૂટી જાય. એ સાથે જ હઈસો-હઈસો કરવામાં આ ગ્રહમંદિરોની અલભ્ય કલાકૃતિઓ, પદચિત્રો કે ઈવન વિવિધ કથાઓ પણ જાણવાનું રહી જાય. અને એથી યે મહત્ત્વનું, જે-તે મંદિરોની અલૌકિક ઑરામાં તરબતર થવાનું તો ચૂકી જ જવાય, કારણ કે આપણું મગજ નેક્સ્ટ ડેસ્ટિનેશને પહોંચવાની ઉતાવળમાં હોય.

ખેર, છતાંય જેવી જેની અનુકૂળતા. બે દિવસનો સમય કાઢો કે અઠવાડિયું પણ તમારા વન્સ ઇન લાઇફ ટાઇમ લિસ્ટમાં આ અદ્ભુત દેવળોનો સમાવેશ ચોક્કસ કરજો અને આ મંદિરો સાથે નજીકમાં જ આવેલાં અન્ય તીર્થસ્થળોએ પણ જવાનું આયોજન કરજો. ઍક્ચ્યુઅલી આ સર્કિટ કુંભકોણમ, તાંજાવુર અને ચિદંબરમ જેવાં શહેરોની આજુબાજુ આવેલી છે. કુંભકોણમમાં તો દક્ષિણ ભારતનું ટેમ્પલ સિટી છે. અહીં ૧૮૮ જેટલાં મંદિરો છે અને બધાં જ શક્તિશાળી છે. તો તાંજોરનાં ત્રણ ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ્સ તેમ જ અહીંની આર્ટ ફૉરેન ટૂરિસ્ટોને મોટા પ્રમાણમાં આર્કષે છે. ઍન્ડ ચિદંબરમનું તો નામ જ ચેતનવંતું છે. ચિદ્ મીન્સ ચિત્ત મીન્સ ચેતના અને અંબરમ એટલે આકાશ. વેદો કહે છે દરેક જીવનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ. અર્થાત્ સર્વોચ્ચ તથા સદૈવ અને ચિરંજીવ આનંદમાં રહેવું, એ અહીંનાં મંદિરોનાં દર્શનમાત્રથી મળે છે.

લેટ્સ ગેટ બૅક ટુ નવગ્રહ ટેમ્પલ. અને આજે આપણે શનિદેવના મંદિરની માનસ યાત્રા કરીશું.

થિરુનલ્લાર શનિશ્વરન મંદિર

તમને નળ-દમયંતીની કથા યાદ છે? નિષધ દેશના રાજા વીરસેનનો પુત્ર નળ અને વિદર્ભ દેશના રાજા ભીમની કુંવરી દમયંતી બેઉ એવાં સુંદર હતાં કે એકબીજાને જોયા વગર ફક્ત તેમની સુંદરતાની વાતો જાણી પ્રેમમાં પડી ગયાં. પ્રેમ તો થઈ ગયો હતો પણ એ કાળના રિવાજ અનુસાર રાજકુંવરી દમયંતીનો સ્વયંવર રચાયો. અને એ સુંદરીને પરણવા અસુરો, અનેક રાજકુમારો, દેવલોકના ઇન્દ્ર, વરુણદેવ, અગ્નિદેવ તથા યમ પણ સ્વયંવરમાં પધાર્યા અને તેમણે પણ નળ જેવું જ રૂપ ધારણ કર્યું. સભામાં એકસરખા પાંચ પુરુષોને જોઈ કુંવરીબા કન્ફ્યુઝ તો થઈ ગયાં, પરંતુ દૈવીય કૃપાથી અસલી નળને ઓળખી તેના પર પસંદગીનો કળશ ઢોળ્યો.

શનિ મહારાજ

બેઉના વિવાહ થઈ ગયા અને દમયંતી રાણી બની શ્વશુર ગૃહે પધાર્યાં. પણ સ્વયંવરમાં પધારેલા અસુર કાલિને દમયંતીએ નળને પસંદ કર્યો એનો ભારે ખટકો હતો. આથી તેણે નળ સાથે બદલો લેવાનું વિચાર્યું. નળ અને તેનો નાનો ભાઈ પુષ્કર જૂગટું ખેલવા બેઠા ત્યારે કાલિએ પોતાની માયાવી શક્તિથી પાસા બદલી નાખ્યા અને નળ-દમયંતીએ રાજ્ય સહિત બધું છોડવું પડ્યું. દુષ્ટ કાલિએ આટલેથી જ ન સંતોષ નહોતો માન્યો. તેણે નળના શરીરમાં પ્રવેશી તેની મતિ ભ્રષ્ટ કરી નાખી અને નળ પત્ની-બાળકોને જંગલમાં નિરાધાર છોડી ચાલ્યો ગયો. રાણી દમયંતીએ તો જાતજાતની યાતના વેઠી અને લાંબા સમય બાદ અથડાતાં-કુટાતાં પિતાજીના રાજ્યમાં પંહોચી. આ બાજુ કાલિએ પણ નળ ઉપર અનેક ઉપસર્ગો કર્યા. એક વખત તો તેને આગમાં હોમી દીધો. એ આગમાંથી કટ્ટકોટક નામે સાપે તેને બચાવ્યો પણ એણે નળને દંશ  મારી દીધો. સર્પદંશથી કાળો અને કદરૂપો થઈ ગયેલો રાજકુમાર નળ ઑલરેડી મતિભ્રમ તો હતો જ. અથડાતો-કુટાતો આજના થિરુનલ્લાર ગામે પહોંચ્યો. અહીં આવેલા તળાવમાં સ્નાન કર્યું અને ધર્મના અડાબીડ અરણ્યમાં એક શિવલિંગ સાંપડતાં એની આજુબાજુની જમીન સાફ કરી આશુતોષની પૂજા કરી.

અને અહો આશ્ચર્યમ્ નળ પહેલાં  જેવો જ બુદ્ધિમાન અને સુંદર થઈ ગયો. ફરીથી તેનામાં દેવતાઓ દ્વારા પ્રદાન કરેલી શક્તિઓ આવી ગઈ. આ બાજુ નળની ખોજમાં શ્વશુર ભીમે દીકરી દમયંતીનો ફરી સ્વયંવર ગોઠવ્યો, જેની નળને ખબર પડી અને અન્ય રાજાઓની મદદથી તે ફરી સ્વયંવર માટે ગયો... ઍન્ડ ધે લીવ્ડ હૅપીલી એવર આફ્ટર.

હવે, આજે આ કથામાં મુખ્ય નાયક છે થિરુનલ્લારનું પેલું સરોવર. દક્ષિણ ભારતનાં પુરાણો કહે છે, ‘નળની ઉપર આટલી આપત્તિ આવવાનું કારણ શનિની સાડાસાતી હતી અને તેણે અહીં સ્નાન કર્યું એથી શનિદેવે તેની પીડા પૂર્ણ કરી નાખી. બસ, એ જ શ્રદ્ધા સાથે અહીં દરરોજ સેંકડો ભાવિકો સ્નાન કરે છે અને દર્ભણ્યેશ્વરને મત્થા ટેકે છે. શનિવારે તો અહીં મંગળવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં થાય એટલી ભીડ હોય છે. અહીંના પૂજારીઓ કહે છે કે આ સ્થળે શનિશ્વરન પૂર્ણ પાવર સાથે ઉપસ્થિત છે એટલે ભક્તોની વિપદા તરત પૂર્ણ થાય છે. પવિત્ર મંદિરના નલતીર્થમ નામે સરોવરમાં સ્નાન કરવાથી તો ગયા જન્મના પાપને કારણે આ જન્મમાં આવતું કષ્ટ, દુર્ભાગ્ય પણ નાશ પામે છે.’

ગોલ્ડન કાગડો પણ અહીં પૂજાય છે.

આ મંદિરમાં બિરાજમાન શિવલિંગનું નામ છે દર્ભણ્યેશ્વર કારણ કે એક સમયે આ વિસ્તાર દર્ભ (એક પ્રકારનું ઘાસ)નું જંગલ હતું. એ દર્ભનાં નિશાન આજે પણ લિંગ પર જોવા મળે છે. મંદિરના મુખ્ય દેવતા ભગવાન ભોલેનાથ હોવા છતાં અહીં પહેલાં શનિદેવનાં દર્શન, પૂજા કર્યા બાદ ભંડારીબાબા પાસે જવાનું રહે છે.

ઇતિહાસ જણાવે છે કે સાતમી શતાબ્દીમાં જ્યારે આ વિસ્તારમાં જૈન ધર્મ વ્યાપક બન્યો હતો. રાજા, પ્રજા સહિત સર્વે જૈનિઝમનું પાલન કરી રહ્યા હતા ત્યારે પાંડિયર સામ્રાજ્યના શિવપંથી રાણી મંગૈયારકરસી અને મંત્રી કુલચ્ચિરાઈ નાયનારે યુવા સંત તિરુજ્ઞાન સંબદરને પોતાના રાજ્યમાં બોલાવ્યા અને સ્થાનિક પ્રજાને ફરીથી શૈવધર્મમાં જોડી હતી.

આમ તો અહીંનું લિંગ સ્વયંભૂ છે અને કહે છે કે એ નળરાજાને જ દર્ભના વનમાંથી મળ્યું હતું. નળે જ સૌપ્રથમ આ કૈલાસપતિની અર્ચના કરી હતી. તો અન્ય કથા મુજબ એક ગોવાળને આ લિંગમ સાંપડ્યું હતું. જ્યારે તે રાજાની ગાય ચરાવવા જતો અને એક ગાય દરરોજ અહીં પોતાના દૂધની ધારાથી અભિષેક કરતી. ગાયને પરત રાજમહેલમાં લાવતાં એ દૂધ નહોતી આપતી. આ કારણથી રાજાએ ગુસ્સે થઈ ગોવાળને મૃત્યુદંડ આપ્યો. ત્યારે ગોવાળે શિવશંભુને પ્રાર્થના કરતાં ક્યાંકથી ત્રિશૂળ આવી ચડ્યું અને ગોવાળની સજા રોકાઈ ગઈ. જ્યાં ત્રિશૂળ પડ્યું હતું ત્યાં આજે વેદી અને ધ્વજદંડ છે.

હવે અત્યારના મંદિરની વાત કરીએ તો બે એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ કૅમ્પસમાં પ્રવેશવા પાંચ સ્તરીય ગોપુરમમાંથી પસાર થવાનું રહે છે. કૅમ્પસમાં દર્ભણ્યેશ્વર ઉપરાંત પ્રાણેશ્વરી અમ્મન (પાર્વતી માતા) શનિદેવ, ભૈરવ, સોમસ્કંદ (શંકર-પાર્વતી-કાર્તિક સ્વામીનું સંયુક્ત રૂપ)ના મંદિર સિવાય અનેક નાનાં મંદિરો છે. આ કૅમ્પસમાં શનિ મહારાજના વાહન કાગડાનું પણ મંદિર છે અને લોકોને એના પર પણ એટલીબધી શ્રદ્ધા છે કે ભક્તોએ એ કાગડાને સોનું ભેટ કરી એને ગોલ્ડન ક્રો બનાવી દીધો છે.

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (પોન્ડિચેરી) રાજ્યના કરાઇકલ જિલ્લામાં આવેલા આ ગામનું નામ પણ નળરાજાના નામ પરથી પડ્યું છે થિરુ+નલ્લાર = થિરુનલ્લાર. મંદિરમાં શનિવાર ઉપરાંત સોમ અને મંગળવારે પણ મોટી માત્રામાં ભક્તોની અવરજવર રહે છે. તેમ જ ચતુર્થી, પૂર્ણિમા, અમાસ, શિવરાત્રિએ પણ ખાસ અનુષ્ઠાનો કરવામાં આવે છે. હા, શનિ દર અઢી વર્ષે રાશિ બદલતો હોવાથી એ દિવસે તો અહીં વિશિષ્ટ ઉત્સવમ્ હોય છે. ટેમ્પલ કૉમ્પ્લેક્સમાં જ વિરાટ નળતીર્થમ્ નામે સરોવર છે. એની ચારે બાજુ નહાવા માટેનાં પગથિયાં છે. કુંડની મધ્યમાં એક મંડપ જેવું છે જેમાં નળ-દમયંતી અને તેમનાં બાળકોની મૂર્તિ છે. આ તળાવમાં નહાવાનું બહુ મહત્ત્વ હોવાની સાથે જૂનાં કપડાં ત્યાં જ છોડી દેવાની પરંપરા છે. આથી મંદિરના ઘાટ પર દરેક દિશાએ કપડાં નાખવા સારુ લોખંડનાં મોટાં જાળીદાર બૉક્સ બનાવવામાં આવ્યાં છે. પણ કાગડા બધે કાળા જ હોય એ ન્યાયે લોકો જ્યાં-ત્યાં કપડાં નાખીને જતા રહે છે. જોકે મંદિર તરફથી એ પગથિયાંની રેગ્યુલર સફાઈ થાય છે એટલે ઘાટ અને પાણી બેઉ બહુ ખરાબ નથી હોતાં.

બારમી સદીમાં બનેલા આ મંદિરનો પ્રદક્ષિણા પથ બહુ પહોળો છે. એની સીલિંગ પર કલરફુલ તૈલચિત્રો વડે નળરાજાની સ્ટોરી ચિત્રિત કરવામાં આવી છે. લાઇફ સાઇઝનાં આ ચિત્રો ખરેખર જીવંત છે, પરંતુ ફોટોગ્રાફી અલાઉડ ન હોવાથી મેમરી રૂપે સાથે લાવી શકાતા નથી. પરિક્રમા પથ પર નળનારાયણ, નાગદેવતા, મહાલક્ષ્મી માતા, ૬૩ સંતોની મૂર્તિઓ સહિત અનેક મૂર્તિઓ છે; જે દર્શનીય છે.

પુડુચેરીમાં હોવા છતાંય થિરુનલ્લાર કુંભકોણમથી ૫૩, તંજાવુરથી ૮૨ અને પુડુચેરીથી ૧૩૧ કિલોમીટર છે. એટલે જ મુંબઈથી ડાયરેક્ટ જવું હોય તો કુંભકોણમ જ જવું અને રહેવું સહેલું પડશે. જોકે હવે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો શનિ મંદિરમાં આવતા હોવાથી એ ગામથી બે-ત્રણ કિલોમીટરના અંતરે અનેક મોટી હોટેલ્સ, રિસૉર્ટ્સ ખૂલી ગયાં છે અને ફૂડ જૉઇન્ટ્સ પણ ખૂલ્યાં છે. મંદિર મૅનેજમેન્ટ તરફથી તેમ જ મંદિરની આસપાસ પણ અનેક આવાસો, લૉજ વગેરે છે. બટ, ભાષા પ્રૉબ્લેમ, ચોખ્ખાઈ પ્રૉબ્લેમ હોવાથી ક્યાં તપાસ કરવી એની બહુ સમજ પડતી નથી. જોકે એ વાત નોટિસેબલ છે કે પૂજારીઓને હિન્દી આવડતી નથી, આપણને તામિલ આવડતી નથી એ જ રીતે તેમની અંગ્રેજી પણ ધક્કામાર હોવા છતાં યેનકેન રીતે તેઓ દરેક મુલાકાતીને વિશેષ પૂજા-અર્ચના કરાવવા માટે કન્વિન્સ તો કરી જ દે છે. આ પૂજા કે ક્રિયાકાંડનો કોઈ ફિક્સ રેટ નથી; એ તો જેવા ભક્તો, જેવા પૂજારીઓ એવો ચાર્જ.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

મંદિરના ઑફિશ્યલ ટાઇમ પ્રમાણે એ બપોરથી ૧૨થી ૪ બંધ અને રાત્રે સાડાઆઠે મંગલ થવું જોઈએ પરંતુ શ્રદ્ધાળુઓના આવાગમનને કારણે ખુલ્લા રહેવાના સમયમાં કલાક-દોઢ કલાકનો વધારો સહજ છે.

જેમ મંદિરમાં ફોટોગ્રાફી અલાઉડ નથી તેમ મંદિરમાં ક્યાંય હિન્દી-ઇંગ્લિશમાં સૂચના બોર્ડ કે ઇતિહાસ વગેરેની માહિતીનાં બોર્ડ નથી.

દરેક ગ્રહ મંદિરની જેમ અહીં પણ શનિશ્વરનને ચડતાં કાળાં વસ્ત્રો, અનાજ, ફૂલ, તેલ, પ્રસાદ વેચતા અનેક સ્ટૉલ મંદિરના દરેક પ્રવેશદ્વાર પર છે. જોકે શનિની સાડાસાતી કે ગ્રહદોષ હોય કે ન હોય, અહીં આવતા મોટા ભાગના શ્રદ્ધાળુઓ લોખંડના પાત્રમાં તેલ નાખી એ તેલમાં પોતાનું પ્રતિબિંબ જોઈ એ પાત્ર અને તેલ દાન કરે છે. કહે છે એનાથી શનિબાબા જાતક પર હંમેશાં અમી નજર રાખે છે.

નળ સરોવરમમાં ડૂબકી લગાવતાં પૂર્વે દરેક જણ સંપૂર્ણ શરીરે તેલ ચોળીને પછી ડૂબકી મારે છે. આ પ્રથાને કારણે ક્યાંક-ક્યાંક જમીન લપસણી રહે છે. બી કૅરફુલ.

શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી હોવાથી શનિ ગ્રહની મૂર્તિની આજુબાજુ આ બે રાશિનાં ચિત્રો પણ પથ્થરમાં કંડારેલાં છે.

thiruvananthapuram culture news religion religious places tamil nadu columnists alpa nirmal gujarati mid-day